ધો. 10-12 રિઝલ્ટ સ્પેશિયલ:રાજ્યમાં આ વર્ષે બોર્ડનું રિઝલ્ટ 70% જેટલું ઊંચુ, પણ 90% લાવનારા સ્ટુડન્ટ ઘટશે, પેપર ચેકિંગમાં 50% શિક્ષકોની ગુલ્લીથી રિઝલ્ટમાં વિલંબ

રાજકોટ4 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ઓનલાઈન શિક્ષણ-ઓપ્શનલ સિસ્ટમ ઊંચા રિઝલ્ટ માટે કારણભૂત, પરંતુ હાઈસ્કોરિંગ પર અસર થશે
  • શિક્ષકોને ગુલ્લી માટે નોંધપાત્ર દંડ જ ન થતો હોવાથી ચેકિંગ માટે આવતા નિરીક્ષકોમાં ભારે અસંતોષ

આ વખતે બે વર્ષે ગુજરાતમાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થઈ છે. અત્યારે રાજ્યમાં બોર્ડના પેપરની ઉત્તરવહી ચકાસણી ચાલી રહી છે. આવામાં આ વર્ષે પરિણામ કેવું આવશે, વિદ્યાર્થીઓએ કેવા જવાબ લખ્યા છે અને શું સમસ્યાઓ સામે આવી રહી છે તે માટે બોર્ડે ખાસ અહેવાલ તૈયાર કર્યો છે. આમાં સૌથી મોટો મુદ્દો પેપર ચકાસવા આવતા શિક્ષકોની ગેરહાજરીનો ઉપસી આવ્યો છે. આમ તો આ કોઈ નવી વાત નથી, પરંતુ આ વર્ષે તો 50% જેટલા શિક્ષકો પેપર તપાસવા જ આવ્યા નથી. બીજી તરફ કોરોનાના બે વર્ષ ઓનલાઇન ભણેલા વિદ્યાર્થીઓના લખાણમાં ગુણવત્તાનો પણ સદંતર અભાવ જોવા મળ્યો છે. આ વર્ષે સહેલાં પેપર અને જવાબની ઓપ્શનલ સિસ્ટમ હોવાથી બોર્ડનું પરિણામ તો 70% આસપાસ આવશે, પરંતુ સ્કોરિંગ નીચું રહેશે તે નક્કી છે.

રાજકોટના 50% શિક્ષકોની પેપર ચેક કરવામાં ગુલ્લી
રાજકોટની જ વાત કરીએ તો આ વર્ષે કુલ 25 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ધો. 10 અને 12ના પેપરની ચકાસણી કરાઈ છે. દિવ્યભાસ્કરે આ અંગે એક સર્વે કર્યો તો જણાયું છે કે, આ વર્ષે પણ પેપર ચકાસણીમાં 50% શિક્ષકોએ ગુલ્લી મારી છે. બોર્ડ દ્વારા આ માટે દંડની જોગવાઇ રખાઈ છે, પરંતુ તેની રકમ શિક્ષક માટે રુ. 3,000 અને શિક્ષક દીઠ સ્કૂલ માટે રુ. 5,000 જેવી મામૂલી છે. અને છતાં તેની કડક અમલવારી માટે પેપર ચેકીંગમાં હાજર રહેલા શિક્ષકોએ માંગ કરી છે.

230 શિક્ષકોને કારણદર્શક નોટિસ, પગલાં ભરાશે
રાજકોટ DEO બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 4000 શિક્ષકોને પેપર ચકાસણીનો આદેશ કરાયો હતો. આમાંથી 60% જેટલા શિક્ષકો જ પેપર ચકાસણીમાં હાજર છે. જ્યારે કારણ વગર ગેરહાજર રહેલા 230 શિક્ષકોને નોટિસ અપાઈ છે. ત્રણ દિવસમાં ગુલ્લીબાજ શિક્ષકોએ ખુલાસો આપવો પડશે. તેમનો સંતોષકારક જવાબ નહીં આવે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.

શિક્ષકોને બદલે સ્કૂલને જ પેપર ચેક કરવા આપવા માગ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ-પ્રમુખ જતીન ભરાડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ વર્ષે બોર્ડના પરિણામમાં નહિવત એવો ફેરફાર જોવા મળશે. 85%થી 90% ઉપરના હાઈસ્કોરિંગ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. પરંતુ તેની સામે 60થી 80% વાળા વિદ્યાર્થીઓ વધશે. આનું મુખ્ય કારણ ઓનલાઇન એજ્યુકેશન છે, જેના કારણે ગુણવત્તાયુક્ત લખાણ ઉત્તરવહીમાં જોવા મળ્યું નથી. શિક્ષકોની પેપર ચકાસણીમાં ગેરહાજરી મુદ્દે અગાઉ પણ અમે બોર્ડના ચેરમેનને સૂઝાવ આપ્યો હતો કે, શિક્ષકોને બદલે સીધો સ્કૂલને જ પેપર ચકાસણીનો ઓર્ડર આપવામાં આવે, પણ આવું થયું નથી.

શિક્ષકોને એકે-એક જવાબ ચેક કરવાની સૂચનાથી વિલંબ
આ વર્ષે પેપર ચકાસણીમાં વધુ સમય લાગી રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ ઓપ્શનલ સિસ્ટમ છે. વિદ્યાર્થીઓએ લખેલા દરેક પ્રશ્નો ચકાસવા અને તેમાંથી સૌથી વધુ જે પ્રશ્નમાં માર્ક હોય તેને માન્ય રાખવાની સૂચના છે. આ કારણે પરિણામ ઊંચું આવી શકે છે. તો બીજી તરફ શિક્ષકોએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ મેળવ્યો છે માટે પ્રશ્નોના જવાબ માં દર વર્ષની જેમ ક્વોલિટી લખાણ જોવા નથી મળી રહ્યું.

રાજકોટના સેન્ટરોમાં પેપર ચેકિંગની સ્થિતિ
(1) ભૂષણ સ્કૂલઃ ધો.12 સા.પ્ર.ના 19,700 પેપર ચેક થવા આવ્યા. અહીં 150માંથી 82 શિક્ષકો જ પેપર ચેકિંગમાં આવ્યા, 68 ગેરહાજર, જેમાંથી 41 શિક્ષકોને નોટીસ માટે કાર્યવાહી શરુ.

(2) સ્વામિનારાયણ ગુરુકુળઃ ધો.10ના સંસ્કૃતના 12,000 પેપર આવ્યા. અહીં 65 માંથી 25 શિક્ષકો આવ્યા, 13ને નોટીસની કાર્યવાહી.

(3) સ્વામિનારાયણ ગુરુકુળઃ ધો.10ના હિન્દીના 14,000 પેપર આવ્યા. અહીં 115માંથી 68 શિક્ષકો ગેરહાજર, જેમાંથી 27 શિક્ષક સામે નોટિસની કાર્યવાહી.

(4) બારદાનવાલા સ્કૂલઃ ફિઝિક્સના ગુજરાતી-ઈંગ્લીશ માધ્યમના 10,000 પેપર આવ્યા. અહીં 200માંથી 100 શિક્ષકોની ગુલ્લી. કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગરથી આવેલા શિક્ષકોને દરરોજનું રૂ.240નું મહેનતાણું, પેપરદીઠ રૂ. 6.50 મળે છે.

(5) ભરાડ સ્કૂલઃ ધો. 12ના 50,100 પેપર આવ્યા. અહીં 510માંથી 271 શિક્ષકો ગેરહાજર રહેતા નોટિસની કાર્યવાહી શરુ.

(6) સરદાર સ્કૂલઃ ધો.10 ગણિત-ગુજરાતીના 48,000 પેપર આવ્યા. અહીં 240માંથી 54 શિક્ષકો આવ્યા નથી. નોટિસની કાર્યવાહી શરૂ.

(7) ઉદગમ સ્કૂલઃ ધો. 12ના 36,000 પેપર તપાસાવા આવ્યા. અહીં વાણિજ્ય વ્યવસ્થામાં 144 શિક્ષકોમાંથી 77 હાજર, 67 ગેરહાજર. જયારે અર્થશાસ્ત્રમાં 211માંથી 109 હાજર અને 102 ગેરહાજર.

(8) ચૌધરી હાઈસ્કૂલઃ બાયોલોજીના 6,900 પેપર આવ્યા. અહીં 190માંથી 72 શિક્ષકો ગેરહાજર. કાર્યવાહી શરુ.

અન્ય સમાચારો પણ છે...