સતત બીજા અઠવાડિયે વીજ ચેકિંગ:સૌરાષ્ટ્રમાં આજે ભુજ, ભાવનગર અને રાજકોટ શહેરમાં PGVCLની 117 ટિમના દરોડા, નવા વર્ષના શરૂઆતમાં જ 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ

રાજકોટ22 દિવસ પહેલા
આજે સૌરાષ્ટ્ર અને ભુજમાં PGVCLનું વીજ ચેકિંગ.

નવા વર્ષની શરૂઆતથી વીજચોરી કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી આજે બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 117 ટિમે દરોડા પાડી વીજ ચેકીંગ હાથ ધર્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ છે.

રાજકોટ શહેરમાં આજે 46 ટીમે ચેકિંગ હાથ ધર્યું
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે પ્રહલાદ પ્લોટ, આજી 2, મિલપરા અને સોરઠિયાવાડી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 46 ટીમ દ્વારા મિલપરા, સોરઠિયાવાડી, ભક્તિનગર, પટેલનગર, લાલબહાદુર, લાલપરી સહિત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 4 ફીડર આવરી લેવામાં આવ્યા છે.

વીજચોરી કરનારા પર PGVCLની તવાઇ.
વીજચોરી કરનારા પર PGVCLની તવાઇ.

ભાવનગર સર્કલ હેઠળ ચેકિંગમાં 38 ટીમ ઉતરી
રાજકોટ શહેરની સાથે સાથે આજે ભુજ અને ભાવનગર ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ સર્કલ અંતર્ગત કુકમા અને માધાપર સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 33 ટીમ જ્યારે ભાવનગર સર્કલ હેઠળ આવતા ચિત્રા, ઘોઘા અને મામસા સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 38 ટીમ દ્વારા દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે.

વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઇ છે.
વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઇ છે.

નવા વર્ષના શરૂઆતમાં 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆત થતા PGVCL દ્વારા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને જામનગર સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકિંગ અંગે દરોડા કરી 500 જેટલા ક્નેક્શનમાંથી 1.50 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે આજે પણ સવારથી શરૂ થયેલ દરોડામાં મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.

8 મહિનામાં 131 કરોડની પાવર ચોરી પકડાઈ
સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજચોરી ઝડપાઈ હતી.

નવા વર્ષની શરૂઆતમાં 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ.
નવા વર્ષની શરૂઆતમાં 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ.

વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ કરાશે
ઉલ્લેખનીય છે કે અધિકારીઓના મળેલા સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓએ આગામી દિવસોમાં વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શિયાળાની ઋતુ દરમિયાન કારખાનાઓ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ, ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક વિસ્તારોમાં પાવરચોરીનું દૂષણ વધતું હોવાથી આ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...