રાજકોટના શાપર-વેરાવળમાં આદર્શ સોસાયટીમાં રહેતાં યુવાને રાતે ત્રણ વાગ્યે એસિડ પી લીધું હતું. બાદમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એસિડ પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને પોલીસને જણાવ્યું હતું કે, 5 વર્ષ પહેલા સોશિયલ મીડિયાથી વલસાડની યુવતી સાથે પરિચય થયો હતો. બાદમાં પ્રેમ થતાં બંનેએ મૈત્રીકરાર કર્યા હતાં અને સાથે રહેવા માંડ્યા હતાં. ગત શનિવારે પ્રેમિકા ઘરમાંથી રોકડા 30 હજાર અને મારો મોબાઇલ ફોન લઇને જતી રહી હતી. મેં કોન્ટેક્ટ કરતાં તેણે પોતે આગલા ઘરના પુત્રને મળીને પાછી આવે છે અને અમદાવાદ છે તેવી વાત કરી હતી. પરંતુ તે પાછી ન ફરતા હું તેને શોધવા અમદાવાદ ગયો હતો. પરંતુ પત્તો ન મળતાં રાતે રાજકોટ પરત આવ્યો હતો અને નિરાશ થઇ એસિડ પી લીધું હતું.
મારી પત્ની સામે કેમ જોવે છે કહી શખસે રિક્ષાચાલકને માર માર્યો
રૈયા ગામમાં રહેતા ગૌતમ અરજણભાઈ વરણ ગઇકાલે સવારે મેટોડા GIDC ગેટ-1 પાસે હતા ત્યારે ધસી આવેલા મોહન નામના શખસે તું મારી પત્ની સામે કેમ જોવે છે કહી ઝઘડો કરી હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવક રિક્ષા ચલાવવાનું કામ કરે છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સા કાપી ગુનાને અંજામ આપવામાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીની રાજકોટ શહેર ડીસીપી ઝોન 1ની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં એકાદ વર્ષથી ફરાર આરોપી ગોવિંદ ઉર્ફે અરવિંદ ઉર્ફે ફૂલી નકુમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મધ્યસ્થમાં હત્યાના ગુનાના કેદીએ કાચ ખાઇ લીધા
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા હત્યાના ગુનાના કેદી ગોંડલના આકાશ હસમુખભાઇ આડતીયાએ સાંજે સાડા આઠેક વાગ્યે જેલમાં હતો. ત્યારે કાચ ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સમક્ષ કેદીએ જેલમાં ગમતું ન હોવાનું રટણ કર્યું હતું. જ્યારે બીજા કેદી અસલમ ઇબ્રાહીમભાઇ બેલીમે પોતાની બિમારીની દવા ચાલુ હોઇ તેની વધુ ગોળી પી લેતા તબિયત બગડતાં તેને પણ સિવિલ હોસ્પિટલ પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. પોલીસે બંનેના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના મંડલીકપુરમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા મહિલાનું મોત
જેતપુરના મંડલીકપુર પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં સવાર મહિલાનું સારવાર દરમિયાન મોત થતા અજાણ્યા ટ્રક ચાલક સામે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી સીકંદરભાઇ સીદીભાઇ ખીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી માતા રોશનબેન 15 મેના રોજ ધોરાજીથી રિક્ષામાં બેઠા હતા. ત્યારે જેતપુર નજીક આવેલા મંડલીકપુર પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલ્ટી મારી ગઇ હતી. જેમાં મારી માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રાજકોટમાં કાચની શીટ માથે પડતા ભાણેજનું મોત
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં રહેતો ફૈઝાન દિલશાદભાઇ શેખ થોડા દિવસ પહેલા રાજકોટ 80 ફૂટ રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતા કાકાના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો. સર્વોદય સોસાયટીમાં આવેલા એક કારખાનામાં તેના કાકા કામ કરતા હોઇ તે ગઇકાલે કારખાનામાં બેઠો હતો ત્યારે અચાનક કાચની મોટી શીટ તેના માથે પડતા તેને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતું અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે
પતિ મારકૂટ કરતો હોવાની પરિણીતાની ફરિયાદ
રાજકોટ શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક સ્કાયસિટીમાં રહેતી પરણીતાએ તેનો પતિ અસહ્ય ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિયરનો સહારો ન હોવાથી મોટા બહેન સાથે રહેતી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ 30-11-2021થી અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હતો. નાની નાની વાતોમાં ઝઘડા કરીને મારકુટ કરતો હતો. પતિનો સીતમ સહન ન થતા અંતે પરિણીતાએ પોલીસનો સહારો લીધો હતો. પરણીતાને સંતાનમાં એક પુત્રી છે. હાલ તેની ઉંમર સાડા ત્રણ વર્ષની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રાજકોટમાં મોબાઈલ ચોરની ધરપકડ
રાજકોટ શહેરના શીતલ પાર્ક ચોક નજીક આવેલ રંભામાની વાડી ખાતે દીવાલ કૂદી અંદરથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખસની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી મહેશ કુવારદીયાની ધરપકડ કરી ચોરાઉ ચાર મોબાઇલ સાથે રૂ.14,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુનિવર્સિટી પોલીસે વિદેશી દારૂની 39 બોટલ ઝડપી
રાજકોટ યુનિવર્સિટી પોલીસે શહેરના પુષ્કરધામ રોડ પર કેવલમ ક્વાટર્સ પાસે આંગણવાડીની ખુલ્લી જગ્યામાંથી 18,975 કિંમતની 39 નંગ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. જેમાં દારૂનો જથ્થો મહેન્દ્રસિંહ પરમાર અને પિયુષ ચાવડાનો હોવાનું ખુલતા ફરાર બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.