કામગીરી:ન્યારી-1 ડેમમાં ભરચોમાસે સૌનીના નીર પહોંચાડાયા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાએ માંગ કરી નથી પણ દરિયામાં પાણી જાય છે તેના કરતા ડેમમાં ઠાલવવા નિર્ણય

રાજકોટમાં આજી અને ન્યારી ડેમ સૌની યોજનાથી જોડાયેલા છે અને ચોમાસા બાદ બે વખત મનપાએ સૌની યોજનાથી ડેમ ભરવા માટે માંગ કરવી પડે છે જોકે ચોમાસામાં માંગ કર્યા વગર જ પાણી ચાલુ કરી દેવાય છે અને આ વખતે પણ તેવું જ બન્યું છે ન્યારી ડેમમાં રવિવારથી સૌની યોજનાથી પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે. મનપાના અધિકારીઓ જણાવે છે કે, આજી ડેમમાં 15 દિવસ પહેલા જ પમ્પિંગ ચાલુ કરી દેવાયું હતું જ્યારે ન્યારી ડેમમાં રવિવારથી પાણી આવી રહ્યું છે. આ માટે મહાનગરપાલિકાએ કોઇ માગણી કરી નથી પણ નર્મદા સરદાર સરોવર ડેમની વધતી સપાટી છે.

નર્મદા નદીમાં પાણીની આવક વધતા ડેમની સપાટી વધી રહી છે અને તેને કારણે દરવાજા ખોલીને પાણીને દરિયામાં છોડાઈ રહ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના હજુ ઘણા ડેમ ભરાયા નથી તેથી પમ્પિંગ ચાલુ કરીને સૌરાષ્ટ્ર બાજુ નર્મદા નીર છોડવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ડેમની સપાટી વધતા જ્યારે દરવાજા ખોલાયા હતા ત્યારે પમ્પિંગ ચાલુ કરી દેવાયું હતું.રાજકોટ શહેરમાં પાણી માટે આજી અને ન્યારી મહત્ત્વના સ્ત્રોત છે ચોમાસા પહેલા જ ચાલુ વર્ષે બે વખત નર્મદાનીરની માગ કરાઈ હતી. જેથી સિંચાઈ વિભાગે 650 એમસીએફટી જેટલો જંગી જથ્થો ડેમમાં પહોંચાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...