રાજકોટમાં વધુ બાળકી દુષ્કર્મનો શિકાર બની છે. રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સમયે જલગંગા કારખાનામાં છ વર્ષની બાળકીને મોબાઈલમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી રૂમની ઓરડીમાં લઇ જઇ સગા માસાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી તેને પકડી કાયદાનું ભાન કરાવ્યું છે
પોકસોની કલમ હેઠળ કાર્યવાહી
રાજકોટના શાપરમાં આવેલ જલગંગા નામના કારખાનાની ઓરડીમાં રહેતા એક પરિણીતાએ ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ ઠાકરશી મકવાણાનું નામ આપતા તેની સામે બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી શાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે વિક્રમને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.
ઓરડીનો દરવાજો બંધ કરી દીધો
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે કારખાનાની ઓરડીમાં રહે છે.પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની ઓરડી જ્યાં છે ત્યાં સામે જ સગી બહેન પણ તેમના પતિ સાથે રહે છે.તાં.30/07ના રોજ પરિણીતા ઉપરના માળે મોબાઈલ પર વાતચીત કરી રહી હતી અને પતિ બીમાર હોય જેથી તેઓ ઘરમાં સુતા હતા. ત્યારે છ વર્ષની દીકરી ઉપરના માળેથી નીચે તેમના માસીના રૂમ પાસે આવતા ત્યાં તેમના માસા વિક્રમે મોબાઈલ બતાવી તેમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી ઓરડીમાં લઇ ગયો હતો અને ઓરડીનો દરવાજો બંધ કરી દીધો હતો.
વિક્રમ કઢંગી હાલતમાં પડ્યો હતો
પરિણીતાએ મોબાઈલ પરથી વાતચીત પૂર્ણ કરી પોતાની ઓરડીમાં ચાલી ગઈ હતી. ત્યારે તેની માસૂમ દિકરી રડતી હોય જેથી બહેનની ઓરડીનો દરવાજો ખાખડાવતા દરવાજો ખુલ્યો નહોતો અને જેથી બારીમાંથી ઓરડીની અંદર જોતા વિક્રમ કઢંગી હાલતમાં પડ્યો હતો. જેથી માતાએ બુમાબુમ કરતા આજુબાજુની ઓરડીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેમજ ફરિયાદી પરિણીતાની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી. તેમજ વિક્રમને મેથીપાક ચખાડ્યો હતો.
વિક્રમે પ્રેમલગ્ન કર્યા છે
ત્યારબાદ ફરિયાદી મહિલાને આરોપી બનેવી થતો હોય જેથી પોલીસમાં ફરિયાદ મોડી કરી હોવાનું જણાવ્યું હતું. વિક્રમે પ્રેમલગ્ન કર્યા છે. વિક્રમ મજૂરી કામ કરે છે તેણે તેની છ વર્ષની ભાણેજને હવસનો શિકાર બનાવી હતી. આરોપી વિક્રમને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.