મનપાનો યુ-ટર્ન:રાજકોટમાં રસીકરણ કેમ્પ યોજવા સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે હવે છૂટ મળશે, સૌ.યુનિ.માં 500 યુવતીઓ માટે વેક્સિન ઉત્સવ કાર્યક્રમ યોજાયો

રાજકોટ4 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત કેમ્પમાં 500 યુવતીઓને રસી આપવામાં આવી રહી છે.
  • વેક્સિનેશન કેમ્પ શબ્દથી વિવાદ થતા આજે સૌ.યુનિ. દ્વારા વેક્સિન ઉત્સવ શબ્દ ઉપયોગ કરાયો

રાજકોટમાં વેક્સિનેશન વધારવા રસીકરણ કેમ્પ યોજવા પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે અને આશરે 200 લોકો કોઈ એક સ્થળે આવીને રસી મુકાવવા આયોજકો તૈયારી રાખે તો કેમ્પની મંજૂરી આપી દેવાશે તેવો નિર્ણય લેવાયો છે. આજે રાજકોટ મનપા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે ચૌધરી હાઈસ્કૂલ બાજુમાં કોલેજ ખાતે 500 જેટલી યુવતીઓ માટે વેક્સિન ઉત્સવ કાર્યક્રમ યોજાયો. મનપાએ રસીકરણ કેમ્પ યોજવા સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે હવે છૂટ મળશે તેવું જાહેર કર્યુ છે.

ચૌધરી હાઇસ્કૂલની બાજુમાં મહિલા કોલેજમાં કેમ્પ યોજાયો
રાજકોટ મહાનગર પાલિકાના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં રાજકોટ વેક્સિનેશનમાં ચોથા ક્રમે છે. જેને પ્રથમ નંબરે લઇ જવા પ્રયાસ છે. જેમાં દરેક નાગરિકોનો સાથ સહકાર જરૂરી છે. આજે રાજકોટ મનપા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સયુક્ત ઉપક્રમે ચૌધરી હાઈસ્કૂલની બાજુમાં મહિલા કોલેજ ખાતે વેક્સિનેશન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાના મેયર, મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આજે યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરતી અંદાજીત 500 જેટલી દીકરીઓને વેક્સિન આપવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો.

રસીકરણ કેમ્પ માટે પહેલા મંજૂરી નહોતી
મનપાના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું હતું કે, રસીકરણ કેમ્પ હવે યોજી શકાશે જે માટે પહેલા મંજૂરી અપાતી નહોતી. મનપાનું લક્ષ્ય વેક્સિનેશન વધારવા પર છે અને તે માટે આ નિર્ણય લેવાયો છે. જોકે કેમ્પના આયોજકોએ કેમ્પના સ્થળે એક સાથે લોકો ભેગા ન થાય, વધુ સંખ્યા હોય તો પચીસ-પચાસનો સ્લોટ નક્કી કરીને તે રીતે દરેકને બોલાવાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી આ લોકોમાં સંક્રમણની ભીતિ રહે નહીં.

મૃત્યુઆંક છેલ્લા ત્રણ દિવસથી ઝીરો
દરમિયાન રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી 10થી 15 કેસો નોંધાઇ રહ્યા છે અને મૃત્યુઆંક છેલ્લા ત્રણ દિવસથી ઝીરો થયો છે. જ્યારે યુવાનોને રસીકરણ માટે ઓનલાઈન નોંધણીની ઝંઝટમાંથી મુક્તિ અપાતા રસી લેનારાની સંખ્યા પણ વધી છે. અગાઉ 4થી 5 હજાર સુધી નીચે ઉતરી ગયેલું રસીકરણ આજે વધીને 8000થી વધુ નાગરિકોને રસી અપાય રહી છે. ઉલ્લેખનીય છે કે, રસીકરણ કેમ્પ માટે પણ હવે મંજૂરી મળી છે. ત્યારે રસીકરણ જેટલું વધારાય એટલું રાજકોટ કોરોનાના ભયથી, સંભવિત મોજાની વિનાશક અસરોથી બચી શકે તેમ છે.

મેયર ડો.પ્રદિપ ડવ.
મેયર ડો.પ્રદિપ ડવ.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો હજુ એક પણ કેસ નોંધાયો નથી
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. ડેલ્ટા પ્લસ વેરીએન્ટનો હજુ એક પણ કેસ સામે આવ્યો નથી. તમામ સ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ છે. સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં પુરતી સુવિધાઓ છે.