વરસાદી માહોલ જામ્યો:રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો, ભાદર 2 ડેમનો એક દરવાજો ખોલાયો, 19 એલર્ટ

રાજકોટ11 દિવસ પહેલા
રાજકોટના યાજ્ઞીક રોડ પર ધોધમાર વરસાદથી પાણી વહેતા થયા.

હવામના વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી રહી છે. રાજકોટમાં ગઈકાલે સવારે સવારથી બપોર સુધી અવિરત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાદમાં રાત્રિના પણ ધીમીધારે ઝાપટા સતત વરસી રહ્યા હતા. આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞીક રોડ, અમીન માર્ગ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

યાત્રાધામ વીરપુરમાં ધીમીધારે વરસાદ
આજે સવારે યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી કપાસ, મગફળી, એરંડા, મગ, તલી, અડદ સહિતના પાકો પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. ભાદર 2 ડેમનો એક દરવાજો ખોલાતા 19 ગામને એલર્ટ કરાયા છે.

વીરપુરમાં રસ્તાઓ પાણી પાણી થયા.
વીરપુરમાં રસ્તાઓ પાણી પાણી થયા.

ઉપલેટા અને ધોરાજી તાલુકાના ગામોને એલર્ટ કરાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર 2 ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાય જતાં ઓવરફ્લો થઈ ગયો છે. ડેમનો 1 દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમમાં 1506 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોય જેની સામે 1506 ક્યુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્રમાં ચાર દિવસ માટે વરસાદી એલર્ટ
રાજકોટમાં શુક્રવારે સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. આકાશ વાદળોથી ગોરંભાયું હતું અને અનરાધાર તૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો.પરંતુ વરસાદી માહોલ વચ્ચે માત્ર અડધો ઈંચ જ વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ ચાર દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહતમ પારો 4 ડિગ્રી ઘટી ગયો હતો.

વીરપુરમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.
વીરપુરમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.

ચાર દિવસ હળવાથી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે
મોન્સુન ટ્રફ દક્ષિણ તરફ વળતા સૌરાષ્ટ્રમાં વરસાદ માટે સાનુકુળ પરિસ્થિતિ છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે બફારો રહેતો હતો. પરંતુ શુક્રવારે આખો દિવસ વાદળછાંયુ અને વરસાદી માહોલ રહેતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ચાર દિવસ સુધી હળવાથી ચાર ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.

ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક
રાજકોટ સિંચાઇ વર્તુળ ફ્લડ સેલમાંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 3 ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં રાજકોટને પાણી પૂરુ પાડતા ભાદર 1માં 0.26 ફૂટ, વેણુ-2માં 0.16 ફૂટ અને ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ નવા નીરની આવક થઇ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન નવા નીર આવ્યા છે. જેમાં મચ્છુ 1માં પોણો ફૂટ, મચ્છુ 2માં 0.13 ફૂટ, ડેમી 2માં 0.16 ફૂટ, બ્રાહ્મણીમાં પોણો ફૂટ અને બ્રાહ્મણી 2માં સવા ફૂટ નવા નીરની આવક થઈ છે. તેમજ જામનગર જિલ્લાનાં 4 ડેમોમાં પણ નવા નીર આવ્યા છે. જેમાં ફુલઝર 2માં 0.33 ફૂટ, ડાઇ મીણસરમાં 0.39 ફૂટ, આજી 4માં 0.20 ફૂટ અને ઉંડ 1માં 0.26 ફૂટ નવા નીરની આવક થઇ છે. દરમિયાન દ્વારકા જિલ્લાનાં કાબરકા ડેમમાં પણ પોણો ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે.

(દિપક મોરબીયા, વીરપુર)