ગ્લોબલ વોર્મિંગ વચ્ચે આ વખતે કેસર કેરીનો પાક પ્રમાણમાં ઓછો આવવાની ધારણા વચ્ચે સિઝન પુરજોશમાં શરૂ થઇ ગઇ છે ત્યારે હજુ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સેન્ટર્સમાં સારી ઉત્તમ કેરીની આવકો જૂજ થઇ રહી છે. આ વખતે કેરી મોંઘી તો છે જ, તેમ છતાં ઊંચી કિંમત ચૂકવ્યા બાદ પણ કેસર કેરીમાં પરંપરાગત સ્વાદ, રસપ્રચૂરતા ન મળી રહી હોવાની ફરિયાદો વચ્ચે આવું શું કામ બની રહ્યું છે ? તે બાબતે ભાસ્કરે માર્કેટ એનાલિસિસ કરતા એવીં આશ્ચર્યજનક વાત સામે આવી હતી કે, ગ્લોબલ વોર્મિંગ વચ્ચે કેરી સમય કરતા વહેલી ઉતાર્યા બાદ ફળને ઝડપથી પકાવવાની લહાયમાં કેરીમાં ઇથિલીન ગેસના વધતા ઓછા પ્રમાણમાં ડોઝ દેવાતા હોવાથી કેરી રંગરૂપે પીળી થઇ જતી હોય છે પરંતુ તેમાં પરંપરાગત સ્વાદ-ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, આ સાલ કેરીની આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સિઝન શરૂ થયાથી 20 દિવસમાં અંદાજે 65,000 બોક્સની આવક થઇ છે, જે આવકો ગત સાલ આ સમયે બે લાખ સુધી પહોંચી ગઇ હતી. તાલાલા યાર્ડમાં દૈનિક અંદાજે 5000થી 5500 બોક્સની આવક થઈ રહી છે. પ્રતિ 10 કિલો બોક્સના રૂ.625થી 1325 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ વચ્ચે કેરીની ગુણવત્તા નબળી દેખાઇ રહી છે.
ખેડૂતોએ સમય કરતા પહેલા કાચી કેરી વેચવાનું શરૂ કરી દીધું છે તો સ્વાદરસિકોના ચસ્કા વચ્ચે વેચાણ પણ વહેલું થવા લાગતા ઓરિજિનલ ટેસ્ટનો અભાવ જોવા મળે તે સહજ બાબત છે. જે ફળ સંપૂર્ણ પાક્યું જ નથી ત્યાં જ તેને પકાવવા રાઇપનિંગ ચેમ્બરનો ઉપયોગ થાય છે. અગાઉ કાર્બેટનો ઉપયોગ થતો તેના પર બેન્ડ આવી ગયો છે, હાલ કેરીને પકાવવા ઇથિલીન ગેસનો ઉપયોગ થઇ રહ્યો છે.
રાષ્ટ્રીય સ્તરે વિદેશ કેરી મોકલવા માટે રાઇપનિંગ ચેમ્બરનો સહારો લેવાતો હોય છે પરંતુ સ્થાનિક સ્તરે આ પદ્ધતિનો ઉપયોગ વધતા હાલ વહેલી આવેલી કેરીમાં સ્વાદ-રસપ્રચૂરતા ઓછી દેખાઇ રહી છે. 25મી મે બાદ કેરી પાંચેક દિવસમાં પાકી જતી હોય છે, જ્યારે 25 એપ્રિલે ઉતારેલી કેરી આસાનીથી પાકતી નથી હોતી.
કેરી ઝડપથી પકાવવા રાઇપનિંગ ચેમ્બરમાં ઇથિલીનના ડોઝ દેવાતા રસપ્રચૂરતાને અસર
કેરીની નિકાસ કરવી હોય ત્યારે રાઇપનિંગ ચેમ્બરમાં કેરીને ઇથિલીન ગેસના ડોઝ આપવામાં આવતા હોય છે. ગેસ છોડવાની આ પ્રક્રિયા જરૂરિયાત મુજબ રાત્રી-દિવસ ચાલતી હોય છે. નિષ્ણાત હરસુખ જારસાણિયા કહે છે કે, યુકે મોકલવાની કેરી હોય તેને બે કલાક ઇથિલીનના ડોઝ અપાઇ છે, કેમ કે, ત્યાં વિદેશમાં 17 ડિગ્રી તાપમાનમાં કેરી ઉતરતી હોય છે.
જ્યારે સ્થાનિકમાં કાચી કેચી પકાવવામાં મોડું થાય તેમ હોય તેવી સ્થિતિમાં ઘણી વખત 24-48 કલાક સુધી કેરી પકાવવાના ડોઝ દેવામાં આવતા હોય તેવી સ્થિતિમાં કેરીમાંથી મૂળભૂત સ્વાદ ગાયબ થઇ જાય તેવું બનતું હોય છે. આ વખતે કેરી મોંઘી મળી રહી છે લોકો વધુ પૈસા ચૂકવી રહ્યા છે છતાં કેરીનો મુળભૂત સ્વાદ મળતો ન હોવાની ફરિયાદ ઊઠી રહી છે.
કાચી કેરી કરતા પાકી કેરીનું વેચાણ વધી ગયું, જથ્થાબંધમાં બોક્સના રૂ.1500-2100
રાજકોટમાં હાલ આફૂસ, કેસર અને પાયરી કેરીનું વેચાણ થઇ રહ્યું છે. અગ્રણી વ્યવસાયાર્થીઓ જણાવે છે કે, હાલ કાચી કેરીના બોક્સનું વેચાણ થઇ રહ્યું છે તેની સામે પાકી કેરી ખરીદનારો વર્ગ વધારે છે. સિઝન પૂરી થવાને ગણતરીના દિવસો ગણાવાઇ રહ્યા છે ત્યારે કેરીનો ઉપાડ ઝડપી ગતિએ વધ્યો છે.
રાજકોટમાં જથ્થાબંધમાં કેસર કેરીનું દસ કિલોનું બોક્સ કેરીની ગુણવત્તા ફળની સાઇઝ મુજબ રૂ.1500-2100ના ભાવે વેચાઇ રહ્યું છે, ત્યારે છૂટક બજારમાં સારી પાકી કેસર કેરી રૂ.280-360ના ભાવે વેચાઇ રહી છે. સામાન્ય રીતે કાચી કેરી લઈને પકવવાનો ટ્રેન્ડ વધારે જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે સીઝન વહેલી પૂરી થઈ જાશે તો? તેવું વિચારી લોકો કાચી કેરી ખરીદવાની જગ્યાએ પાકી વધુ ખરીદી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.