રાજકારણમાં આગળ, શિક્ષણમાં પાછળ:સૌરાષ્ટ્રમાં ધો. 12 સાયન્સ પછી સારા શિક્ષણ અને સારા પ્લેસમેન્ટનો અભાવ, 25%થી વધુ સ્ટુડન્ટ્સ બહાર જતા રહે છે

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ધો.12 પછી સારી કારકિર્દી માટે હજારો યુવક-યુવતીઓ ઘર છોડવા મજબૂર
  • સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી માત્ર 3 જિલ્લામાં જ મેડિકલ કોલેજ
  • નેતાઓએ જાણે સૌરાષ્ટ્રના યુવાનોની ચિંતા કરવાને બદલે અવગણના કરી

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર એ એક અનેરું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાં કુલ 11 જિલ્લાનો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાંથી અંદાજિત 25,000 વિદ્યાર્થી પાસ થતા હોય છે. જોકે આ બધા વચ્ચે સૌરાષ્ટ્રની શૈક્ષિણક સ્થિતિ પર નજર કરીએ તો વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક જરૂરથી માની શકાય એવી છે. દર વર્ષે પાસ થતા વિદ્યાર્થીઓ પૈકી 25 ટકા વિદ્યાર્થીએ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર બહાર અથવા તો ગુજરાત બહાર જવું પડે છે, આથી આ પણ એક ચિંતાનો વિષય જરૂરથી માની શકાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રના નેતાઓ વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક ઊણા ઊતર્યા
રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી અનેક નેતાઓ ગુજરાતના રાજકારણમાં સત્તા પર બેસી શિક્ષણમંત્રી, નાણામંત્રી, કૃષિમંત્રી અને મુખ્યમંત્રી પદ સુધીની જવાબદારી નિભાવી ચૂક્યા છે, પરંતુ આ નેતાઓ સૌરાષ્ટ્રના યુવાનોની ચિંતા કરવાને બદલે અવગણના જ કરી હોય એવું લાગી રહ્યું છે. જાહેરસભા કે જાહેર મંચ પરથી નેતાઓ ભાષણ તો કરતા હોય છે કે, યુવાપેઢી આપણી આવતીકાલનું ભવિષ્ય છે, પરંતુ આ જ નેતાઓ સૌરાષ્ટ્રને સારું શિક્ષણ આપવામાં ક્યાંક ઊણા ઊતર્યા હોય એવું લાગી રહ્યું છે.

વલ્લભ વિદ્યાનગર એટલે જાણે વિદ્યાનું ધામ
આ અંગે રાજકોટના શિક્ષણવિદ નિદત બારોટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ધો.12 સાયન્સની અંદર દર વર્ષે 20થી 25 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય છે. સામાન્ય રીતે હજુ પણ B ગ્રુપ એટલે કે મેડિકલ ક્ષેત્ર, જેમાં આયુર્વેદિકમાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાં એટલે કે અમદાવાદ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને સુરત તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ખૂબ જૂની સમયથી ચાલી આવતી વાત છે. વિદ્યાનગર એ તો જાણે વિદ્યાનું ધામ હોય એવું નગર છે. ગુજરાત યુનિવર્સિટી જૂની અને જાણીતી યુનિવર્સિટી છે. હવે GTU સાથે સંલગ્ન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખૂબ જ જાણીતી છે.

ભાવનગર અને મોરબીમાં એન્જિનિયરિંગ કોલેજો જૂની
નિદત બારોટે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ 40થી 50 વર્ષ જૂની છે. ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટો સ્ટાફ ધરાવે છે. રાષ્ટ્રીય લેવલે ઈન્ટરનેશનલ કહેવાય એવા મોટા સ્કોલર્સ પણ જૂના કેમ્પસમાં જોવા મળે. સૌરાષ્ટ્રમાં હજી એન્જિનિયરિંગ કોલેજો પ્રમાણમાં નવી છે. આપણી જૂનીમાં તો મોરબી અને ભાવનગરની એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. આ બે કોલેજ જૂની હતી. બાદમાં નવી 15-17 કોલેજો આવી, આ કોલેજો બાલ્યાવસ્થામાંથી પસાર થતી હોય એવું લાગે છે. અહીં અધ્યાપકો યુવાનો અને અનુભવ ઓછો જોવા મળે છે.

સૌરાષ્ટ્રમાં મોટી ઇન્ડસ્ટ્રીઝના અભાવે પ્લેસમેન્ટની તક ઓછી
નિદત બારોટે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનું કલ્ચર અંગ્રેજીથી ભાગતા લોકોનું છે. એના કારણે આપણા અધ્યાપકો, વ્યવસ્થા તંત્ર એ પણ ઈન્ટરનેશનલ ઓપનિંગ તરફ દિશા ખૂલવી જોઈએ એ ખોલવામાં આપણે કદાચ પાછળ રહ્યા છીએ. વિદ્યાનગર, અમદાવાદ, સુરત, વડોદરા આ બધી કોલેજમાં ઈન્ટરનેશનલ કામગીરી થઈ રહી છે એવી આપણે અહીં કરવામાં પાછળ છીએ. અમદાવાદથી સુરત સુધી, જેમાં વાપી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ સહિતના વિસ્તારોમાં ખૂબ મોટી ફાર્માસ્યુટિકલ, પેરા-મેડિકલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેથી રોજગારીની તકો વધુ જોવા મળે છે, જેની સામે પ્રમાણમાં સૌરાષ્ટ્રની અંદર આવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી નથી માટે પ્લેસમેન્ટની શક્યતાઓ ઓછી જોવા મળે છે, એટલે કે રોજગારીની તકો સૌરાષ્ટ્રમાં ઓછી છે.

મેડિકલના મોટા ભાગના વિદ્યાર્થીની પસંદ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ન માત્ર એન્જિનિયરિંગ કે મેડિકલ, પરંતુ Bsc અને Msc કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સૌરાષ્ટ્ર બહાર જાય છે. આ વિદ્યાર્થીઓને નોકરીની તકો સૌરાષ્ટ્રમાં ન હોવાથી સૌરાષ્ટ્ર બહાર અભ્યાસ કરવા જાય છે. સૌરાષ્ટ્રની અંદર એકેડેમિક કલ્ચર ઊભું થવું જોઇએ, એ ટેકનોલોજી, ફાર્મસી, આર્ટ્સ-કોમર્સમાં પણ નથી થયું. સૌરાષ્ટ્રમાંથી 25 ટકા વિદ્યાર્થીઓ બહાર જાય છે, જેમાં મેડિકલક્ષેત્રે અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર બહાર જવાનું પસંદ કરતા હોય છે, જેમાં તેમની પ્રથમ પસંદગી અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોય છે.

દરેક જિલ્લામાં એક સારી સરકારી હોસ્પિટલની જરૂર
તેમણે જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર એમ કુલ ત્રણ મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે અને દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે, પરંતુ મેડિકલ કોલેજ ત્યારે જ સફળ થાય છે જ્યારે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. આ માટે સરકારે પ્રથમ દરેક જિલ્લામાં સારીએવી સરકારી હોસ્પિટલ બનાવવાની જરૂરિયાત છે. જ્યાં પેશેન્ટ વધુ હોય તો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ વધુ મળી રહે છે.

દરેક જિલ્લામાં એક સરકારી કોલેજની જરૂર
રાજકોટના જાણીતા શિક્ષણવિદ જતીન ભરાડે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે ધો.12 સાયન્સમાં 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે, જેમાંથી 30થી 35 ટકા જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર બહાર જાય છે. એન્જિનિયરિંગની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજોની અછત જરૂર જોવા મળે છે. દરેક જિલ્લામાં એક સરકારી એન્જિનિયરિંગ કોલેજ હોવી જોઇએ. વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર બહાર જાય છે તેની પાછળના કારણો જોવા જઇએ તો મુખ્ય કારણ અભ્યાસ બાદની રોજગારીની તકો પૂરતી ન હોવાનું, એટલે કે સૌરાષ્ટ્રની કોલેજોમાં પ્લેસમેન્ટ થતું ન હોવાથી વિદ્યાર્થીઓ બહાર જાય છે. આ સાથે વિદ્યાર્થીઓના પાયામાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધારવાની ખૂબ જ આવશ્યકતા છે, જેથી વિદ્યાર્થી સૌરાષ્ટ્ર છોડી ગુજરાત, ભારત કે અન્ય દેશમાં જાય તો મુશ્કેલ ન સર્જાઈ.

અન્ય સમાચારો પણ છે...