મર્ડર:ધંધાની હરીફાઇમાં ભાણેજે બે શખ્સને સોપારી આપી મામાનું કાસળ કઢાવી નાખ્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં દુકાન પાસેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી
  • ભાણેજને મેટોડામાં પંક્ચરની દુકાન, મામા માણસો લઇ જતા હોવાની શંકા હતી

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં રહેતા બિહારી યુવાનની તેના ઘર નજીક જ લોહિયાળ હાલતમાં લાશ મળી આવી હતી. યુવકને તેના જ ભાણેજે ધંધાકીય હરીફાઇમાં બે શખ્સોને સોપારી આપી હત્યાનો કારસો રચ્યો હતો. ભાડૂતી હત્યારાઓએ ટોમીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતાં પોલીસે આરોપીને ઝડપવાની કવાયત શરૂ કરી હતી.

વાજડીમાં રહેતો અને ઘર સાથે જ પંક્ચરની દુકાન ધરાવતો બિહારી યુવાન મોહમ્મદ જશીમ મોહમ્મદ અલ્લાઉદીન શાહ (ઉ.વ.37) ગુરૂવારે રાત્રે દુકાનની બહાર ખાટલો નાખીને સૂતો હતો, શુક્રવારે સવારે 6 વાગ્યે તેની પુત્રી ગુડિયા (ઉ.વ.4) ઘરની બહાર નીકળીને પિતા પાસે પહોંચી હતી ત્યારે પિતા મોહમ્મદ લોહિયાળ હાલતમાં જોવા મળતા તે રડવા લાગી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા, ઘટના અંગે જાણ કરાતા 108 પહોંચી હતી પરંતુ ઇએમટીએ જોઇ તપાસી મોહમ્મદને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ઠાકર સહિતની ટીમ પહોંચી હતી. યુવકના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકાયાનું લાગતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. મોહમ્મદની હત્યા થયાનું પોસ્ટમોર્ટમમાં ખુલતાં પોલીસે મૃતકના ભાઇ મોહમ્મદ નસીમ શાહની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરનો મોહમ્મદ જશીમ આઠેક વર્ષથી વાજડી સ્થાયી થયો હતો અને પંક્ચર સાંધવાની દુકાન ચલાવતો હતો, પત્ની રોઝીનાખાતુન પુત્રી ગુડ્ડી (ઉ.વ.4) અને પુત્ર ભોલુ (ઉવ.8) સાથે રહી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરપ્રાંતીય યુવકને કોઇની સાથે દુશ્મનાવટ નહોતી તો તેની હત્યા કોણે અને શા માટે કરી તે બાબત સ્પષ્ટ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી, જોકે પોલીસે ગણતરીની કલાકમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. બિહારનો જ વતની મોહમ્મદ જશીમનો ભાણેજ મેટોડામાં પંક્ચર સાંધવાની દુકાન ધરાવતો હતો અને તેને મામા મોહમ્મદ જશીમ પોતાની દુકાનના માણસો લઇ જતો હોવાની શંકા અને ધંધાકીય હરીફાઇને કારણે ભાણેજે બે શખ્સને સોપારી આપી હત્યા કર્યાનું ખુલતા પોલીસે આરોપીને પકડવા કવાયત શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...