ઉજવણીમાં લોકો રઝળ્યા:દેશમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર, રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગરબા રમવામાં વ્યસ્ત, લોકો સવારથી લાઇનમાં, રોષ ઠાલવ્યો

રાજકોટએક મહિનો પહેલા
સ્ટાફ ગરબામાં વ્યસ્ત લોકો લાઇનમાં.
  • શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં રંગોળી દોરી કેક કાપી ઉજવણી કરી
  • આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી ઉજવણી કરી

દેશમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર પહોંચતા રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય ટીમે ઇન્જેક્શન, વેક્સિનની બોટલ, 100 કરોડનો આંકડો અને તિરંગાની રંગોળી દોરી ખુશી મનાવી હતી. દિવાળી પહેલા જ આરોગ્ય કેન્દ્રોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે 100 દીવડા પ્રગટાવી અને કેક કાપી ઉજવણી કરી હતી. તેમજ સ્ટાફ દ્વારા ગરબા રમવામાં આવી રહ્યા હતા ત્યારે વેક્સિન લેવા લોકોની લાઇન લાગી હતી. ગરબા રમવામાં વ્યસ્ત સ્ટાફ સામે લોકોમાં રોષ ભભૂક્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, સવારથી જ વેક્સિન માટે લાઇનમાં ઉભા છીએ પણ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હાલ ઉજવણી ચાલે છે તો થોડી રાહ જુઓ.

ઉજવણી થતી હોવાથી બપોર પછી આવો તેવું કહે છેઃ મહિલા
એક મહિલાએ જણાવ્યું હતું કે, હું સવારે સાડા નવ વાગ્યાથી આવી છું. પરંતુ સ્ટાફે જવાબ આપ્યો કે તમારે બેસવું હોય તો બેસો નહીંતર જવા દ્યો. હાલ ઉજવણી ચાલે છે તો મોડુ થશે. એક માજી પડી ગયા તો તેને ઉભા પણ કોઇએ કર્યા નહીં. મેં જઇને માજીને ઉભા કર્યા. સ્ટાફે કહ્યું કે, અમે મીડિયામાં આવી જઇએ પછી વેક્સિનેશન ચાલુ થશે અથવા બપોર પછી આવો. એક યુવાને જણાવ્યું હતું કે, ઉપરના માળે ફંક્શન ચાલે છે અને અમે પૂછવા ગયા તો અડધી કલાક રાહ જુઓ તેમ કહેવામાં આવે છે પણ આવી તો ઘણી અડધી કલાક જતી રહી પણ વેક્સિનેશન ચાલુ થયું નથી. હું દવા લેવા આવ્યો પણ કોઇ જવાબ દેતા નથી. કેક કાપવામાં બધા વ્યસ્ત છે. સિવિલમાં જતા રહો તેવું કહેવામાં આવે છે. તો સરકારે શું કામ આરોગ્ય કેન્દ્રો ખોલ્યા છે.

સ્ટાફની ઉજવણીમાં લોકો રઝળી પડ્યા.
સ્ટાફની ઉજવણીમાં લોકો રઝળી પડ્યા.

વેક્સિનેશનને વધુ વેગ મળે તે માટે હજુ પણ પ્રયત્ન ચાલુઃ નાયબ આરોગ્ય અધિકારી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં માત્ર 1 ટકા લોકો બાકી છે. રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકડ રાઠોડ સહિતના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહી ઉજવણી કરી હતી. ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, વેક્સિનેશનને વધુ વેગ મળે તે માટે હજુ પણ પ્રયત્ન ચાલુ રહેશે. રાજકોટવાસીઓએ વેક્સિનેશન કાર્યક્રમ માટે સકારાત્મક દાખવી છે.

સ્ટાફ દ્વારા 100 દીવડા પ્રગટાવી ઉજવણી કરાઇ.
સ્ટાફ દ્વારા 100 દીવડા પ્રગટાવી ઉજવણી કરાઇ.

શહેરમાં 11,30,234 લોકોએ પ્રથમ ડોઝ લીધો
રાજકોટ શહેરમાં 11,30,234 લોકો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે. જ્યારે 6,41,756 લોકો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં 99 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો હોવાથી હવે માત્ર 1 ટકા લોકો જ બાકી રહ્યા છે. જ્યારે બીજો ડોઝ 86 ટકા લોકો લઇ ચૂક્યા છે.

હેરાન થતી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો.
હેરાન થતી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો.
અન્ય સમાચારો પણ છે...