ભાસ્કર એનાલિસિસ:મોરબી દુર્ઘટનામાં સૌથી વધુ 10થી 30 વર્ષના તરુણ-યુવાનોનાં મોત, 1થી 10 વર્ષનાં 30 અને 30થી 65 વર્ષના 34 લોકોએ 3 સેકન્ડમાં ગુમાવી જિંદગી

રાજકોટએક મહિનો પહેલા

મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં દિવાળીની છેલ્લી રજા 134 લોકોની જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. સરકારે આપેલા સત્તાવાર આંકડા મુજબ મોતને ભેટેલા 134 લોકોમાંથી સૌથી વધુ 10થી 30 વર્ષના તરુણ અને યુવા વયના લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, આ બનાવમાં બાળકોનું પણ પ્રમાણ વધુ જોવા મળ્યું છે. 1થી 10 વર્ષનાં 30 બાળકો મચ્છુ નદીમાં હોમાયાં હતાં. જ્યારે 30થી 65 વર્ષના 34 લોકોએ જિંદગી ગુમાવી છે. જ્યારે એક મૃતકની ઉંમર જાહેર થઈ નથી. માત્ર 3 સેકન્ડમાં જ 132 લોકોએ પોતાની જિંદગીને અલવિદા કરી હતી.

ટિકિટ વેચીને અનેકની જિંદગી છીનવી લીધી
મોરબી માટે ગત અઠવાડિયાનો સન્ડે 'બ્લેક સન્ડે' સાબિત થયો હતો. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ હતી. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વેચીને અનેકની જિંદગી છીનવી લીધી. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, પરંતુ એમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનન્સ કરનારી એજન્સી સામે 304, 308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે, પરંતુ ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારે બનાવેલી ટીમ તપાસ કરે છે
રાજ્ય સરકારે બનાવેલી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. FSLની ટીમ પણ આ તપાસ ટીમની સાથે હતી. આ ટીમે તૂટેલા કેબલની ફોટોગ્રાફી કરી હતી. ત્યારબાદ બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે પણ અભ્યાસ શરૂ કરાયો હતો. તપાસ કમિટીના સભ્યો 25 મિનિટ તપાસ કરીને સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. FSL અને સ્પેશિયલ ફોર્સ દ્વારા અત્યારે પુલના ટાવર પર તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ માટે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી
મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યની કમિટી નીમવામાં આવી છે, જેમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે.એમ.પટેલ, (ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, HOD સ્ટ્રક્ચરલ એન્જિ., LD એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ તથા સંદીપ વસાવા, સચિવ માર્ગ અને મકાન અને સુભાષ ત્રિવેદી, IG- CID ક્રાઈમને કામગીરી સોંપવામાં આવી છે.

આજે વડાપ્રધાન મોરબીની મુલાકાતે
મોરબીની ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે, ફરીવાર મચ્છુ નદીમાં અનેક જિંદગીઓ હોમાઈ છે. ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદી આજે મોરબી પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ભાષણ દરમિયાન PM મોદીએ કહ્યું, હું એકતાનગરમાં છું, પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે, આટલું કહેતાં જ PM મોદીનો અવાજ રુંધાયો હતો. એક તરફ દર્દથી ભરાયેલું હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનો પથ છે, હું તમારી વચ્ચે છું, પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે. તેમણે આગળ કહ્યું, હું ભલે આજે અહીં તમારી વચ્ચે છું, પણ મારું મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે.

મોરબી સિવિલનું રંગરોગાન હાથ ધર્યું
મોરબી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલર કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વીડિયો પણ સામે આવ્યા છે. આખી રાત સિવિલ હોસ્પિટલમાં કામકાજ ચાલ્યું છે. રાતોરાત તમામ નવા ફ્રિજ, કૂલર અને તમામ બેડ નવા આવી ગયા છે. મોટાભાગના વોર્ડમાં ટાઈલ્સ પણ બદલાઈ ગઈ છે.

3 સેકન્ડમાં જ મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો
મોરબી દુર્ઘટનામાં એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ હતી. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ હતી. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા હતા. સીસીટીવીમાં કે રવિવારે સાંજે 6.32 વાગે પુલ તૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...