ધાર્મિક વિધિના બહાને તસ્કરી:રાજકોટના રતનપરમાં સાસુ-વહુને 'તમારૂ દર્દ મટી જશે' કહીને ગઠીયો મોબાઈલ અને રોકડ રકમ ચોરીને નાસી ગયો

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ ખાતે ભારત પાર્ક-1 માં આવેલી અયોધ્યા રેસીડેન્સીમાં ભિક્ષુકનાં સ્વાંગમાં આવેલો ગઠીયો સાસુ, વહુને વિધિના બહાને આંખો બંધ કરાવી બે મોબાઈલ સહિત રૂ.33 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હતો. કુવાડવા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તપાસ હાથ ધરી છે.

હું તમને વિધિ કરી આપીશ
રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક ભારત પાર્ક-1 માં રહેતા ચાંદનીબેન મોહિતભાઈ જોશી અને તેના સાસુ ભાવનાબેન ગઈ તારીખ 5 ઓગસ્ટના રોજ સવારે ઘરે હાજર હતા ત્યારે એક ભિક્ષુક આવ્યો હતો. જેને ચા બનાવવાનું કહેતા તેને ચા પીવડાવી હતી. તે સાથે જ તે ભિક્ષુકે જાળ ફેલાવી બંનેને કહ્યું કે, ';હું તમને વિધિ કરી આપીશ જેથી તમારૂ દુખ, દર્દ મટી જશે.'

તમે બંને આંખો બંધ કરી દો
આટલુ કહ્યા બાદ તેણે ભાવનાબેનના હાથમાં કંકુ, ચોખા આપ્યા હતા. પાણીનો લોટો મંગાવી ભાવનાબેન ઉપર સાત વાર ઉતાર્યો હતો. બાદમાં અડધો લોટો પી લીધો હતો. ભિક્ષુકેભાવનાબેન અને તેની વહુ ચાંદનીને કહ્યું કે હવે તમે બંને આંખો બંધ કરી દો. બંનેએ આંખો બંધ કરી દેતા જ ભિક્ષુક ઘરમાં ઘુસ્યો હતો અને બંનેના મોબાઈલ ફોન સહિત રૂ.33 હજારના મુદ્દામાલનો રોકડ લઈ નાસી ગયો હતો.

ભિક્ષુક ગાયબ થઇ ગયો
બંનેએ આંખ ખોલી ત્યારે ભિક્ષુક ગાયબ થઇ ગયો હતો. જે બાદ ઘરમાંથી બંનેના મોબાઈલ ફોન અને રોકડ રકમ જોવા ન મળતા ચાંદનીબેને તાત્કાલિક તેમના દિયર યશને બોલાવી બનાવની જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.