રાજકોટના થોરાળામાં બાપા સિતારામનગરમાં ભાવનાબેન ચૌહાણના ઘરે આજે સવારે ગેસ લીકેજને કારણે આગ લાગ્યાની ઘટના બની હતી. ગેસનો નવો બાટલો ચડાવતા લીકેજ થઈ રહ્યો હતો. જોકે ભાવનાબેને ચા બનાવવા માટે લાઈટરથી ગેસ ચાલુ કરતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આથી ઘરમાં આગ લાગતા પરિવારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં ભાવનાબેન ગંભીર રીતે દાઝ્યા હતા. તેમજ આગથી બે દીકરીના કરિયાવર સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
મારો હાથ અને મોઢુ બળી ગયું
ભાવનાબેને જણાવ્યું હતું કે, સવારે બાટલો ચડાવ્યો હતો અને ચા બનાવવા ગેસ ચાલુ કર્યો તો બ્લાસ્ટ થયો હતો. આથી હું મારા પુત્રને બચાવવા ગઈ તો ઘણી ઘરવખરી બળી ગઈ. દીકરીના કરિયાવરની વસ્તુઓ પણ બળી ગઈ છે. ગેસનો બાટલો ફાટતા શેરીના લોકો એકઠા થઈ ગયા હતા અને અમને બહાર કાઢી લીધા હતા. મારો હાથ અને મોઢુ બળી ગયું છે.
બે દીકરીનો કરિયાવર બળી ગયો
સ્થાનિક ડાયાભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું મારી ભાણેજ ભાવનાબેનની બાજુમાં જ રહું છું. સવારે ભાવનાબેન ચા બનાવતા હતા ત્યારે ગેસ લિકેજ થઈ ગયો હતો. ગેસ ચાલુ કરતા જ સિલિન્ડર ફાટ્યો હતો. આથી ઘરવખરી બળી ગઈ હતી. માંડ માંડ અમારી ભાણેજ અને તેના બે સંતાનને બહાર કાઢ્યા હતા. બાદમાં સ્થાનિક લોકો એકઠા થયા હતા અને આગ બૂઝાવી હતી. અંદાજે એક-દોઢ લાખની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. હજી બાટલો નવો જ ચડાવેલો હતો. પરંતુ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો.
અગાઉ પણ ગેસ લીકેજથી આગની ઘટના બની હતી
અગાઉ રાજકોટના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ હાઉસિંગ આવાસ યોજનાના એક ક્વાર્ટરમાં ગેસનો બાટલો લીક થતા ભીષણ આગ લાગી હતી. આથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં દંપતી ગંભીર રીત દાઝ્યું હતું. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડાયા હતા. આ ઘટનામાં પણ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.