સટ્ટાખોરી પર નિયત્રંણ:સૌરાષ્ટ્રમાં પામ અને સોયાબીનમાં જ દૈનિક 12 કરોડથી વધુ રકમના વાયદાઓ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા નિયમથી હવે યાર્ડમાં-હાજર સ્ટોકમાં જરૂરિયાત મુજબના જ સોદા થશે

સોમવારે નાણા મંત્રાલયે કોમોડિટી એક્સચેન્જમાં ઘઉં, ચણા, ચોખા, સરસિયું, સોયાબીન, પામ ઓઇલ અને મગના વાયદા પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. નવા નિયમથી બિનજરૂરી રીતે થતા સ્ટોક પર બંધ થશે. સટ્ટાખોરી પર નિયત્રંણ આવશે અને હાજર સ્ટોકમાં પણ જરૂરિયાત મુજબના જ સોદા થશે. દેશમાં તમામ કોમોડિટીમાં દૈનિક રૂ. 2 હજારથી 2500 કરોડના અને આ સાત પ્રોડક્ટમાં 1200 થી 1500 કરોડના વેપાર થાય છે. જેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 10 ટકા માનીએ તો એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં સોયાબીન અને પામમાં જ રૂ.12 કરોડથી વધુ રકમના વાયદાઓ થાય છે.

ચણામાં વાયદાઓ ઓક્ટોબર માસથી બંધ થઇ ગયા છે. તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ જણાવે છે. બેડી યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ કમાણી જણાવે છે કે, આ નવા નિયમથી ખેડૂતોને ફાયદો થશે. ઘણી વાર એવું બનતું હતું કે, સાંજે ઊંચી કિંમતે વાયદાઓ બંધ થતા હોય છે. જ્યારે બીજે દિવસે બજાર ખૂલે ત્યારે વાયદાઓ માઈનસમાં પહોંચી જતા હોય છે.

નવા નિયમથી ખેડૂતોને સ્થાનિક માર્કેટમાં પૂરતા ભાવ મળી રહેશે. જ્યારે ઈક્વિટી અને કોમોડિટી બ્રોકર અશોકભાઈ કોયાણી જણાવે છે કે, સિઝનના સમયમાં પણ માર્કેટ થોડું દબાયેલું રહેશે. બેસનના ઉત્પાદક કમલભાઈ તન્ના જણાવે છે કે, અત્યારે હાજર સ્ટોકમાં રાજકોટમાં દૈનિક 400 ટનના અને સૌરાષ્ટ્રમાં 700 થી 800 ટનની આસપાસ ચણા બજારમાં વેપાર થાય છે.

વાયદા બજારમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 5 થી 10 ટકા સુધી
વાયદામાં ખેડૂતથી લઇને એક્સપોર્ટર, સ્ટોકિસ્ટ વગેરેનો વેપાર સંકળાયેલો હોય છે. વાયદા બજારમાં હરહંમેશ સ્ટોક, માલની સપ્લાય અને ડિમાન્ડ,રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સહિતના પરિબળો ભાગ ભજવતા હોય છે. ક્રૂડ અને પામઓઈલમાં ભારત દેશમાં દૈનિક રૂ.250 કરોડના વાયદા થતા હોવાનો અંદાજ છે.જેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 5 થી 10 ટકા ગણી શકાય. સૌરાષ્ટ્રમાં પામમાં સૌથી વધુ વાયદાઓ થાય છે. - કેતનભાઈ કોટક, ઈક્વિટી એન્ડ કોમોડિટી બ્રોકર

અન્ય સમાચારો પણ છે...