રાજકોટના મોરબી રોડ પર રતનપર ગામમાં રહેતા કૈલાશબા અનિરૂધ્ધસિંહ ઝાલા (ઉં.વ.40)એ પતિ અને સાસુ-સસરાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે ત્રાસ અને આપઘાતની ફરજ પાડવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગત મુજબ કૈલાશબાએ ગઈકાલે રાત્રે ઘરે ગળેફાંસો ખાઇ લેતા બેભાન હાલતમાં સિવિલમાં લવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે તેના ભાઈ મહાવીરસિંહ રણુભા પરમારે પતિ અનિરૂદ્ધસિંહ, સસરા ભીમસિંહ પ્રભાતસિંહ ઝાલા અને સાસુ જશુબાના ત્રાસથી કંટાળીને પોતાની બહેને આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના બહેનના લગ્ન 22 વર્ષ પહેલા થયા હતા. લગ્નજીવનથી પુત્ર અને પુત્રીની પ્રાપ્તી થઈ હતી. દસેક વર્ષ પહેલા તેના બહેનને સાસરીયાઓ નાની-નાની બાબતમાં અવાર-નવાર મારકૂટ કરી ઘરેથી કાઢી મુકતા હતા. આથી તે માતા સાથે રતનપર જઈને બહેનને સમજાવીને મામલો થાળે પાડતા હતા.
સોના-ચાંદીના દાગીના પહેરવા આપતા નહોતા
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેના બહેનને લગ્નમાં આપેલા સોના-ચાંદીના દાગીના પણ સાસરીયાઓ પહેરવા આપતા નહોતા. એટલુ જ નહીં આ દાગીનાઓ વેંચી નાખ્યા હતા. તેના બનેવી દારૂ પી અવાર-નવાર તેના બહેનને મારકૂટ કરતા હતા. તેના બનેવી કોઈ કામ-ધંધો કરતા નહીં. જેને કારણે અવાર-નવાર તેના બહેનને સગા-સંબંધીઓ પાસે ફોન કરાવી પૈસાની માગણી કરાવતાં હતા. તેની પાસેથી પણ પૈસાની માગણી કરતા હતા.
સાત વર્ષ પહેલા બહેનને સાસરીયાઓએ કાઢી મુકી હતી
બહેનને સાતેક વર્ષ પહેલા પણ સાસરીયાઓએ કાઢી મુક્યા હતા. ફરીથી તેના પરિવારના સભ્યો સમજાવટ કરીને બહેનને રતનપર મુકી આવ્યા હતા. ગઈકાલે તેના બહેન અને ભાણેજ તેના ઘરે આવ્યા હતા. તે વખતે બનેવીએ ચારથી પાંચ વખત ફોન કરી તેના બહેનને ત્યાંથી નીકળી જવા માટે કહ્યું હતું. પરિણામે તેના બહેન અને ભાણેજ તુરંત રતનપર જવા માટે નીકળી ગયા હતા. ગઈકાલે રાત્રીના આશરે 12.30 વાગ્યે બહેનના સસરાએ તેને કોલ કરી તેના બહેને ગળેફાંસો ખાઈ લીધાનું જણાવતા તુરંત પરિવારના સભ્યો સાથે રતનપર દોડી ગયા હતા. ત્યારબાદ તેના બહેનને એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા. પરંતુ અહીં તબીબે મૃત જાહેર કર્યા હતા. કુવાડવા રોડ પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય આરોપી સાસરીયાઓની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.