અનરાધાર મેઘમહેરથી રાજકોટ-જામનગર ડૂબ્યાં:સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત

રાજકોટ, જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરના બાંગા ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ - Divya Bhaskar
જામનગરના બાંગા ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
  • રાજકોટ જિલ્લામાં 400, જામનગર જિલ્લામાં 334થી વધુ લોકોનું સ્થળાંતર
  • સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો, ભાદર 5 ફૂટ બાકી
  • મહિનાઓથી ખાલીખમ જળાશયો કલાકોમાં છલકાયા

સોમવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં 22 ઇંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગરના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજકોટમાં રવિવાર મોડી રાતથી સોમવારે રાત્રે 11.00 સુધીમાં એટલે કે 24 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જામનગર અને રાજકોટ જાણે પૂરના પાણીમાં ડૂબી ગયાં હોય તેવી સ્થિતિ થઈ હતી.

સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી તળિયાઝાટક થવાની અણી પર રહેલા ડેમ ભાદરવામાં ભરપૂર મેઘથી છલકાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલ સપાટી 28 ફૂટને પાર થઈ છે. જેથી ડેમ છલકાવામાં માત્ર 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90 ટકાથી વધુ ભરાયો છે, જેથી ગમે ત્યારે છલકાય તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

જામનગરના બાંગા ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
જામનગરના ધૂડશિયા, કુન્નડ અને બાંગા ગામમાંથી 16 લોકોને એરલિફ્ટ કરી બચાવી લેવાયા હતા. એનડીઆરએફ અને ફાયરની ટીમે સાથે મળીને લગભગ 340થી વધારે લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

જામનગર જિલ્લાના આલિયા ગામે લોકો મકાન પર ફસાઈ જતાં તેમને દોરડા બાંધી રેસ્ક્યૂ કરાયા હતા.

જામનગરમાં રસ્તા પર 3થી 4 ફૂટ પાણી ભરાઈ જતાં લોકોને બોટમાં રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે લઈ જવાયા હતા.

રાજકોટમાં લોકોનું રેસ્ક્યૂ કરવાની સાથે લોકો પોતાની સાથે પાલતુ પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ ગયા હતા.

રાજકોટમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં સાધુ વાસવાણી રોડ પર પાર્ક કરેલી બીએમડબલ્યૂ સહિતની ગાડીઓ પાણીમાં તણાવા લાગી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાર પાણીમાં તણાઈ આવી હતી.

જામનગર જિલ્લા પંચાયતની ઓફિસમાં પાણી ઘૂસી જતાં તમામ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાયજી મંદિર છત સુધી ડૂબી ગયું હતું.

જૂનાગઢ ખાતે આવેલો દામોદર કુંડ સોનરખ નદીના પાણીના કારણે ઓવરફ્લો થયો હતો.

રાજકોટમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી મધ્યમ વર્ગના લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું.

રાજકોટના લલુડીવોકડી વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં ઘરમાં ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...