2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર આંદોલન નડી ગયું હતું. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમા બહુમતિ મળી હતી. પરંતુ 2017ની ચૂંટણીમાં ભાજપે ભોગવવાનો વારો આવ્યો હતો અને 12 જેટલી સીટ કોંગ્રેસ આંચકી લેવામાં સફળ થઈ હતી. આથી સૌરાષ્ટ્રમાં ભાજપને 12 સીટની ખાધ પડી હતી. પરંતુ આ વખતે કોઈ ચૂક ન રહી જાય તે માટે સૌરાષ્ટ્રમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઉતરી રહ્યા છે. 20મીએ નરેન્દ્ર મોદી એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં 4-4 સભા સંબોધશે.
ધાનાણી પાસેથી ગઢ આંચકી લેવા મોદી મેદાને
બીજી તરફ કોંગ્રેસમાંથી 22 નવેમ્બરે રાહુલ ગાંધી અમરેલીમાં જનસભાને સંબોધવાના છે. રાહુલ ગાંધી પહેલા 20 નવેમ્બરે અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે. અને રસપ્રદ વાત એ છે કે મોદી અને રાહુલ ગાંધી બન્ને એક જ સ્થળે એક જ ડોમમાં સભાને સંબોધશે. અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો ગઢ રહ્યો છે. આ વખતે ભાજપ ધાનાણી પાસેથી ગઢ આંચકી લેવાની ફિરાકમાં છે અને એટલે જ PM મોદીની જનસભાનું આયોજન કરાયું છે.
22 નવેમ્બરે અમરેલીમાં રાહુલ ગાંધીની સભા
જો કે આવું પહેલીવાર નથી બન્યું. પાછલી બે વિધાનસભાની ચૂંટણીથી બની રહ્યું છે કે જેમાં અમરેલી ખાતે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એમ બંને નેતા પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચારમાં આવે. જો કે નરેન્દ્ર મોદી આવવા છતા ભાજપે બન્ને વખત સીટ ગુમાવી હતી. હવે 20મીએ અમરેલીના ફોરવર્ડ હાઇસ્કુલના ગ્રાઉન્ડમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજાશે. ભાજપ દ્વારા આ માટે આજે તંત્ર પાસે મંજુરી માંગવામા આવી હતી. તો સામાપક્ષે આ જ મેદાનમા 22મીએ રાહુલ ગાંધીની સભા યોજાશે.
19-20 નવેમ્બર બે દિવસ મોદી ગુજરાતમાં
વડાપ્રધાન મોદી 19મીથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. 19 અને 20 નવેમ્બરે મોદી બે દિવસ ગુજરાતમાં રોકાશે અને 6 બેઠકો પર 6 જેટલી જનસભા અને રોડ શો કરશે. સંભવિત કાર્યક્રમ મુજબ મોદી 19મી નવેમ્બરે વાપીમાં ભવ્ય રોડ શો કરશે અને વલસાડમાં જનસભાને સંબોધન કરશે. 20મીએ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં મોદીની સભાઓ યોજાશે. મોદીના આગામી પ્રવાસનું આયોજન પણ થઇ રહ્યું છે. બંને તબક્કામાં થઇને મોદી 25થી વધુ સભાઓ ગજવે તેવી શક્યતા છે.
મોદી અગાઉ રાજકોટ અને જામકંડોરણાના પ્રવાસે આવ્યા હતા
ચૂંટણી જાહેર થઈ તે પહેલા નરેન્દ્ર મોદી રાજકોટ જિલ્લાની બે વખત મુલાકાત લઈ ચૂક્યા છે. બન્ને પ્રવાસમાં મોદીની સભાનું આયોજન થયું હતું. 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણામાં જયેશ રાદડિયાની આગેવાનીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને ચૂંટણીને ધ્યાને રાખીને જ યોજાઇ હતી. 19 ઓક્ટોબરના રોજ વરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા હતા અને ભવ્ય રોડ-શો યોજ્યો હતો. બાદમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભા સંબોધી હતી.
અમરેલીમાં ધાનાણીને કોણ પછાડવા જંગે ચડશે?
અમરેલી જિલ્લાને ફરી સર કરવા ભાજપે ખાસ સ્ટ્રેટેજી બનાવી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડને હરાવનાર ધાનાણીનો તોડ શોધવો ભાજપ માટે સરળ નથી.
સૌથી વધુ રાજુલા બેઠક પર મતદારો નોંધાયા
અમરેલીની પાંચેય બેઠક ઉપર મતદારોની જ્ઞાતિ ઉપર નજર કરીએ તો અમરેલી, સાવરકુંડલા, લાઠી, ધારી આ ચારેય બેઠક ઉપર પાટીદારોની સંખ્યા વધુ હોવાને કારણે અહીં તેમનો દબદબો જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠે આવેલી રાજુલા વિધાનસભા બેઠક ઉપર કોળી સમાજ, આહીર સમાજ, ક્ષત્રીય સમાજ સહિત વિવિધ જ્ઞાતિનું પ્રભુત્વ વધારે છે.
કઈ બેઠક પર કેટલા મતદારો?
બેઠક | પુરુષ મતદારો | સ્ત્રી મતદારો | કુલ મતદારો |
ધારી | 116072 | 106907 | 222987 |
અમરેલી | 145810 | 137925 | 283739 |
લાઠી | 116157 | 107496 | 223653 |
સાવરકુંડલા | 131891 | 122320 | 254219 |
રાજુલા | 141477 | 133219 | 274696 |
અમરેલી જિલ્લાભરનું વિશિષ્ટ મતદાન મથક શિયાળબેટ ટાપુ
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં શિયાળબેટ ટાપુ એ વિશિષ્ટ મતદાન મથક છે. અને ત્યાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 5 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. 98-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા શિયાળબેટ એ અરબી સમુદ્રમાં આવેલ નાનો ટાપુ છે. જે અમરેલી જિલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામ 75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી.
કોઈ મતદાર બાકી નહી રહે
અહી આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વિગેરે સહિત આશરે 50 કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 4757 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને 5 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે. તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી કોઈ મતદાર બાકી રહે નહી તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.