એક સમયે જ્યાં કોઈ વેક્સીન લેવા તૈયાર ન હતું તે ગામમાં આજે બંને ડોઝનું 100 ટકા વેક્સિનેશન નોંધાયું છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રણજીતગઢ ગામના તમામ પુખ્ત વયના લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. આ પહેલા જામકંડોરણાના નવા માત્રાવડ ગામે પણ બન્ને ડોઝનું 100 ટકા વેક્સિનેશન નોંધાઇ ચૂક્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડલાના રણજીતગઢ ગામમાં ગઈકાલે 321 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ પુર્ણ થતા, બંને ડોઝ પુર્ણ કરી 100 ટકા સિધ્ધી હાંસલ કરી કોરોના રસીકરણ યુકત ગામ બન્યું છે.
જિલ્લા પંચાયત હસ્તક 595 ગામડા આવે છે
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક 595 ગામડાઓ આવે છે. જે જગ્યાએ અંધશ્રદ્ધા મોટા પ્રમાણમાં ફેલાયેલી જોવા મળી હતી તે જસદણ તાલુકાના ગામમાં તેમજ જામકંડોરણા તાલુકાનું માત્રાવડ ગામમાં બંને ડોઝ તમામ વ્યક્તિઓએ લઈ લીધા હોવાનું પણ સામે આવ્યું છે. આમ આગામી એક મહિનામાં રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક આવતા અનેક ગામડાના તમામ લોકોને બંને ડોઝ આપી તેને કોરોના સામેનું સુરક્ષા કવચ આપી દેવામાં આવશે.
શહેરમાં રાત્રિના સમયે પણ રસીકરણની કામગીરી કરાય છે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જિલ્લામાં દૈનિક 300 જેટલા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે પણ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ભરમાવું નહીં
આ રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ન ભરમાવા અને આ રસીની આડઅસર નહિવત હોવાથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ અને આરોગ્ય તંત્રએ ખાસ ભાર પૂર્વક અપીલ કરી છે. આ કામગીરી બદલ તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા આ ગામની આરોગ્યની ટીમને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.