પાક પર માઠી અસર:સૌરાષ્ટ્રમાં કપાસમાં સુકારો આવતા જગતાત ચિંતામાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં વધુ પડેલા વરસાદની માઠી અસર ખેડૂતોમાં જોવા મળી. સૌરાષ્ટ્રનો મુખ્ય પાક ગણાતા કપાસમાં સુકારો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. જેમાં રાજકોટ જિલ્લામાં આવેલા રફાળા, ખેરડી, ગુંદા, પારેવાળા, મેસવડા, મઘરવાડા ગામમાં કપાસના પાકમાં ઉત્પાદન પહેલા જ રોગચાળાનો ભરડો લાગતા પાક ધીમે ધીમે બગડી રહ્યો છે.

જિલ્લામાં અતિરેક વરસાદની અસર કપાસના પાકમાં જોવા મળી. જેમાં રાજકોટ જિલ્લામાં રફાળા, ખેરડી, ગુંદા, પારેવાળા, મેસવડા, મઘરવાડા ગામના ખેડૂતો ચિંતિત છે. એક ગામમાં અંદાજિત 200 વીઘા વાવેતરમાંથી 140 જેટલા વીઘામાં વાવેલ કપાસના પાકમાં નુકસાની જોવા મળી રહી છે. એટલે કે એક ગામના અંદાજિત 60-70 ખેડૂતોના પાક સુકાવા લાગ્યો છે. જેથી ગામના ખેડૂતો દ્વારા સરવે કરવાની રજૂઆત પણ કરાશે. છેલ્લા અઠવાડિયામાં આસપાસના ગામમાં ભારે વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાયા હતા. કપાસના પાકમાં પાણીની સાથે-સાથે તડકો મળવો પણ જરૂરી છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વાદળિયા વાતાવરણના કારણે પાકને જોઈએ તેટલો તડકો ન મળતા કપાસનો પાક સુકારા નામના રોગના ભરડામાં આવી ગયો છે.

50 વીઘામાં કપાસનો પાક નિષ્ફળ થયો
‘50 વીઘામાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું, હવે પાકની ડાળ લાલ અને કાળા રંગની થવા લાગી છે, ધીમે-ધીમે કપાસનો પાક સડવા લાગ્યો છે. પાક વાવેતર માટે 2.5 વીઘાએ 3 હજારનો ખર્ચ થયો એટલે કે 50 વીઘામાં કુલ 60 હજારનો ખર્ચ થયો પરંતુ પાક નિષ્ફળ જતાં હવે આ તમામ રૂપિયા ઘરના ભોગવવાનો વારો આવ્યો છે.’ > વિનુભાઈ, ખેડૂત, મઘરવાડા

અન્ય સમાચારો પણ છે...