તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:કર્ફ્યૂમાં ગુનેગાર બેલગામ, છરીથી હુમલો કરી ત્રણ શખ્સે ચલાવી લૂંટ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાંઇબાબા સર્કલ નજીક રાત્રીના 10.30ના બનેલો બનાવ
  • સોનાની માળા તેમજ રોકડ મળી 30 હજારની મતા લૂંટી ગયા

શહેરમાં રાત્રીના દસ વાગતાની સાથે જ રાજમાર્ગો પર બેરિકેડ ગોઠવી પોલીસ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કામગીરીનો ઓડકાર ખાય છે. બીજી તરફ કર્ફ્યૂના સમયમાં ગુના આચરી ભયનો માહોલ ફેલાવતા ગુનેગારોને પકડવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

હરિ ધવા રોડ, મોરારિનગર-2માં રહેતા અને પડવલામાં રેસ્ટોરન્ટ ધરાવતા અરવિંદભાઇ વેલજીભાઇ બોદરે નોંધાવેલી ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા તેઓ અને મિત્ર અશોકભાઇ પાનસુરિયા રેસ્ટોરન્ટથી પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે સાડા દસ વાગ્યાના અરસામાં સાંઇબાબા સર્કલ પાસે પહોંચતા સામેથી ટ્રિપલસવારી બાઇક આવી ઊભું રાખી દીધું હતું. બાદમાં ત્રણેય શખ્સે ગાળો ભાંડી બાઇક પરથી નીચે ઉતરી નેફામાંથી છરી કાઢી પોતાની પાસે ધસી આવ્યા હતા. છરી સાથે ત્રણેય શખ્સ નજીક આવતા મિત્ર અશોકભાઇ ગભરાઇ જતા તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ ત્રણ પૈકી એક શખ્સ છરી સાથે પોતાની નજીક આવ્યો હતો. પોતે કંઇ સમજે તે પહેલા જ તે શખ્સે ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની માળા ખેંચી તોડી લઇ લીધી હતી. જેથી તેનો પ્રતિકાર કરતા તે શખ્સે છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડી હતી.

બાદમાં અન્ય એક શખ્સે પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાખી પર્સ કાઢી લીધું હતું. જેમાંથી રૂ.10 હજારની રોકડ હોય તે કાઢી લઇ ખાલી પાકીટ પરત આપ્યું હતું. સોનાની માળા તેમજ રોકડની લૂંટ ચલાવ્યા બાદ પોતાના બાઇકની ચાવી કાઢી લઇ ત્રણેય શખ્સ તેમના બાઇકમાં નાસી ગયા હતા.અનેે પોતે તુરંત ઘરે જતા રહ્યા હતા. જ્યાં પરિવારને વાત કરતા બનાવના બે દિવસ બાદ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધ્યો છે અને તેમને પકડવા સીસીટીવી કેમેરા તપાસવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...