ભાસ્કર એક્સક્લુઝિવ:સરકારી ચોપડે 99 આંગણવાડી જર્જરિત છતાં 56માં હજુ બાળકો બેસાડાય છે, વિજયનગરમાં જગ્યા ન મળતા 40 ભૂલકાંને સરપંચના ઘરે રાખવા પડ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લાની અનેક આંગણવાડી બે વર્ષ કે તેથી વધુ સમયથી ક્ષતિગ્રસ્ત, અમુક જગ્યાએ ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક જિલ્લાઓની આંગણવાડીની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી હોય તેવા માહોલ વચ્ચે પણ તંત્રવાહકો દેશનું ભવિષ્ય એવા ભૂલકાંઓના હિતમાં અસરકારક પગલાં ભરવામાં મહદંશે નિષ્ફળ સાબિત થઇ રહ્યા હોવાનું ચિત્ર ફલિત થઇ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 1360 આંગણવાડી ચાલી રહી છે, જે પૈકીની 99 આંગણવાડી સરકારી ચોપડે જર્જરિત દર્શાવવામાં આવી છે, તેનો અર્થ એવો કે ત્યાં ગમે તે સમયે મોટો અકસ્માત થઇ શકે છે.

ભૂલકાંઓ નાછૂટકે ભણવા મજબૂર બન્યા
આ પ્રકારની સ્થિતિ હોવા છતાં 56 મકાનમાં આજે પણ ભૂલકાંઓ નાછૂટકે ભણવા મજબૂર બની રહ્યા છે. રાજકોટ નજીકના વિજયનગર ગામે જર્જરિત આંગણવાડી સામે કોઇ વૈકલ્પિક જગ્યા ન મળતા નાછૂટકે 40 ભૂલકાં સરપંચના ઘરે બેસી ભણવા મજબૂર બન્યા છે! રાજકોટ જિલ્લામાં કુલ 1360 આંગણવાડી રજિસ્ટર્ડ છે, જે પૈકી 99 આંગણવાડી બે વર્ષ કે તેથી વધુ સમયથી ક્ષતિગ્રસ્ત છે.

આંગણવાડીઓના બાળકોને અન્યત્ર ખસેડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ
ક્ષતિગ્રસ્ત આંગણવાડીઓ અંતર્ગત કેટલીક આંગણવાડીઓના બાળકોને અન્યત્ર ખસેડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે, દરમિયાન હજુ 56 ક્ષતિગ્રસ્ત આંગણવાડી એવી છે કે, જેમાં ભૂલકાંઓ નાછૂટકે ભણવા મજબૂર બની રહ્યા છે. એક તરફ સરકાર ગામડે વિકાસની વાતો કરે છે, દેશભરના જિલ્લા પંચાયતના મોભીઓને દિલ્હીમાં એકત્રિત કરી પંચાયત સંમેલનો યોજે છે ત્યારે જ રાજકોટ જિલ્લામાં આંગણવાડી સંલગ્ન લાલિયાવાડીની પ્રતીતિ એક તબક્કે ચોંકાવનારી ગણાવાઇ રહી છે.

અનેક વખત રજૂઆત કરતા અંતે ડીડીઓએ મકાન ફેરવવા સૂચના આપી
વિજયનગર ગામના સરપંચ ભીખાભાઇ ગઢિયાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘અમારા ગામની આંગણવાડી બે વર્ષથી જર્જરિત છે. ચોમાસામાં બાળકો ઉપર પાણી પડે છે, લાદી ઉપસી ગઇ છે, છત ઉપર પોપડાં-ગાબડાંની સ્થિતિ છે, ખંડેર જેવું મકાન છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરતા અંતે ડીડીઓએ મકાન ફેરવવા સૂચના આપી છે. ભૂલકાંઓની આંગણવાડી માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા અંતે મારા મકાનમાં બાળકોને ભણાવવા મજબૂર બન્યા છીએ.’

ઉચ્ચ કક્ષાએ રજૂઆતો છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર નહી : આંગણવાડી સુપરવાઇઝર
આંગણવાડી વર્કરે જણાવ્યું હતું કે, ‘આંગણવાડીમાં 40 બાળક અભ્યાસ કરે છે, ક્ષતિગ્રસ્ત મકાન હોવાથી ચોમાસામાં વરસાદ આવે ત્યારે બાળકો ઉપર રીતસર પાણીની ધાર પડતી હોય છે. અનેક વખત રજૂઆત કરી છે, છતાં રિપેરિંગ કે કોઇ કાર્ય થતું નથી.’ વિજયનગર આંગણવાડીના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે, ‘આંગણવાડી રિપેરિંગ બાબતે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે, છતાં પરિસ્થિતિ ‘જૈસે થૈ’ની છે!’

ગામડાંમાં આંગણવાડીઓની ખરાબ હાલત, જવાબદારોના આંખ મિચામણા, બાળકો-વાલીમાં રોષ
વિજયનગર ગામની આંગણવાડી પણ જર્જરિત થઈ ગઈ છે, કોઈ વૈકલ્પિક જગ્યા ન મળતા ભૂલકાંઓને સરપંચે પોતાના ઘેર બેસાડવા પડ્યા.

મોડેલ આંગણવાડીઓ, ROની જાહેરાતો, પરંતુ બીજી બાજુ રિપેરિંગમાં જ ધાંધિયા
રાજકોટ જિલ્લામાં મોડેલ આંગણવાડીઓ બનાવવાની દિશામાં પ્રયત્નો, આંગણવાડીઓમાં આરઓ ફિટ કરવાની યોજના આ બધી વાત સારી છે, પરંતુ ત્યારે જ બીજી તરફ અંતરિયાળ ગામડાંઓની જે આંગણવાડીઓ કે જે ક્ષતિગ્રસ્ત છે, રિપેરિંગ ઝંખે છે, પાયાનો વિકાસ ઝંખે છે તે કાર્ય પ્રત્યે જ દુર્લક્ષતા સેવાઇ રહી હોવાના ઘાટ વચ્ચે ગ્રામ્યસ્તરે આ બાબત માટે જવાબદાર લોકો સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

આ રહી 99 જર્જરિત આંગણવાડી
મેટોડા-1, ખીરસરા-2, નગરપીપળિયા-3, માખાવડ, હરિપર પાળ, ભાડલા-3, ભાડલા-6, રાજાવડલા, ચીતલિયા, બરવાળા, મદાવા, પોરેવાળા-1, ખડવાવડી-1, જસાપર-1, રાજગઢ, હલેન્ડા-3, હરિપર, સૂકી સાજડિયાળી, ફાળદંગ, પાડાસણ, કાળીપાટ-1, કાળીપાટ-2, આણંદપર-5, સણોસરા-1, વિજયનગર, બેડી વાછકપર, કુચિયાદડ-2, ખાટલી-2, બરડિયા-3, વાવડી-2, બોરિયા-1, હરિયાસણ, મોટા ભાદરા-2, નાના દૂધીવદર, ગઢડા, તરઘડી-1, રંગપર, કેરાળા, ન્યારા-2, થોરિયાળી-2, મોવૈયા-2, પડધરી-2, ગોવિંદપર, નાની ચણોલ, ખોખરી-2, નાનાવડા, વડેખણ, વરજાંગ જાળિયા-1, વરજાંગ જાળિયા-2, ગધેથડ, નિલાખા-2, નિલાખા-2, વચલા કલારિયા, કેરાળા, સમઢિયાળા-3, તલગણા-1, ભીમોરા-1, ઇસરા-1, લાઠ-3, પાનેલી-8, વાસાવડ-6, કેશવાડા, ભેડાપીપળિયા, દેવકી ગાલોળ-3, ખીરસરા-1, રેશમડી ગાલોળ-2, વીરપુર-11, કોટડાસાંગાણી 3 થી 6, અરડોઇ-1, રાજપરા, ભાડવા, ખરેડા-1, પાંચ તલાવડા-1, દેવળિયા, નવી ખોખરી, નવી મેંગણી-3, આંબળિયાળા, ખડકાણા, કોટડા, મોટા હડમતિયા-1, ભડલી-2, સનાળા, વીંછિયા-4, વનાળા, કાસલોલિયા, પીપરડી-1, થોરિયાળી, ઓરી-2, ઓરી-3, કંધેવાળિયા-1, જનડા-1, હડમતાળા-2, નગાડકા, ચોરડી-1

અન્ય સમાચારો પણ છે...