તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી થતા ખાદ્યતેલમાં કૃત્રિમ તંગી દૂર, તેલના એક ડબે રૂ. 160નો ઘટાડો

રાજકોટ3 મહિનો પહેલા
ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈ પોપટ
  • વરસાદને કારણે જૂના માલનો નિકાલ થતા પુરતો માલ મળ્યો

છેલ્લા કેટલાક સપ્તાહથી ખાદ્યતેલમાં બેફામ તેજી જોવા મળી રહી છે. એક બાજુ આયાતી તેલની આવક ઓછી છે અને તેમાં ઈમ્પોર્ટ ડ્યૂટી લાગુ થતા સાઈડ તેલના ભાવો આસમાને પહોંચ્યા હતા. ત્યારે હાલ સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે એક મહિનામાં કપાસિયા તેલના ડબે રૂ.95 નો ઘટાડો થયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી થતા ખાદ્યતેલમાં કૃત્રિમ તંગી દૂર થઈ છે અને તેલના એક ડબ્બે 160 રૂપિયાનો ઘટાડો થયો છે.

સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2365 નોંધાયો
આ અંગે ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈ પોપટે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સૌરાષ્ટ્રની મગફળી ખરીદવા માટે સાઉથના વેપારીઓ આવતા હોય છે. તેના બદલે આ વખતે પહેલીવાર સાઉથના વેપારીઓ-ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્ર આવ્યા છે. આ મગફળીનું હાલમાં પિલાણ ચાલુ છે. આ મગફળીના પિલાણમાં એક ડબ્બે પડતર રૂ. 100 ઓછી આવે છે. જેને કારણે એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.160નો ઘટાડો આવ્યો છે. સોમવારે સિંગતેલના ડબ્બામાં રૂ. 40નો ઘટાડો આવ્યો હતો. જેને કારણે સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2365 નોંધાયો હતો.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ભાવ ઘટવા માટેનાં કારણો
ખેડૂતો પોતાની પાસે રહેલો માલ વેચવા કાઢી રહ્યા છે તેથી કાચો માલ પુરતા પ્રમાણમાં મળી રહે છે. લોકડાઉન લંબાશે તેવી ગણતરીએ સંગ્રહખોરોએ માલનો સંગ્રહ કર્યો હતો, પરંતુ આ ધારણા ખોટી પડી એટલે એમને પોતાની પાસે રહેલો માલ વેચવા કાઢવા લાગ્યા છે. જેથી કૃત્રિમ તંગી દૂર થઈ, લોકોએ બીજા લોકડાઉનમાં જે જરૂરિયાત હતી તેના કરતા વધુ માલની ખરીદી કરી લીધી એટલે અત્યારે બજારમાં માલની ખપત ઓછી છે. સામે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.

ખાદ્યતેલના ભાવ પર એક નજર
સિંગતેલના ભાવ ઘટવાને કારણે કપાસિયા તેલમાં પણ નરમ વલણ જોવા મળ્યું હતું. કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 15નો ઘટાડો આવતા ડબ્બાનો ભાવ રૂ.2275નો થયો હતો. આ સિવાય વનસ્પતિ ઘીમાં રૂ. 20નો ઘટાડો આવ્યો હતો. જ્યારે બાકીના ખાદ્યતેલોમાં સ્થિર વલણ રહ્યું હતું. સિંગતેલના ભાવમાં આખું વર્ષ ઊથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2600ની ઉપર ચાલ્યો ગયો હતો.

સિંગતેલ લૂઝનો ભાવ ગગડીને 1400ની નીચે
વનસ્પતિ ઘીના ભાવમાં રૂ.110નો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સિંગતેલના ડબ્બામાં રૂ. 25, કપાસિયા તેલમાં રૂ. 40, પામોલીનમાં રૂ.225, સનફ્લાવર તેલમાં રૂ.340 અને કોર્ન ઓઇલમાં રૂ. 40 ભાવ ઘટ્યા હતા. રાજકોટમાં સિંગતેલ લૂઝનો ભાવ ગગડીને 1400ની નીચે સરકી રૂ.1375નો થયો હતો. કપાસિયા વોશમાં ભાવ ઘટતા તેમાં રૂ.1270ના ભાવે સોદા થયા હતા.