સેનેટ ચૂંટણી:સૌરાષ્ટ્ર યુનિ.માં દાતાની 3 સીટ સામે 12 ઉમેદવારો રેસમાં, કોંગ્રેસના 2, ભાજપના 10 ઉમેદવારો વચ્ચે સીધો જંગ

રાજકોટ4 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈલ તસવીર.
  • 31 જાન્યુઆરીના રોજ જાહેર થનાર ફાઇનલ યાદી બાદ દાતાના પ્રતિનિધિ કોણ છે તે જાહેર થઇ શકે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં નો રિપીટ થીયરી અમલ થવાની ભીતિએ સિન્ડિકેટ સભ્યોએ પોતાનું સેનેટ પદ બચાવવા માટે છેલ્લા એક મહિનાથી દોડધામ શરૂ કરી છે. સરકાર માન્ય કે અન્ય કોઈ જગ્યાએ રિપીટ ન થઇ શકાય તો દાતાની સુરક્ષિત સીટ પર ભાગબટાઇથી ચૂંટાઈ જવા માટે તખતો ગોઠવાઈ ગયો છે. જેમાં ત્રણ સીટ સામે 12 ઉમેદવારો રેસમાં ચાલી રહ્યા છે. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 10 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે.

43 લોકોના નામ મતદારોની યાદીમાં સમાવાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સેનેટની ચૂંટણીમાં મતદાતાની નોંધણી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ યાદી પણ જાહેર કરવામાં આવી છે. જે માટે આગામી 31 જાન્યુઆરી સુધી સુધારા વધારા માટે સમય પણ આપવામાં આવ્યો છે. જુદા જુદા 7 કેટેગરીમાં સેનેટની ચૂંટણી થવાની છે. દાતાની કુલ 3 સીટનો સમાવેશ થાય છે. દાન આપે તેને દાતા તરીકે લેવામાં આવે છે અને 43 લોકોના નામ મતદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે પણ દાન આવે તેને સિન્ડિકેટ મંજૂરી આપે પછી તે મતદાતા તરીકે નોંધાય છે.

31 જાન્યુઆરી બાદ ફોર્મ ભરવાની કાર્યવાહી થશે
વધુમાં જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરીના રોજ જાહેર થનાર ફાઇનલ યાદી બાદ દાતાના પ્રતિનિધિ કોણ છે તે જાહેર થઇ શકે તેમ છે. માટે ત્યારબાદ સાચુ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે. એ પછી એટલે કે 31 જાન્યુઆરી બાદ ફોર્મ ભરવા અને ચૂંટણી માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટીમાં 23 મે 2022થી નવી સેનેટ અસ્તિત્વમાં આવશે. જેમાં દાતાની 3 સીટ સામે 12 ઉમેદવારો રેસમાં ચાલી રહ્યા છે. સેનેટ દાતા અથવા તેના પ્રતિનિધિ તરીકે ભાજપના સિન્ડિકેટ સભ્ય ભાવિન કોઠારી, નેહલ શુક્લ, ભરત રામાનુજ, મહેશ ચૌહાણ અને કલાધર આર્યનું નામ ચાલી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી.

સ્પર્ધાત્મક બનેલી ચૂંટણીમાં કોણ બાજી મારશે તે જોવું મહત્વનું
આ સિવાય IFFCO (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો ઓપરેટીવ લિમિટેડ)માંથી ભાજપના દિલીપ સંઘાણી, પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદી, RSSના જ્યોતિન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતા, સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય, નેહા દફ્તરી, સુહાસિની શાહ ઉપરાંત કોંગ્રેસના નિદત બારોટ અને હરદેવસિંહ જાડેજા રેસમાં છે. ગત ટર્મમાં નેહલ શુક્લ, ભાવિન કોઠારી અને જાડેજા ડોનર સેનેટ હતા. જ્યારે આ વખતે કોંગ્રેસમાંથી બારોટ ઉપરાંત અન્ય બે સીટ પર ભાજપમાં જ 10 દાવેદારો છે. ત્યારે આખરે યુનિવર્સિટીની સેનેટની ચર્ચાસ્પદ અને સ્પર્ધાત્મક બનેલી ચૂંટણીમાં કોણ બાજી મારશે તે જોવું મહત્વનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...