ચમત્કારનાં LIVE દૃશ્યો:રાજકોટના માર્કેટ યાર્ડમાં ચાલુ વરસાદે કાર નીકળી એ રસ્તા પર જ ગડગડાટ સાથે વીજળી ત્રાટકી, 5 સેકન્ડના ફેરે ચાલકે મોતને માત આપી

રાજકોટ3 મહિનો પહેલા
  • જૂના યાર્ડમાં વીજળી પડવાથી વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાખ
  • નર્સિંગની ગર્લ્સ હોસ્ટેલ પર વીજળી પડી, વીજ-કરંટથી બે વિદ્યાર્થિનીને ઝટકા લાગ્યા

રાજકોટમાં ગઇકાલે વરસાદ કરતાં મેઘતાંડવે લોકોને વધારે ડરાવ્યા હતા. અડધા કલાક સુધી મેઘરાજાએ રાજકોટને બાનમાં લીધું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વીજળીના પ્રચંડ કડાકા વચ્ચે ઊંચા બિલ્ડિંગો પણ ધ્રૂજવા લાગ્યાં હતાં. જોકે મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટ યાર્ડમાં ગઇકાલે વીજળી પડી હતી. ત્યારે કુદરતે ચમત્કાર કર્યો હોય એવાં લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં, જેમાં એક કારચાલક પસાર થાય છે એ જ રસ્તા પર પ્રચંડ અવાજ સાથે વીજળી ત્રાટકે છે. કારચાલક માત્ર 5 સેકન્ડના ફેરે મોતને માત આપતાં LIVE દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે.

આ રીતે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ
આ વીડિયો કોઈ નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ બેડી માર્કેટ યાર્ડમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે એક કાર પસાર થઇ રહી છે. આ કાર 5 સેકન્ડ પછી દૂર જતી રહે છે ત્યારે એ જ રસ્તા પર વીજળી ત્રાટકે છે. વીજળીના પ્રચંડ અવાજથી વીડિયો ઉતારી રહેલા શખસના હાથ પણ ધ્રૂજવા લાગે છે એવું દૃશ્યમાન થાય છે. 5 સેકન્ડમાં જ કારચાલક મોત સામે જંગ જીતી જાય છે.

સર્કલમાં કાર જોવા મળી રહી છે અને બીજી તસવીરમાં વીજળી એ જ રસ્તા પર પડી.
સર્કલમાં કાર જોવા મળી રહી છે અને બીજી તસવીરમાં વીજળી એ જ રસ્તા પર પડી.

જૂના યાર્ડમાં વીજળી પડવાથી વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાખ
ગઇકાલે રાજકોટમાં વીજળી પડવાના બનાવો વધુ જોવા મળ્યા હતા. જૂના માર્કેટ યાર્ડમાં પણ વીજળી પડી હતી, જેને કારણે વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાક થઈ ગયું હતું. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. આ સિવાય ભોમેશ્વરમાં પણ વીજળી પડવાનો બનાવ બન્યો હતો. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ગોંડલના જામવાડી ગામમાં મકાન પર વીજળી પડી હતી, જેમાં પણ કોઇ જાનહાનિ થઇ નહોતી.

કાર પસાર થઈ અને વીજળી પડવા વચ્ચે માત્ર 5 સેકન્ડનો ફેર.
કાર પસાર થઈ અને વીજળી પડવા વચ્ચે માત્ર 5 સેકન્ડનો ફેર.

લોધિકાના વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા પર વીજળી પડી
લોધિકા તાલુકાના વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા ઉપર વીજળી પડતાં વીજળી મંદિરની અંદર શ્રીરામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીનું સ્થાપન છે ત્યાં જ સીધી ઊતરતાં ઘુમ્મટમાં મોટું કાણું પડી ગયું છે, ઇલેક્ટ્રિક્સિટીના બોર્ડ સહિતની સ્વિચો તૂટી ગઈ છે તેમજ બોર્ડ બહાર નીકળી ગયાં છે.

વાજડી વડ ગામમાં રામજી મંદિરની ધજા પર વીજળી પડતાં ઘુમ્મટમાં મોટું કાણું પડી ગયું છે (સર્કલમાં જોઈ શકાય છે).
વાજડી વડ ગામમાં રામજી મંદિરની ધજા પર વીજળી પડતાં ઘુમ્મટમાં મોટું કાણું પડી ગયું છે (સર્કલમાં જોઈ શકાય છે).

નર્સિંગની ગર્લ્સ હોસ્ટેલ પર વીજળી પડી
ગત સાંજે વીજળીના કડાકાભડાકાની સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી નર્સિંગ ગર્લ્સ હોસ્ટેલમાં શોર્ટસર્કિટ થતાં વિદ્યાર્થિનીઓમાં નાસભાગ મચી ગઇ હતી. હોસ્ટેલની એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે હોસ્ટેલના બિલ્ડિંગ પર વીજળી પડી હતી, જેને કારણે વીજળી ગૂલ થઇ ગઇ હતી, હોસ્ટેલમાં અંધારપટ છવાઇ ગયો હતો. વીજળી પડવાને કારણે વાયરિંગ સળગી ગયું હતું અને એ કારણે બે વિદ્યાર્થિનીને વીજકરંટ લાગ્યો હતો, જોકે સદનસીબે કોઇ ગંભીર ઘટના ઘટી નહોતી, ઘટનાની જાણ થતાં હોસ્ટેલનો સ્ટાફ દોડી ગયો હતો અને રિપેરિંગ કામગીરી કરાવતાં ફરીથી હોસ્ટેલમાં લાઇટ, પંખા શરૂ થયાં હતાં.

કાર અંદર આવી ત્યારની તસવીર.
કાર અંદર આવી ત્યારની તસવીર.

જસદણના નવાગામમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત થયાં હતાં
જસદણ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત થયાં હતાં. ગઇકાલે બપોરે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં સુનીલ દાવરા(ઉં.વ.15) અને તેની સાથે અરુણ થાઈરિયા (ઉં.વ.12)ની પર વીજળી પડતાં તેમનાં મોત થયાં હતાં. બંને એક વાડીએથી બીજી વાડીએ જતા હતા. એ સમયે અચાનક તેમના પર વીજળી પડતાં ઘટનાસ્થળે બન્નેનાં મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...