નરાધમની ધરપકડ:શાપરમાં શખસે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા રાજકોટ હોસ્પિટલે ચેકઅપ માટે આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી મહેશની પોલીસે ધરપકડ કરી હતી. - Divya Bhaskar
આરોપી મહેશની પોલીસે ધરપકડ કરી હતી.

રાજકોટ નજીક શાપરમાં છ મહિના પહેલા નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનોજ સગીરાને ગર્ભ રાખી બાદમાં સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલ આવતા ભાંડો ફૂટી ગયો હતો અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. હાલ પોલીસે મૂળ જેતપુરના મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાના ભાઈએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત વિગત મુજબ છ મહિના પહેલા શાપરમાંથી એક 17 વર્ષની સગીરા અચાનક ગુમ થઇ જતા સગીરાના ભાઇએ અજાણ્યા શખસ સામે અપહરણની ફરિયાદ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે IPC કલમ 363, 366 હેઠળ ગુનો દાખલ કરી સગીરાનું અપહરણ કોણ કરી ગયું અથવા સગીરા ક્યા ગુમ થઇ ગઇ તે અંગે તપાસ હાથ ધરી હતી. 6 મહિનાની શોધખોળ બાદ પણ આ ગુનો અનડિટેક્ટ રહેતા ગુનાની ગંભીરતા સમજી રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આ ગુનાની તપાસ ત્રણ દિવસ પહેલા રાજકોટ રૂરલ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સોંપી હતી.

ટેકનિકલ સોર્સની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી
આ શાખાના નોડલ ઓફિસર LCB PI વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં આ યુનિટના ઇન્ચાર્જ PI ટી.એસ. રીઝવીની રાહબરીમાં તેમની ટીમે આ ગુનાની તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને બાતમી મળી હતી કે, ભોગ બનનાર સગીરાને રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે. બાતમી મળતા જ તુરંત ઇન્ચાર્જ PI રીઝવી ટીમ સાથે ગુંદાવાડી હોસ્પિટલે દોડી ગયા હતા. જ્યાં સગીરા મળી આવી હતી. તબીબ સગીરાને ચેકઅપ કરી રહ્યા હતા અને ત્યાં જ ખુલાસો થયો હતો કે, સગીરા ગર્ભવતી છે અને તેને દોઢ મહિનાનો ગર્ભ છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી
તપાસ કરતા મનોજ ભુપત ડેરવાડીયા સગીરાને લઇને આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેની પૂછપરછ કરતા મનોજે જણાવ્યું હતું કે, પોતે લોઠડામાં શ્રી હરિઓટો ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો. તે મુળ જેતપુરનો છે અને ત્યાં વડલી ચોક, ચાંપરાજપુર મેઇન રોડ, કોળી જ્ઞાતિની વાડી સામે રહે છે. ભોગ બનનાર સગીરા જ્યારે શાપરમાં તેમના સંબંધીને ત્યાં હતી ત્યારે બંને સંપર્કમાં આવેલા અને ફોન નંબરની આપ-લે થઇ હતી. ફોન પર લાંબો સમય વાતો કર્યા બાદ છ મહિના પહેલા સગીરાને ભગાડી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી લઇ સગીરાને પરિવારને સોંપવા તજવીજ કરી હતી. આરોપી અને ભોગ બનનારે લગ્ન કરી લીધા છે કે કેમ? આરોપી સગીરાને ક્યા ક્યા લઇ ગયો હતો? અને શરીર સંબંધ ક્યારે અને ક્યા બાંધ્યો હતો તે અંગે તપાસ હાથ ધરાશે.

પહેલા અપહરણની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ ગુનામાં અગાઉ આરોપી કોણ છે તે ખ્યાલ નહોતો. આથી ફક્ત અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. બાદમાં આરોપી ઝડપાય જતા અને તેની ઓળખ થતા એટ્રોસિટીની કલમ ઉમેરાશે અને તપાસ Dysp એસ.સી.એસ.ટી.સેલને સોંપવામાં આવશે.