તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:રાજકોટના ફાડદંગમાં ખેડૂતને રમકડાની રિવોલ્વર બતાવી અપહરણ કર્યું, 15 લાખની ખંડણી માગી 3.85 લાખ વસૂલ્યા, સુરતના ચાર શખસની ધરપકડ

રાજકોટ16 દિવસ પહેલા
પોલીસે રમકડાની રિવોલ્વર સાથે એક સગીર સહિત ચાર શખસની ધરપકડ કરી.
  • મુખ્ય આરોપી શિવરાજ એકલો કામ પાર પાડી શકે તેમ નહતો
  • સુરતની હોટલમાં ભાંગફોડના ગુનામાં ફરાર 3 શખસનો સહારો લીધો

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવાના ફાડદંગ ગામમાં રહેતા અને જમીનની દલાલીનું કામ કરતા વલ્લભભાઇ ખૂંટ નામના ખેડૂતનું 9 લાખની ખંડણીના ઇરાદે અપહરણ કરી રમકડાની રિવોલ્વર બતાવી 3.85 લાખની ખંડણી વસૂલ્યા પછી વધુ 5.15 લાખ માટે ધમકી આપનાર એક બાળ તહોમતદાર સહિત ફાળદંગ સુરતના ચાર આરોપીને ક્રાઇમ બ્રાંચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓએ રમકડાની રિવોલ્વર બતાવી બળજબરીથી કારમાં અપહરણ કર્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ, ફાડદંગ ગામે રહીને ખેતી કરતા અને જમીનની દલાલીનું કામ કરતા વલ્લભભાઇ ખૂંટ ગત તા. 3 જૂલાઇના રોજ ગામમાં હનુમાનજીના મંદિર પાસે હતા. ત્યારે શિવરાજ ધીરુભાઇ વાળા નામના શખસે ફોન કરીને પોતાની વાડીએ મળવા બોલાવ્યા હતા. વલ્લભભાઇ વાડીએ પહોંચ્યા ત્યારે શિવરાજ ઉપરાંત અન્ય ત્રણ અજાણ્યા શખસ હાજર હતા. આ સમયે શિવારાજે રિવોલ્વર જેવું હથિયાર બતાવીને વલ્લભભાઇને સફેદ કલરની ક્રેટા કારમાં બળજબરીથી બેસાડીને અપહરણ કર્યું હતું.

ફરી 5.15 લાખની ઉઘરાણી માટે ધમકીઓ શરૂ થઈ હતી
બાદમાં અલગ અલગ જગ્યાએ લઇ જઇ તમે જમીનની દલાલીમાં ખૂબ કમાયા છો, તેમ કહી ગાળો ભાંડી હતી અને જીવતા રહેવું હોય તો 15 લાખ આપવા પડશે તેમ કહી 15 લાખની ખંડણી માગીને છેલ્લે 9 લાખ આપવા જ પડશે તેવી ધમકી આપી બે કટકે 3.85 લાખ પડાવી લીધા હતા. બાકીના 5.15 લાખની ઉઘરાણી માટે ધમકીઓ શરૂ થતાં ભયભીત વલ્લભાઇએ આ મામલે કુવાડવા પોલીસ મથકમાં અરજી કરી હતી.

પોલીસે 3.85 લાખ રોકડ કબ્જે કરી.
પોલીસે 3.85 લાખ રોકડ કબ્જે કરી.

પોલીસે નકલી રિવોલ્વર અને 3.85 લાખ રોકડ કબ્જે કરી
ખંડણી વસૂલનાર શિવરાજ સહિત ચારેય શખસ કુવાડવાથી રફાળા જવાના રસ્તેથી પસાર થવાના હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચની ટીમને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી સફેદ કલરની ક્રેટા કારમાં પસાર થઇ રહેલા શિવરાજ ધીરુભાઇ વાળા, સૌરવ બાલુભાઇ હીરાણી, લાલજી ઉર્ફે આર્મીબોય ગોવીંદભાઇ સોજીત્રા અને સુરતના એક બાળ આરોપીને પકડી પાડ્યા હતા. આ સમયે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 3.85 લાખ તેમજ કારના આગળના ખાનામાંથી પ્લાસ્ટિકની રિવોલ્વર કબ્જે કરી હતી.

શિવરાજના પિતા હયાત નથી અને પૈસાની જરૂર હતી
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ શિવરાજના પિતા હયાત નથી. શિવરાજને પૈસાની જરૂર હતી અને ખેડૂત વલ્લભભાઇએ થોડા સમય પહેલાં ગામના જ ભરતભાઇ કથીરીયાની વાડી વેચાવીને મોટી દલાલી મેળવ્યાની જાણ થઇ હતી. પોતે એકલો કામ પાર પાડી શકે તેમ હતો નહી. દરમિયાન સુરતની હોટલમાં ભાંગફોડના ગુનામાં ફરાર સૌરવ, લાલજી અને જેનીલ વાડીમાં આશરો લઇને છૂપાયા હતા. શિવરાજે વલ્લભભાઇ પાસેથી મોટી રકમ નિકળી શકે તેમ કહેતા સૌરવે પોતે કામ ઉતારી દેશે તેમ કહી વલ્લભભાઇને બોલાવીને અપહરણ કરી ખંડણી વસૂલી હતી.

ખેડૂતનું ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું.
ખેડૂતનું ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું.

અન્ય કોઇ પાસેથી ખંડણી વસૂલી છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી
અપહરણ, ખંડણીના ગુનામાં પકડાયેલા શિવરાજ સામે અગાઉ પણ કુવાડવામાં ખૂનની કોશિશ અને દારૂના ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે મૂળ બગસરાના અને હાલ સુરત રહેતા સૌરવ સામે સુરતના સરથાણા અને પલસાણામાં ત્રણ ગંભીર ગુના નોંધાઇ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપીઓએ આ પ્રકારે અન્ય કોઇ પાસેથી ખંડણી વસૂલી છે કે કેમ? એ અંગે તપાસ હાથ ધરી છે.