સૌરાષ્ટ્ર નવું રણમેદાન:સૌરાષ્ટ્રમાં પાટીદારોને પ્રભુત્વ આપ્યું પણ ‘જોર’ કરનારાઓને ‘ઝટકા’ મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં રૈયાણીના સમર્થકોએ ઉપલાકાંઠા વિસ્તારમાં મીઠાઇ વહેચી હતી. - Divya Bhaskar
રાજકોટમાં રૈયાણીના સમર્થકોએ ઉપલાકાંઠા વિસ્તારમાં મીઠાઇ વહેચી હતી.
  • સત્તાનું કેન્દ્ર સૌરાષ્ટ્રમાંથી સુરત તરફ ફંટાયું, મંત્રીઓની સંખ્યા યથાવત્ પણ વજન ઘટ્યું
  • આગામી ચૂંટણીમાં ભાજપ માટે સૌરાષ્ટ્ર નવું રણમેદાન બને તો નવાઇ નહીં : ધોળકિયા

રાજ્યના નવા મંત્રીઓએ શપથ લઈ લીધી છે અને ખાતાઓની પણ ફાળવણી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં મંત્રીઓની સંખ્યા પહેલા જેટલી જ રહી છે પણ તેમાં પાટીદારોને વધુ પ્રભુત્વ અપાયું છે પણ જે કદાવર નેતા અને ચહેરા હતા તેને બદલે નવા ચહેરાઓને લેવાયા છે. આ ઉપરાંત જે ખાતા ફાળવાયા છે તેમાં કોઈ મહત્ત્વના કહી શકાય તેવા નથી જે પહેલા હતા અને જે મજબૂત હતા તેમને બાકાત રાખવાથી તેમને અને તેમના સમર્થકોને પણ ભારે ઝટકો લાગ્યો છે.

રાજકીય વિશ્લેષક કશ્યપ ધોળકિયા જણાવે છે કે, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા તેમજ કૃષિ, વાહન વ્યવહાર, પુરવઠા જેવા મહત્ત્વના વિભાગો પણ સૌરાષ્ટ્રના મંત્રીઓને ભાગે આવ્યા હતા. જેથી સત્તાનું કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ હતું પણ હવે તે સુરત તરફ ગયું છે. જે કદાવર નેતાઓ હતા તે તમામને મંત્રીમંડળમાંથી બાકાત રખાયા છે તેથી તે પણ એક પડકાર બન્યો છે કારણ કે, જેમને લેવાયા છે તેઓ સામાજિક અને જ્ઞાતિના સમીકરણોમાં તેમની જેટલી છાપ ધરાવતા નથી.

જેમ કે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા, આર. સી. ફળદુ આ તમામ નેતાઓ સામાજિક સ્તરે મજબૂત છે અને તેની સામે અરવિંદ રૈયાણી કે પછી દેવાભાઈ એટલા મજબૂત ન ગણી શકાય તેથી જ્ઞાતિ સમાજમાં પણ આ નિર્ણયથી અસર રહેશે. આ તમામ કારણોસર સૌરાષ્ટ્ર ભાજપ માટે આગામી ચૂંટણીમાં કપરા ચઢાણ જેવી હશે અને એક નવા મેદાન તરીકે ઊભરી આવશે.

આ માટે તેઓએ ડેમેજ કંટ્રોલ માટે વિજય રૂપાણી અને વજુભાઈ વાળાનો ચહેરો આગળ કરવો પડી શકે અથવા તો પાટીદાર સમાજને પોતાની તરફ જ રાખવા માટે સૌરાષ્ટ્રમાં મોટા નેતાને આગળ કરવા પડશે. આ કારણે સૌરાષ્ટ્રમાં હવે ચૂંટણીના સમીકરણો કે જે વર્ષોથી એક જ બીબાઢાળ અને અપેક્ષિત હતા તે તમામ બદલાઈ જશે. જોકે એક પાસું એ પણ છે કે કોરોનામાં જૂના ચહેરાઓ સામે ઘણો રોષ હતો કદાચ ચહેરા બદલવાથી તે રોષ પણ દૂર કરવામાં સફળતા મળી શકે.

ચૂંટણીને હવે એકાદ વર્ષ જ બાકી છે અને ત્યાં સુધીમાં કામ કરીને પોતાની યોગ્યતા સાબિત કરવાનો આ નવા નેતાઓને મોકો મળ્યો છે. કદાચ એવું પણ બની શકે કે ભાજપ આ પૈકી અમુકને જ ટિકિટ આપે અને વળી નવા ચહેરા લાવી આ ફોર્મ્યુલા રિપીટ થઇ શકે. (કશ્યપ ધોળકિયા રાજકીય વિશ્લેષક)

અન્ય સમાચારો પણ છે...