વીડિયો વાઇરલ:રાજકોટમાં CMના રોડ-શોમાં ટીખળખોરોએ બાઈક પર બેફામ સ્ટન્ટ કર્યા, પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી

રાજકોટ5 મહિનો પહેલા
ટપોરીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કશો ડર જ નથી 
  • મોટાભાગના સ્કૂટરમાં નંબર પ્લેટ નહોતી છતાં પોલીસે તેને અટકાવીને દંડ વસૂલવાની હિંમત દાખવી નહોતી
  • ટપોરીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કશો ડર જ ન હોય તેવા દ્રશ્યો આ રોડ-શોમાં જોવા મળ્યા

આજરોજ સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ અંતર્ગત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને તેમનો ભવ્ય રોડ-શો પણ યોજાયો હતો. આ રોડ-શોમાં કોરોનાનાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોની સાથે ટ્રાફિકનાં નિયમોનો પણ સરેઆમ ભંગ થયો હતો. જેમાં અમુક ટીખળખોરો બેફામ બન્યા હતા. અને બાઈકના સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં સામાન્ય લોકો સામે દંડનો ધોકો પચાડતી પોલીસ આ તકે મુક પ્રેક્ષક બની ગઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ટપોરીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કશો ડર જ નથી
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્યાતિભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં 1000 જેટલા બાઇકો અને 100 કરતા વધુ કારનો કાફલો જોડાયો હતો. આ તકે મોટી સંખ્યામાં વાહનચાલકો જોડાયા હતા. જો કે આછકલાઈ કરવાની ટેવ ધરાવતાં અમુક ટપોરીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કશો ડર જ ન હોય તેવા દ્રશ્યો આ રોડ-શોમાં જોવા મળ્યા હતા. ટીખળખોરો દ્વારા બેફામ બાઈક સ્ટન્ટ કર્યા હતા. સાથે સાથે લોકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા.મોટાભાગના સ્કૂટરમાં નંબર પ્લેટ નહોતી છતાં પોલીસે તેને અટકાવીને દંડ વસૂલવાની હિંમત દાખવી નહોતી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ ‘ખેલ’ થતો હતો ત્યારે પોલીસ મુકપ્રેક્ષક બનીને ઉભી હતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

મોટાભાગના સ્કૂટરમાં નંબર પ્લેટ નહોતી
મોટાભાગના સ્કૂટરમાં નંબર પ્લેટ નહોતી

કોરોનાની સમીક્ષા કરવાના નાટક કરતા હોય તેવી ચર્ચા
હાલ ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર જાણે હોસ્પિટલો ફરીથી ઊભરાય અને ગુજરાતની જનતા ફરી બીજી લહેરની જેમ પિસાઈ એવી રાહ જોઇને બેઠી હોય એવી નીતિ અપનાવી રહી છે. એક બાજુ, દિવસ દરમિયાન કોરોનાના સુપરસ્પ્રેડર હોય એમ જાહેર કાર્યક્રમોની ભરમાર કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ સાંજ પડે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાની સમીક્ષા કરવાના નાટક કરતા હોય એવી સ્થિતિ હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. જો સરકાર ખરેખર કોરોનાના વધતા કેસો મામલે ગંભીર હોય તો કાર્યક્રમોના તાયફા બંધ કરીને સાચી દિશામાં કોરોનાની સમીક્ષા કરી બીજી લહેરમાંથી બોધપાઠ લઈને પ્રજાને ત્રીજી લહેરના સંભિવત કહેર અને ડરમાંથી દૂર કરવા પ્રયત્નો કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...