પેટ્રોલમાં દરરોજ ભાવવધારો થઇ રહ્યો છે, લીંબુના ભાવ આસમાને અડ્યા છે, તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે જેનો ભાર રૂમ રાખીને કે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા કે પેઇન્ગેસ્ટ તરીકે રહીને નોકરી કરતા યુવકો પર જોવા મળી રહ્યો છે. શિક્ષણની સાથે ભોજન પણ મોંઘું થતાં રૂ.1000નો માસિક ખર્ચ વધ્યાની હૈયાવરાળ વિદ્યાર્થીઓએ ઠાલવી હતી.
શહેરના યુનિવર્સિટી રોડ પર રૂમ રાખીને રહેતા અને અભ્યાસ કરતાં ભરત ગઢવી નામના યુવકે કહ્યું હતું કે, તેમના રૂમ નજીક ચાલતા મેસમાં પોતે નિયમિત જમવા જાય છે, અગાઉ રૂ.1800માં જમવાના 60 પાસ મળતા હતા, જેના હવે રૂ.2200 ચૂકવવા પડે છે, આ ઉપરાંત અગાઉ બાઇકમાં પેટ્રોલનો ખર્ચ મહિને રૂ.3000 થતો હતો જે ખર્ચ હવે રૂ.3500 થયો છે, આ ઉપરાંત રૂમમાં પાણીનો જગ મગાવતા હતા તેમાં પણ ભાવ વધ્યા છે.
મોંઘવારીને કારણે માસિક રૂ.1000નો આર્થિક બોજ વધ્યો છે. પાર્થ રાયચુરા નામના યુવકે જણાવ્યું હતું કે, પોતે રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, વાંચવા માટે નિયમિત લાઇબ્રેરીમાં જાય છે, પેટ્રોલ મોંઘું થતાં હવે લાઇબ્રેરીએ ચાલીને જાય છે, તેમજ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ રૂમ પર વાંચીને પેટ્રોલનો વપરાશ ઘટાડવાના પ્રયાસ કરે છે, આ ઉપરાંત જ્યાં જવું અનિવાર્ય હોય ત્યાં વાહન શેરિંગ કરે છે, જેથી ખર્ચનું ભારણ ઘટે.
અનલિમિટેડ થાળીના ભાવમાં રૂ.10નો વધારો, ભાખરી રૂ.20ની હતી તે હવે રૂ.25ની થઇ
દીપ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પોતે બે વર્ષથી રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, અગાઉ અલગ અલગ રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ થાળીના અલગ અલગ ભાવ હતા, રૂ.60થી 80માં થાળી મળતી હતી જેમાં હવે રૂ.10નો વધારો થયો છે, અને રૂ.70થી 90માં થાળી મળે છે, સવારે રેસ્ટોરન્ટ પર ચા અને ભાખરીનો નાસ્તો કરવા જાય છે મહિના પહેલા રૂ.20માં ભાખરી મળતી હતી જેના હવે રૂ.25 ચૂકવવા પડે છે.
ખાનગી હોસ્ટેલમાં વાર્ષિક ફી રૂ.60 હજાર હતી જે હવે રૂ.72 હજાર કરવામાં આવી
યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક પાસે આવેલી એક ખાનગી હોસ્ટેલમાં રહેતી પાયલ નામની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, પોતે બે વર્ષથી ઉપરોક્ત હોસ્ટેલમાં રહે છે, હોસ્ટેલમાં રહેવા અને જમવાના અગાઉ વાર્ષિક રૂ.60 હજાર થતા હતા, હવે મોંઘવારીને કારણે વાર્ષિક રૂ.12 હજારનો વધારો કર્યો છે, એક વર્ષની ફી રૂ.72 હજાર કરી દેવામાં આવી છે. શિક્ષણની સાથે જમવાનું મોંઘું બનતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બન્યાનો વિદ્યાર્થિનીએ વસવસો વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.