તહેવારમાં સોના-ચાંદીની ચમક વધી:શ્રાવણમાં ભગવાનના શૃંગાર, આભૂષણો બનાવવાનું પ્રમાણ 10 ગણું વધ્યું, રોજ 150 કિલો ચાંદીનો વપરાશ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાન, વર્કશોપમાં દિવસ-રાત કામગીરીનો ધમધમાટ
  • અહીં બનેલા શંૃગાર દેશ-વિદેશના મંદિરમાં અર્પણ થાય છે
  • કારીગરોને મળતી રોજીરોટીનું પ્રમાણ વધ્યું

શ્રાવણ માસથી રાજકોટની સોના-ચાંદી બજારની ચમક વધી છે. અત્યારે રોજના 150 કિલો સોના-ચાંદીમાંથી ભગવાન,મંદિરને ભેટ ધરવાના દાગીના-શૃંગાર બની રહ્યા છે. જે સામાન્ય દિવસો કરતા આ પ્રમાણ 10 ગણું વધારે છે. અહીં બનેલા સોના-ચાંદીના દાગીના આભૂષણો- શૃંગાર દેશ-દુનિયાના તમામ મંદિરોમાં ભેટ ચડાવવામાં આવે છે. સોના-ચાંદીની દુકાન, વર્કશોપ, ઓફિસ વગેરેમાં અત્યારે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા ચાંદીના વેપારી મનુભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, ચાંદીના ભાવ ઘટવાને કારણે, કોરોના પછી બે વર્ષ બાદ તમામ તહેવારની ઉજવણી પાબંદી વગર થાય છે.

એ સિવાય લોકોની આસ્થા પણ વધી છે. તેથી આ પ્રમાણ વધ્યું છે. દાગીના-આભૂષણ બનાવવાનું પ્રમાણ વધવાને કારણે કારીગરોને મળતી રોજીરોટીમાં પણ વધારો થયો છે. અત્યારે સૌથી વધુ શિવલિંગ, નંદી, કાચબો, શિવજીનું થાળુ, બીલીપત્ર, મટુકી, બાજોઠ, બેડાં, ગાગર વગેરે બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટનું નકશીકામ અને કલાકૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત છે.

ભક્તો 100 ગ્રામથી લઈને 10 કિલો ચાંદીમાંથી દાગીના બનાવવાનું પસંદ કરે છે
ભક્તો 100 ગ્રામથી લઈને 10 કિલો ચાંદીમાંથી અલગ- અલગ દાગીના બનાવી રહ્યા છે. રૂ.50 હજારથી લઇને 5 લાખ સુધીની કિંમતના આભૂષણો- શૃંગાર બનાવી રહ્યા છે. જેને કારણે હાલ ચાંદી બજારનો વેપાર દૈનિક 2 કરોડ સુધીનો થાય છે. આ ઓર્ડર અષાઢ મહિનાથી નોંધાવવાના શરૂ થઈ ગયા છે.

રસોઇ બનાવવાના વાસણો પણ ચાંદીના
ઠાકોરજીને થાળ ધરવા માટેના તમામ વાસણો ચાંદીમાંથી બનાવવામાં આવે જ છે, પરંતુ એની જે રસોઈ બને છે તે પણ ચાંદીના વાસણોમાં જ તૈયાર થાય છે અને આ માટે વાસણો ખાસ ઓર્ડર અને ડિઝાઈનથી બનાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...