રેલ્‍વેના પાટા પાસે હત્યા:રાજકોટમાં 'તું કેમ મારી પત્‍નિનો હાથ પકડે છે?' કહી યુવકે પાડોશીને ઈંટના ઘા ફટકારી નિર્મમ હત્યા કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં યુવાનની તેના જ પડોશમાં રહેતાં શખ્‍સે તું કેમ મારી પત્‍નિનો હાથ પકડે છે? તેમ કહી ઝઘડો કરી ઇંટોના ઘા ફટકારી હત્યા નિપજાવતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઝઘડો ચાલુ થયો ત્‍યારે મૃતકને તેના બનેવી અને બીજા લોકોએ છોડાવ્‍યો હતો. પણ બંને ફરી ઝઘડવા માંડતાં લત્તાવાસીઓએ છોડાવ્‍યા હતાં. એ દરમિયાન પોલીસની ગાડી આવતાં જોઇ બંને દોટ મુકી જ્‍યાં ઝઘડતાં હતાં ત્‍યાંથી દૂર રેલ્‍વેના પાટા પાસે ભાગી ગયા હતાં અને ત્‍યાં જઇ ફરીથી ઝઘડો કરતાં આરોપીએ ઇંટ ઉપાડી ઘા મારી દીધા હતાં જે જીવલેણ સાબિત થયા હતાં. ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા સોહિલ રઝાકભાઇ ડોસાણી (ઉ.વ.25)ના બનેવી સોહિલભાઇ ઇસ્‍માઇલભાઇ ચોધરી (ઉ.વ.40)ની ફરિયાદને આધારે ઘંટેશ્વર 25 વારીયામાં જ રહેતાં પ્રકાશ ઉર્ફ બકુલ નથુભાઇ સોલંકી વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગાળાગાળી કરી ઝઘડો કરતો હતો
ફરિયાદી સોહિલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પત્‍નિ હસીના અને ચાર સંતાન સાથે રહુ છું અને જ્‍યુબીલીમાં ફ્રુટ વેંચુ છું. અમારા લત્તામાં જ મારો સાળો સોહિલ ઉર્ફ રાજા રઝાકભાઇ ડોસાણી તેની પત્‍નિ મુમતાઝ ઉર્ફ મનિષા સાથે રહે છે અને તેને એક દિકરો તથા એક દિકરી છે. સોહિલ લીમડા ચોકમાં ટ્રાવેલ્‍સની ઓફિસમાં બસોમાંથી પાર્સલ ચડાવવા ઉતારવાની મજૂરી કરતો હતો. રવિવારે હું ઘરે હતો ત્‍યારે લત્તાના કોઇ છોકરાએ કહેલું કે કકૂના ઘર પાસે તમારા સાળા સોહિલને ઝઘડો થયો છે. આથી હું તુરત ત્‍યાં પહોંચ્‍યો હતો. ત્‍યાં જઇને જોતાં મારા સાળા સોહિલ સાથે પડોશમાં જ રહેતો પ્રકાશ ઉર્ફ બકુલ નથુભાઇ સોલંકી ગાળાગાળી કરી ઝઘડો કરતો હતો.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

બંનેને છોડાવ્‍યા હતાં
મેં ઝડઘાનું કારણ પુછતાં સોહિલે કહેલું કે આ પ્રકાશ ઉર્ફ બકુલ મને એમ કહે છે કે તે મારી પત્‍નિનો હાથ શું કામ પકડયો? આ સાંભળી મેં બંનેને સમજાવી ઝઘડો ન કરવા કહ્યું હતું. પરંતુ બંને ફરીથી ઝઘડો કરવા માંડતાં લત્તાના લોકો ભેગા થઇ ગયા હતાં અને બંનેને છોડાવ્‍યા હતાં. એ પછી કોઇએ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ આવી હતી. પોલીસની ગાડી આવતી જોઇ મારો સાળો સોહીલ અને પ્રકાશ ઉર્ફ બકૂલ ઝઘડો કરતાં કરતાં દોડીને રેલ્‍વેના પાટા તરફ ભાગ્‍યા હતાં. આથી હું અને બીજા લોકો પણ ત્‍યાં પહોંચ્‍યા હતાં અને બીજા પડોશીઓ બિલકીશબેન, જાવેદભાઇ, જયશ્રીબેન સહિતના પણ આવી ગયા હતાં.

તે લોહીલુહાણ થઇ ઢળી પડયો
પોલીસ પણ પહોંચે એ પહેલા અને હું બંનેને છોડાવું એ પહેલા પ્રકાશ ઉર્ફ બકુલે ઇંટ ઉપાડી મારા સાળા સોહિલને મોઢા-માથાના ભાગે ત્રણ-ચાર ઘા ફટકારી દીધા હતાં. આ કારણે તે લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. કોઇએ 108 બોલાવતાં અમે તેને દવાખાને લઇ ગયા હતાં. પરંતુ સારવાર ચાલુ થઇ તેની થોડીવારમાં જ મારા સાળાનું મોત થયું હતું. પ્રકાશ ઉર્ફ બકુલે પોતાની પત્‍નિનો હાથ મારા સાળા સોહિલે પકડયો હોવાનું કહી ઝઘડો કરી ઇંટોના ઘા ફટકારી તેની હત્‍યા કરી હતી. આરોપી ભાગી જાય એ પહેલા ગણતરીના સમયમાં પોલીસે આરોપીને સકંજામાં લઇ ખરેખર શું બન્‍યું હતું? તે જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.

ભાઇ મને ઉભી કર તો
હત્‍યાનો ભોગ બનેલા સોહીલની માતા જેનાબેન ડોસાણીએ જણાવ્યું હતું કે પ્રકાશ ઉર્ફ બકુલની પત્ની મણી ત્‍યાં બેઠી હતી તેને ઉભુ થવું હતું આથી તેણે મારા દિકરા સોહીલને ‘ભાઇ મને ઉભી કર તો' એમ કહેતાં સોહીલે તેનો હાથ પકડી ઉભી કરી હતી. આ વખતે પ્રકાશે મારા દિકરા પર ખોટો આરોપ મુકી ઝઘડો કરી હત્‍યા કરી છે. ઉલ્લેખનીય છે કે સોહીલના ભાઈ રહિમની પણ આઠ વર્ષ પહેલા અજાણ્યા શખ્સો દ્વારા હત્‍યા નિપજાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...