ભાસ્કર એનાલિસિસ:રાજકોટ ગ્રામ્યમાં 100 કલાકે નોંધાયા 100 કરતા વધુ કેસ, સરેરાશ કલાકે એક કેસ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા વર્ષની શરૂઆત થતાં જ ગામડાંમાં વધ્યું સંક્ર્મણ

કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન થતા કેસના વધારામાં શહેર અને હવે ગ્રામ્ય વિસ્તારો પણ ઝપટમાં આવી રહ્યા છે. વધતા કેસ સામે તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેસમાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2021માં કોરોનાના કેસમાં જે રીતે વધારો થતો હતો, તેની સાપેક્ષમાં વર્ષ 2022નો મંગલ પ્રારંભ થતા કેસમાં ભારે ઉછાળો આવ્યો છે.

રાજકોટના ગામડાંઓમાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2021ના છેલ્લા અઠવાડિયામાં કેસમાં વધારો થયો હતો. ત્યારે દરરોજ નોંધાતા કેસનો આંક 2,3,7થી વધી 11 પર પહોંચી ગયો હતો, પરંતુ વર્ષ 2022ની શરૂઆત થતાં જ કોરોનાના કેસમાં વધારો થતા દરરોજ 20થી પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જાન્યુઆરી મહિનાથી કેસમાં વધારો થતા તા.1ના રોજ 20, તા. 2ના રોજ 20, તા. 3ના રોજ 24, તા. 4ના રોજ 21 અને તા. 5ના રોજ 18 કેસ નવા જોવા મળ્યા છે.

જેથી છેલ્લા પાંચ દિવસ એટલે કે 120 કલાકમાં કુલ 103 કેસ જોવા મળતા, સરેરાશ પ્રતિ એક કલાકે રાજકોટ ગ્રામ્યમાં એક કેસ નોંધાતા ગામડાંઓ પણ કોરોનાના ભરડામાં આવી જશે તેવું લાગી રહ્યું છે. અત્યારે રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 155 થઇ ગયો છે. જેમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધોરાજી, ગોંડલ, જેતપુર, ઉપલેટા પંથકમાં નોંધાય રહ્યા છે. જેને લઈ હવે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે. સંક્રમણને અટકાવવા ગામડાંઓમાં પણ રસીકરણ અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.

રાજકોટ ગ્રામ્યમાં કોરાનાના કેસમાં ઉછાળો આવતા ફરી 51 ધન્વંતરિ રથ શરૂ કરાયા
કોરોના કેસમાં ફરી ઉછાળો આવતા શહેરમાં ઠેર ઠેર ટેસ્ટ બૂથ ફરી ઊભા કરવા સાથે ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર ટેસ્ટિંગમાં વધારો કરી, પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેસમાં વધારો થતા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 51 ધન્વંતરિ રથ શરૂ કરવામાં આવ્યા છે.

રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો
ઉપલેટાની ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલના એક સાથે 12 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જેને પગલે આજે રાજકોટ DEO બી.એસ.કૈલાએ શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 5 શાળામાં કોરોનાના કેસ આવતા તેને બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...