મોરબી રોડ પર રતનપર ગામમાં રહેતા મહિલાનો પતિ તેની સાથે ઝઘડો થયા બાદ છેલ્લા ત્રણ માસથી ઘર છોડી ચાલ્યો ગયો હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ હોય મહિલાએ પોલીસ સમક્ષ આપવીતી વર્ણવી હતી. કુવાડવા પોલીસે મહિલાના પતિને કોઇબ્તુરથી શોધી કાઢી રાજકોટ બોલાવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન પણ કરાવ્યું હતું.
મહિલાએ કુવાડવા પોલીસમાં જાણ કરી હતી
રતનપરમાં રહેતી મહિલાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં એવી જાણ કરી હતી કે, ત્રણ માસ પૂર્વે 23/3/2022ના તેમના પતિ કઈ કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે અને તેમનો ફોન પણ સ્વિચઓફ આવી રહ્યો છે. મહિલાની આ રજૂઆતને પગલે કુવાડવા રોડ પોલીસ મથકના PI બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ગઢવી તથા હિતેશભાઈ માલકિયા સહિતનાઓએ તપાસ હાથ ધરી હતી.
મોબાઈલ લોકેશનના આધારે પોલીસ મહિલાના પતિ સુધી પહોંચી
કુવાડવા પોલીસની ટીમે મહિલાના પતિના મોબાઈલના લોકેશનના આધારે તામિલનાડુ પોલીસને જાણ કરી હતી. બાદમાં તમીલનાડુના કોઇમ્બતૂરમાં લોકેશન સ્પષ્ટ થતા ત્યાંની પોલીસ મહિલાના પતિ સુધી પહોંચી હતી. બાદમાં ત્યાંની પોલીસે કુવાડવા પોલીસ સાથે મહિલાના પતિ સાથે વાત કરાવી હતી અને કોઇમ્બતુરથી તેને રાજકોટ બોલાવ્યો હતો.
પોલીસે સમજાવ્યા બાદ દંપતી ફરી એક થયું
જે-તે સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોય પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને તેઓ ઘરે પરત ફરવા ન માગતા હોવાનું પણ તેમણે પોલીસને કહ્યું હતું. પરંતુ પોલીસ સ્ટેશન આવ્યા બાદ પોલીસે સમજાવતા અને ત્રણ વર્ષની દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી નિર્ણય લેવા માટેની સમજ આપ્યા બાદ આ દંપતી વચ્ચે સુખદ સમાધાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.