મંજૂરી:અંતે યાર્ડના સંચાલકોને જ્ઞાન લાદ્યું, મગફળી માટે ટોકન સિસ્ટમ કરાઈ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 100 વાહનને જ મંજૂરી, 7 જાન્યુઆરી સુધી આ પદ્ધતિ અમલી

ગત સપ્તાહે માવઠાની આગાહી હોવા છતાં યાર્ડમાં નવી મગફળીની આવક સ્વીકારવામાં આવી હતી. બીજે જ દિવસે માવઠું- વાતાવરણમાં પલટો થતા આ તમામ મગફળીમાં ભેજ લાગી ગયો હતો. જેથી ખેડૂતોને નુકસાની ગઇ હતી. આ ભૂલમાંથી યાર્ડના સંચાલકોએ ઘડો લાડવો લીધો છે. આ સપ્તાહે ફરી પાછી માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બલ્કમાં મગફળીની આવક સ્વીકારવાને બદલે ટોકન સિસ્ટમથી વાહન સ્વીકારાશે. આ સિસ્ટમ 7 તારીખ સુધી જ અમલી રહેશે. રોજ 100 વાહનને જ મંજૂરી મળશે.

આ અંગે યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદી આગાહીને ધ્યાને લઇને મગફળીની આવક માટે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાનું રહેશે. જેનો સમય બપોરના 2 થી 6 નો રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન પરથી કરવાનું રહેશે. APMC Rajkot નામની એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરી શકાશે. 3 જાન્યુઆરીથી આ સિસ્ટમની શરૂઆત થઇ છે. જે 7 તારીખ સુધી યથાવત્ રહેશે. પહેલે દિવસે 100 રજિસ્ટ્રેશન થયા છે તેને ટોકન અપાયા છે. આ વાહનોને આજે યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. શનિવારે જ યાર્ડમાં પડતર મગફળીનો નિકાલ થઇ ગયો હતો, પરંતુ નવી વ્યવસ્થા નક્કી કરાઈ હોવાને કારણે નવી આવક સ્વીકારવામાં આવી નહોતી. આમ છતાં 100 જેટલા વાહન રવિવારથી જ યાર્ડની બહાર ઊભા રહી ગયા હતા.

ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં જ્યારે તેને ટોકન મળશે ત્યારે આ વાહનોને પ્રવેશ અપાશે. મગફળી માટે જ આ સિસ્ટમ અમલી બનાવાઈ છે. જ્યારે બાકીની જણસીની આવક રાબેતા મુજબની રહેશે. જણસીની આવક પ્લેટફોર્મ પર જ ઉતારવાની રહેશે. પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલની દુકાનમાં સલામત રીતે જણસીને સમાવવાની રહેશે. સવારે 6 થી 8 સુધી આ આવક સ્વીકારાશે અને 8.30 કલાકે હરાજીનો પ્રારંભ કરાશે.

અન્ય સમાચારો પણ છે...