તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવનારા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવે છે, પરંતુ ઇમર્જન્સી વોર્ડમાં AC-પંખા જ બંધ હાલતમાં હોવાથી દર્દીનાં સગાંને પોતાના ઘરેથી ટેબલ ફેન લાવવાની ફરજ પણ પડી રહી હોવાનું દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું. દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા છે તેમજ 24 કલાકમાં ગાંધીનગરથી આરોગ્ય કમિશનર પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. ત્યારે ફુલ્લી એસી ચેમ્બરમાં બેસનારા સિવિલના અધિકારીઓનો પણ પરસેવો છૂટી ગયો છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે AC- પંખા એક દિવસમાં શરૂ કરવા ટેક્નિશિયન ટીમને જાણ કરી છે.
રજામાં ટેક્નિયન રજા પર હતાઃ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ
ઉનાળામાં જ એસી બંધ રહેતાં દર્દીઓ અને તેમનાં સગાં-વહાલાં પરેશાન થઈ રહ્યા છે. એક તરફ, નેતાઓ અને અધિકારીઓની ચેમ્બરમાં એસી સારી રીતે ચાલી રહ્યાં છે ત્યારે બીજી તરફ, ગંભીર દર્દીઓની હાલત ઉનાળામાં કફોડી બની છે. ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઈમર્જન્સી વોર્ડમાં પંખા અને એસી બંધ હોવાની ફરિયાદ મળી છે. ગઈકાલે જ અમારી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આંબેડકરજયંતી અને ગુડ ફ્રાઇડેની રજા હોવાને કારણે ટેક્નિશિયન રજા પર હતા. સોમવાર સુધીમાં તમામ સુવિધાઓ ફરી એક વખત શરૂ કરી દેવામાં આવશે.
સિવિલનો દેખાડો સામે આવ્યો
ગાંધીનગરથી આરોગ્ય કમિશનર આવતા હોવાથી આજે સિવિલ હોસ્પિટલમાં પુરજોશમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય કમિશનર આવે એ પહેલાં જ રૂડું- રૂપાળું ચિત્ર ઊભું કરવા સફાઈ શરૂ કરવામાં આવી છે. સિવિલના કર્મચારીઓ સાફ-સફાઈમાં લાગી ગયા છે.
ઇમર્જન્સી વોર્ડમાં 5 AC પણ, બધાં બંધ
એક તરફ, ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ, ઉનાળામાં વધતો જતો રોગચાળો. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ, જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે રાજકોટ આવતા હોય છે, પરંતુ ભાસ્કરના રિયાલિટી ચેકમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં જ દર્દીઓની કફોડી પરિસ્થિતિ જોવા મળી હતી. ઇમર્જન્સી વોર્ડમાં એરકન્ડિશનર એક નહીં, પરંતુ પાંચ પાંચ છે, પરંતુ એ તમામ બંધ હાલતમાં છે. આ દરમિયાન દર્દીઓના સંબંધીઓને ટેબલ ફેન પોતાના ઘરેથી લાવવાની ફરજ પડી રહી છે. જ્યારે જેના ઘરે ટેબલ ફેન ન હોય અથવા તો એ ખરીદવા પૈસા ન હોય તો પોતાની ફાઇલ અથવા થાળીથી હવા નાખતા નજરે પડ્યા હતા.
સાંસદે આપેલાં AC બંધ હાલતમાં
રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહન કુંડારિયા દ્વારા દર્દીઓને સારી સુવિધા મળી રહે એ માટે પોતાની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 દરમિયાન એરકંડિશનર આપવામાં આવ્યાં હતાં, પરંતુ આ બંધ હાલતમાં જોવા મળ્યાં હતાં. એને કારણે આવી કાળઝાળ ગરમીમાં દર્દીઓ તેમજ દર્દીઓના સંબંધીઓ હાલાકીનો સામનો કરતા નજરે પડ્યા હતા.
દર્દીએ બમણી પીડા સહન કરવી પડે છે
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામથી જમનાદાસ પટેલ નામના 86 વર્ષના વૃદ્ધ દર્દી છેલ્લા 15 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં કિડનીની બીમારીની સારવાર લઇ રહ્યા છે. તેમના સંબંધી પ્રવીણભાઇએ જણાવ્યું હતું કે અહીં એસી છે, પણ બંધ હાલતમાં છે. પંખા છે પણ કોઇ હવા નથી આવતી. ગરમીને કારણે દર્દીએ બમણી પીડા સહન કરવી પડે છે, માટે તંત્ર પાસે અમે એસી નહિ તો હવા આવે એવા પંખાની સુવિધાની માગ કરી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.