ક્રાઈમ:રાજકોટના વૈશાલીનગરમાં ગાળો બોલવાની ના પાડતા પાડોશમાં રહેતા શખ્સે યુવકને 5થી 6 છરીના ઘા ઝીંકી દીધા, સારવાર હેઠળ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મારામારીની ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચી, પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી

રાજકોટના રૈયા રોડ પર આમ્રપાલી ફાટકથી આગળ વૈશાલીનગર-5માં ગત રાતે ઘર પાસે ગાળો બોલવા મામલે ડખ્ખો થતાં રીક્ષાચાલક 20 વર્ષના યુવાનને પડોશમાં રહેતાં શખ્સે છરીથી હુમલો કર્યો હતો. 5થી 6 જેટલા છરીના ઘા ઝીંકી દેતા યુવકના પિતા અને ભાઈ વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી ગાળો દેતાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચી હોવાથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ગત રાતે પાડોશમાં રહેતા શખ્સે હુમલો કર્યો હતો
મળતી માહિતી અનુસાર વૈશાલીનગર-5માં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો ગોપાલ રાણાભાઇ મીર (ઉં.વ.20) રાતે 10 વાગ્યે ઘર પાસે હતો. ત્યારે પાડોશી જયરાજ ઉર્ફે શ્યામ ઉર્ફે કાળુએ ગાળો દઇ છરીથી હુમલો કરી છાતી, ગરદન, હાથમાં અને વાંસામાં છરીના પાંચેક ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામા પક્ષે જયરાજ માનસિંગભાઇ ચાવડા (ઉં.વ.18)ને પણ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી
પોલીસે ગોપાલની ફરિયાદ પરથી જયરાજ ઉર્ફ શ્યામ સામે IPC 326, 323, 504, 135 (1) મુજબ ગુનો નોંધ્યો છે. ગોપાલે ફરિયાદમાં જણાવ્યું છે કે જયરાજ શેરીમાં ગાળો બોલતો હોય ના પાડતાં ઝઘડો કરી જતો રહ્યો હતો. થોડીવાર બાદ ઘરેથી છરી લઇને આવ્યો હતો અને હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. પોતાના પિતા અને ભાઇ વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.