રાજકોટમાં આજે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજાયું હતું. લીંબુ-મરચાં પહેરી કોંગી કાર્યકરોએ બહુમાળી ભવન ચોક ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને મોંઘવારીનું નાટકીય બેસણું યોજે એ પહેલાં કોંગી કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.
ગરીબની થાળીમાં માત્ર મીઠું, મરચું ને છાશ જ વધ્યાં છે: જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ
આ અંગે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ ગરીબીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. માટે આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. એક સમય હતો, જ્યારે ગરીબની થાળીમાં દાળ-ભાત, શાક રોટલી સહિતની બધી વસ્તુ હતી, પરંતુ આજે મોંઘવારી વધતાં પેટ્રોલ,ડીઝલ રાંધણગેસ તેમજ તેલ અને શાકભાજીના ભાવ એ હદે વધી ગયા છે કે ગરીબની થાળીમાં હવે માત્ર મીઠું, મરચુંને છાશ જ વધ્યાં છે. ત્યારે આજે અમે આ વિરોધ કરી રહ્યા છે, ભાજપની સરકારને માત્ર ચૂંટણી જીતવી છે અને એ માટે જ તેની સરકાર કામ કરે છે. ગરીબ અને મધ્યમવર્ગનો કોઈ વિચાર કરતું નથી. ત્યારે ભડકે બળતી મોંઘવારીનો અમે આજે જિલ્લાકક્ષાએ વિરોધ કર્યો છે.
30થી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ગેસ-સિલિન્ડર અને તેલના ડબાના પ્લેકાર્ડ સાથે વિરોધપ્રદર્શન યોજાયું હતું, એમાં પોલીસ દ્વારા કાર્યકરોને અટકાવવામાં આવતાં તેઓ રસ્તા વચ્ચે બેસી ગયા હતા અને 'ઇન્કલાબ ઝિંદાબાદ' ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારીના નાટકીય બેસણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બેસણું યોજાય એ પૂર્વે જ પોલીસ દ્વારા 30થી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.