જળકટોકટી:સૌરાષ્ટ્રના 45 ડેમ ત‌ળિયાઝાટક, 141 ડેમમાં હવે બચ્યું માત્ર 25.2 ટકા પાણી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસું ટકોરા દઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જળસ્રોતોમાં તળિયા દેખાવા લાગ્યા છે. કુલ 141 જળાશય પૈકી 45 જળસ્રોતો એવા છે કે જેની જીવંત જળસપાટી ઝીરો થઇ ગઇ છે, તો તમામ ડેમમાં હવે માત્ર 25.2 ટકા જ પાણીનો જથ્થો બચ્ચો છે. રાજકોટના 9, દ્વારકાના 10, હાલારના 8, પોરબંદરના 5, સોરઠના 4, મોરબીના 3, અમરેલીના 2, ઝાલાવાડના 4 અને બોટાદના પણ 4 ડેમ-જળાશયો ખાલી થઇ જતા, જળકટોકટી વધુ તીવ્ર બની ગઇ છે.

છેવાડાના ગામડાંઓમાં ટેન્કર યુગ શરૂ થવા છતાં પાણીની તંગીની બૂમરાણ મચી રહી છે, વરસાદ ખેંચાશે તો પાણીની અછત સમસ્યા સર્જશે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ 647.60 એમસીએફટી પાણીનો જથ્થો એટલે કે, માત્ર 25.2 ટકા જળરાશિ બચી છે. ગત વર્ષે 9મી જૂને ડેમમાં 821.34 એમસીએફટી પાણી નોંધાયું હતું, ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે 173.74 એમસીએફટી પાણીનો જથ્થો ઓછો છે. ગત તા.31મી મેએ જળાશયોમાં 34.20 ટકા પાણી બચ્યું હતું. નૈઋત્યનું ચોમાસું આગળ ધપ્યું છે, ત્યારે વરસાદ સમયસર આવી જશે તેવી ગણતરીઓ મુકાઇ રહી છે.

દરમિયાન જો વરસાદ સમયસર નહીં આવે તો ગામડાંઓની પરિસ્થિતિ પાણીને લઇને વધુ વણસશે. ધરતીપુત્રો અત્યારથી જ વરસાદનો ઇંતેજાર કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર પંથકમાં નદી-નાળા, જળાશયોમાં પાણીનું સ્તર સતત નીચે જઇ રહ્યું છે. 141 ડેમમાં 9મી એપ્રિલે 35.86 ટકા પાણીનો જથ્થો હતો, જે સ્તર હાલ ઘટી માત્ર 25.2 ટકાએ પહોંચી ગયું છે.

સૌથી ગંભીર સ્થિતિ દ્વારકા જિલ્લાની છે, તે વિસ્તારના જળાશયોમાં હાલ માત્ર 1.63 ટકા જ પાણી બચ્યું છે. રાજકોટના 25 ડેમમાં 25.61 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. દેવભૂમિ દ્વારકા પંથકના જળાશયોમાં માત્ર 1.63 ટકા જ પાણી બચતા મોટાભાગના ડેમમાં તળિયા દેખાઇ ગયા છે. બોટાદ જિલ્લાના જળસ્રોતોમાં 2.42 ટકા, અમરેલી જિલ્લામાં 26.52 ટકા, ભાવનગર જિલ્લામાં 33.73 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 26.31 ટકા, જામનગર જિલ્લામાં 13.03 ટકા, જૂનાગઢ જિલ્લામાં 14.50 ટકા, મોરબી જિલ્લામાં 22.30 ટકા, પોરબંદર પંથકમાં 18.07 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના જળસ્રોતોમાં 16.10 ટકા જ પાણીનો જળજથ્થો બચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...