તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ નર્સિંગ દિવસ:રાજકોટની સિવિલમાં 552 નર્સ, જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વગર કોરોના દર્દીની સારવારમાં એક પણ રજા લીધા વિના ફરજ બજાવે છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલમાં 552 નર્સ ફરજ બજાવે છે. - Divya Bhaskar
રાજકોટ સિવિલમાં 552 નર્સ ફરજ બજાવે છે.
  • પૈસા સાથે માનવીય સેવાનો ઉત્તમ સમય મળ્યો તે અમારું સદભાગ્ય- નીરૂબેન મહેતા (નર્સિંગ મેટ્રન)
  • કોરોનાના ઇન્ફેક્શનથી ખુદને અને ઘર પરિવારને બચાવવા સાથે દર્દીઓની સારવાર સૌથી મોટી ચેલેન્જ

આવતીકાલે બુધવારે વિશ્વ નર્સિંગ દિવસ છે. સમગ્ર વિશ્વને કોરોનારૂપી દૈત્યએ જ્યારે ભરડો લીધો છે ત્યારે દેવદૂત બની સફેદ વસ્ત્રમાં PPE કીટ પહેરી દર્દીઓની સારવાર માટે યોદ્ધા બની અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 552 નર્સ પરિવારની ચિંતા કર્યા વગર કોરોના દર્દીની સારવારમાં એક પણ દિવસની રજા લીધા વિના ફરજ બજાવી રહી છે.

રાજકોટ સિવિલમાં 552 નર્સ ફરજ બજાવે છે
પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ 552 નર્સે એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માની નિભાવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેની હેઠળ આવતી તમામ સંસ્થાઓમાં હાલમાં કુલ મળી 552 મહિલા નર્સ તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે, તેમ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાખરિયાએ જણાવ્યું હતું. આપણે જે સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિત્તે 12મી મે 'વિશ્વ નર્સિંગ દિવસ મનાવીએ છીએ, જો આજ તેઓ જીવિત હોત તો કોવિડમાં સારવાર આપતી નર્સ બહેનોને જોઈ તેઓ ચોક્કસ ગૌરવ સાથે કહેત કે આ સેવા માનવતાની ગરિમાને ઉજાગર કરતી ઉત્તમ સેવા છે તેમ સિવિલ નર્સિંગ સ્ટાફ જણાવે છે.

મેટ્રન નીરુબેન મહેતા 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભેખભા મિલાવીને સારવાર આપે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલના મેટ્રન નીરુબેન મહેતા 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, હાલ 200થી વધુ નર્સિંગ સ્ટાફના સંચાલનની જવાબદારી તેઓ અદા કરી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર ચાલે તે માટે તેમના સતત નિદર્શન હેઠળ રોજેરોજ સ્ટાફ સાથે સંકલન, દર્દીઓની ડોક્ટરની સૂચના મુજબની સારવાર થાય છે કે નહિ સહિતનું માર્ગદર્શન તેઓ કરી રહ્યાં છે. સાથોસાથ પરિવારની જવાબદારી તો ખરી જ. પાંચ સભ્યોના પરિવારમાં તેઓ, તેમના પતિ અને નણંદ કોરોના પોઝિટિવ આવ્યા. પરંતુ 10 દિવસની રજાને બાદ કરતા કોઈ જ રજા લીધા વગર રોજ 10 કલાકથી વધુ સમય સારવાર માટે વિતાવવાનો. થાક લાગે પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યારે સઘળું કરી છૂટવાની ઈશ્વર શક્તિ આપે છે તેમ નિરુબેન જણાવે છે.

એક પણ રજા લીધા વિના ફરજ બજાવે છે.
એક પણ રજા લીધા વિના ફરજ બજાવે છે.

દર્દી સાજા થઇ ઘરે જાય તે અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ- નર્સ
સારવાર દરમિયાન માત્ર દવા જ નહીં પરંતુ દર્દીને સાંત્વના, જરૂરી સામાન અને ક્યારેક મોબાઈલ પર પરિવાર જોડે વાત કરાવી આપવામાં પણ અમારી બહેનો મદદરૂપ બનતી હોય છે. દર્દી જ્યારે સાજો થઈ તેમના પરિવાર સાથે હસતો રમતો આશીર્વાદ આપી ઘરે જાય તે ક્ષણ અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હોવાનું નીરુબેન જણાવે છે.
આવા જ એક કર્મનિષ્ઠ નર્સ કાજલબેન સોઢાતર છે, જેમના શિરે કોવિડ હોસ્પિટલને કોરોના વાયરસ મુક્ત રાખવાની અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની જવાબદારી છે. રોજે રોજ દવાની ખાલી બોટલો, સિરીંજ સહિતનો વેસ્ટ અલગ અલગ પ્લાસ્ટિકની બેગમાં જમા કરી તેને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરવાનો. અને તેનો યોગ્ય નિકાલ થાય તે જોવાનો હોવાનું તેઓ જણાવે છે,

16 વર્ષથી નર્સની ફરજ બજાવતા કાજલબેન
કાજલબેન વધુમાં જણાવે છે કે, માત્ર તેટલું જ નહિ પરંતુ તમામ વોર્ડમાં હાઇપો ક્લોરાઇડ કેમિકલ વડે સફાઈ, બેડની રોજેરોજ ચાદર બદલાય તેમજ પલંગ અને ડ્રોઅર સહિતની તમામ વસ્તુ આ કેમિકલથી સેનિટાઇઝ કરવાની પણ સૌથી મહત્વની જવાબદારી તેમના સંચાલન હેઠળ કરવામાં આવે છે. નર્સિંગ સ્ટાફમાં કોઈને નીડલ ઈંજરી થાય તેઓને ઇન્ફેક્શન ન લાગે તેની પણ દેખભાળ રાખવાની, લોહીના ટીપા ઢોળાયા હોય તો તેની પણ યોગ્ય રીતે સફાઈ થાય તે કામ પણ ખૂબ ચોક્સાય રીતે કરવાની તેમની ટીમની જવાબદારી હોવાનું કાજલબેન કહે છે.

પરિવારની ચિંતા કર્યા વગર ફરજ પર હાજર રહે છે.
પરિવારની ચિંતા કર્યા વગર ફરજ પર હાજર રહે છે.

હાલના સંજોગોમાં દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા- હેડ નર્સ
16 વર્ષથી નર્સિંગ ડ્યુટી કરતા કાજલબેન જણાવે છે કે, પહેલા એચ.આઈ.વી., કમળો કે સ્વાઈન ફલૂ વખતે ઇન્ફેક્શનનો ભય નહોતો તેનાથી વધુ હાલ ભય છે. અત્યારે અમારે વધારે સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે સાથોસાથ પરિવારના સભ્યોથી પણ અંતર રાખવું પડે છે. રાજકોટ સિવિલમાં જ હેડનર્સ તરીકે ફરજ બજાવી હાલમાં આસી. નર્સિંગ સુપ્રિન્ટેન્ડેટ તરીકે કાર્યરત જીન્નતબેન અબળા કહે છે કે, હાલના સંજોગોમાં દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા હોય છે આ માટે અમે વોર્ડના 4 વિભાગોમાં જરૂરીયાત મુજબ સ્ટાફની ફાળવણી કરીએ છીએ. સાથો-સાથ સારવાર માટે ઉપયોગમાં લેવાતી આઈટમ પણ પૂરી પાડીએ છીએ. જો કોઈ સંજોગોમાં દર્દીનું મૃત્યું થાય તો તેની જાણ અમે દર્દીના પરિવારજનોને કરીને મૃતકના બોડીને કોવિડની માર્ગદર્શિકા મુજબ પેક પણ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...