રાજકોટમાં વધી રહેલા ચેક રિટર્નના બનાવો વચ્ચે અદાલતે ચેક આપી દુરૂપયોગ કરતા લોકો સામે કડક વલણ અપનાવી સજાના હુકમ કરી રહી છે. ત્યારે વધુ ત્રણ ચેક રિટર્ન કેસમાં ઉદ્યોગપતિ, સુરતના એજ્યુકેશન કન્સલ્ટન્ટને એક-એક વર્ષની, તેમજ અન્ય એક આરોપીને છ મહિનાની સજાનો હુકમ કર્યો છે.રાજકોટમાં ફયૂઝન ઇન્ડસ્ટ્રીઝના નામથી વેપાર કરતા ડેરેન શૈલેષભાઇ ગોહેલ સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. અન્યથા વધુ એક મહિનાની સજાનો અદાલતે આદેશ કર્યો છે.
આરોપીએ નરેન્દ્રભાઇ ડુંગરભાઇ ઝાલાવડિયા પાસેથી રૂ.6 લાખ લીધા હતા. જેની સામે આપેલો ચેક વસૂલાયા વગર પરત ફરતા નરેન્દ્રભાઇએ એડવોકેટ રક્ષિત કલોલા મારફતે નોટિસ અને બાદમાં કોર્ટમાં ફરિયાદ કરી હતી. બીજા કેસમાં સુરત રહેતા અને એજ્યુકેશનલ કન્સલટન્ટ તરીકે કામ કરતા મહેશ હરીભાઇ ઇટાલીયાને એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વળતર ન ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો છે. ડો.અરૂણ એન.ઠકરારે એડવોકેટ વૈભવ બી.કુંડલીયા મારફત નોંધાવેલી ફરિયાદમાં, પુત્રના મેડિકલ એડમિશન માટે આરોપીનો સંપર્ક કર્યો હતો.
જેમાં 25 લાખનો ખર્ચ થશેની વાત કરતા ડો.અરૂણે આરોપીને 14 લાખ આપ્યા હતા. બાદમાં એડમિશન નહિ થતા પૈસા પરત માંગતા 2.90 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા ફરિયાદ નોંધાવી હતી. ત્રીજા કેસમાં ગાયત્રીનગરમાં રહેતા ઉર્મિલાબેન કિરણભાઇ આશરા પાસેથી સબંધીના નાતે ઉછીના લીધેલા 3 લાખ સામે ચેક આપનાર મુકેશ હરિલાલ પારેખ સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાઇ હતી. એડવોકેટ બકુલ રાજાણી મારફત નોંધાયેલી ફરિયાદમાં પુરાવાને ધ્યાને લઇ અદાલતે આરોપી મુકેશને દોષિત ઠેરવી 1 વર્ષની સજા અને વળતર ચૂકવવા હુકમ કર્યો છે, ન ચૂકવે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.