રાજકોટમાં થોડા વરસાદમાં રસ્તાઓ ખાડામાં બદલાય જાય છે. ત્યારે શહેર આખું ખાડામાં હોય તેવા દૃશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ અને કિચડ જોવા મળે છે. જેને લઇ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અનેક રજૂઆત છતાં કોઈ ડોકાતું પણ નથી. આવી જ હાલત શહેરના વોર્ડ નં.18માં આવેલી શિવસાગર સોસાયટીની છે. અહીં રસ્તા પર કિચડ જામી જતા લોકો ત્રાસી ગયા છે. સ્થાનિક લોકોએ આજે થાળી વગાડી વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આવા રસ્તાને કારણે કોઇ મહેમાન પણ ઘરે આવતા નથી. તેમજ મત માગવા આવશો નહીં, પહેલા કામ કરોના દરેક ઘરની બહાર બેનર લગાવવામાં આવ્યા છે.
એક મહિલાને ત્રણ ત્રણ વખત મેલેરિયા થઈ ગયોઃ સ્થાનિક મહિલા
વોર્ડ નં.18માં આવેલી શિવસાગર સોસાયટીમાં સ્થાનિકોએ આજે થાળી વગાડી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રહેવાસી વર્ષાબેને જણાવ્યું હતું કે, અહીં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. પાંચ દિવસ સુધી ગંદકી આમને આમ છે, કોઈ ડોકાયું પણ નથી. ઘરે-ઘરે માંદગી છે, પાડોશમાં તો એક મહિલાને ત્રણ ત્રણ વખત મેલેરિયા થઈ ગયો છે. આ સિવાય કોઈ મહેમાનો પણ આવતા નથી. ગંદકી અને ગારાના હિસાબે ઘરે ઘરે 500-500 રૂપિયા કાઢી પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવી પડી છે. કોઈ રાજકારણીએ મત માંગવા આવવું નહીં, પહેલા કામ કરો પછી મત માંગવા આવજો તેવા બેનરો લગાડ્યા છે.
અઠવાડિયામાં ઉકેલ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરીશું- સ્થાનિક મહિલા
સ્થાનિક લેલાબેન બળદેવભાઇ કડિયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં રોડ, પાણી, ગટરના પ્રશ્નો છે. રસ્તાનો એક એક શેરીમાં પ્રશ્ન છે. ગંદકીના કારણે બે વખત મારા દીકરાને ડેન્ગ્યુ થઇ ગયો હતો. અમારી શેરીમાં જ ચાર-પાંચ હાલ ડેન્ગ્યુના કેસ છે. રસ્તો બનાવી દે તો ભલે નહીંતર અમે મત આપવાના જ નથી. એક અઠવાડિયામાં કોઇ ઉકેલ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાના છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.