રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરા વિસ્તારમાં ગત રાત્રે મારામારીના બનાવ સામે આવ્યો હતો. જેમાં યુવકે 6 માસ પહેલા પાડોશીને અપશબ્દો ન બોલવાનું કહ્યું હતું. જેનો ખાર રાખી પાડોશીએ તેમના પરિવારજનો સાથે યુવકને છરીના ઘા ઝીંકી ઘાતકી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, રોહિદાસપરામાં રહેતાં સિદ્ધાર્થ સોમાભાઈ મકવાણાએ 6 મહિના પહેલા તેના પાડોશી સંજય નટુ મકવાણાને ઘર પાસે ગાળો બોલવાની મનાઈ ફરમાવી હતી. જે બાદ સિદ્ધાર્થ ગતરોજ રાતે ઘર પાસે આવેલ દુકાને બેઠો હતો ત્યારે તેની પડોશમાં રહેતો સંજય ઘસી આવ્યો હતો અને જૂની અદાવતનો ખાર રાખી પાઈપથી હુમલો કરી તેના પિતા નટુ, ભાઈઓ રાકેશ, મનીષ અને લાલોને બોલાવ્યા હતા. દોડી આવેલા નટુએ યુવકને છરી ઝીંકી દીધી હતી અને તેના ચાર પુત્રોએ પાઈપથી બેફામ ફટકારી સિદ્ધાર્થનો પગ ભાંગી નાખ્યો હતો. બનાવની જાણ થતાં ઇજાગ્રસ્તના પિતા દોડી આવ્યા હતાં અને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો.
આરોપીઓની ધરપકડ કરવા તજવીજ
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ઇજાગ્રસ્ત યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તે મજૂરીકામ કરે છે અને છ માસ પહેલાં પડોશમાં રહેતાં નટુનો પુત્ર સંજય અજાણ્યાં શખ્સ સાથે અમારા ઘર પાસે ઝઘડો કરી ગાળો બોલતો હોય જેને સિદ્ધાર્થે ગાળો બોલવાની ના પાડતાં ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી ગતરાતે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સિદ્ધાર્થ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.