રાજકોટના ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતી કારડીયા રાજપૂત પરિણીતા કિરણબેન અજીતસિંહ ડોડીયા (ઉ.વ.34)એ ગઇકાલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પતિ અને સસરાનો અસહ્ય ત્રાસ જવાબદાર હોવાની અને તેના કારણે તે મરી જવા મજબૂર થયાની ફરિયાદ નોંધાવાઇ છે. ‘તું ગામડાની ગોબી છો, તને કંઇ ખબર પડતી નથી, તારો બાપ ભિખારી છે, અમારે દીકરો જોઇતો હતો પણ તું બીજા ખોળે ય દીકરી જ લાવી'...એ સહિતના મેણા ટોણા મારી અસહ્ય ત્રાસ અપાતો હોવાનો આરોપ મુકાયો છે.
જમાઇ-વેવાઇને સમજાવી ગયા હતાં
હજુ બે દિવસ પહેલા જ માતા-પિતા કિરણબેનને કોડીનારથી રાજકોટ આવી બધુ સારું થઇ જશે. તેવો દિલાસો આપી જમાઇ-વેવાઇને સમજાવી ગયા હતાં. એ પછી આ બનાવ બની ગયો હતો. એ-ડિવીઝન પોલીસે આપઘાત કરનાર કિરણબેનના પિતા કોડીનારના જમનવાડા ગામે રહેતાં ભીખુભાઇ લક્ષમણભાઇ પરમાર (ઉ.વ.63)ની ફરિયાદ પરથી જમાઇ અજીતસિંહ નથુભાઇ ડોડીયા અને વેવાઇ નથુભા દુદાભાઇ ડોડીયા સામે આઇપીસી 306, 114 મુજબ ગુનો નોંધ્યો છે.
અહીં દીકરીની લાશ જોવા મળી
મૃતકના ભીખુભાઇએ પોલીસને જણાવ્યું છે કે હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું. મારે એક દીકરો અને બે દીકરી છે. જેમાં નાની દિકરી કિરણબેનના લગ્ન 9 વર્ષ પહેલા કોડીનારના કાજ ગામના નથુભાઇ ડોડીયાના દિકરા અજીતસિંહ સાથે થયા હતાં. મારી દીકરી કિરણબેનને લગ્ન જીવન દરમિયાન બે સંતાન દ્વીજા (ઉ.7) અને ધ્યારા (ઉ.વ.1.5)ની પ્રાપ્તિ થઇ હતી. કિરણબેને બી.એડ સુધીનો અભ્યાસ કર્યો હતો. 17 એપ્રિલના રોજ રવિવારે હું વાડીએ હતો ત્યારે પુત્ર સુજીતે ફોન કરી કહ્યું હતું કે કિરણબેને રાજકોટમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આથી હું, પુત્ર, ભાણેજ સહિતના સગા સબંધીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલે આવ્યા હતાં. અહિ દીકરીની લાશ જોવા મળી હતી.
પતિ-સસરા આવવા દેતાં નહિ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી કિરણબેન 2013થી રાજકોટ ખાતે પતિ, બે દિકરી, સાસુ દમયંતીબેન, સસરા નથુભાઇ, દિયર કિરીટસિંહ અને દેરાણી પીનલબેન સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. તેણીને પતિ અજીતસિંહ અને સસરા નથુભાઇ ઘરકામ બાબતે અવાર-નવાર બોલાચાલી કરી કહેતાં કે તું ગામડાની ગોબી છો, તને કંઇ ખબર પડતી નથી, અમને તું ગમતી નથી, તારા બાપના ઘરેથી કંઇ લાવી નથી, તારા બાપ ભિખારી છે તેમ કહી મેણાટોણા મારી પાંચેક વર્ષથી દુઃખ-ત્રાસ આપતાં હતાં. મારી દીકરીને અમારા ઘરે પ્રસંગોપાત આવવું હોય તો પણ પતિ-સસરા આવવા દેતાં નહિ.
હવે દિકરીઓને તું જ સાચવજે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી કિરણને પહેલે ખોળે દીકરીનો જન્મ થયો પછી બીજા ખોળે પણ દીકરી જન્મતા ત્યારે પણ સસરા અને પતિએ મેણા માર્યા હતાં કે અમારે દિકરો જોઇતો હતો, પણ તે બીજીવાર દીકરી જ લાવી. દિકરીનો જન્મ થતાં કિરણને તેના પતિ અજીતસિંહે બોલાવવાનું બંધ કરી દીધુ હતું તેમજ કહેતો હતો કે હવે દીકરીઓને તું જ સાચવજે. આ પછી મારી દીકરી પર ત્રાસ વધી ગયો હતો. મારી દીકરી અનીલા અને દીકરી સુજીત વિદેશ રહેતાં હોઇ તેને પણ મારી દીકરી કિરણ ફોન કરીને પોતાને ખુબ ત્રાસ છે તેની વાત કરતી હતી. પણ આ લોકો તેને સારું થઇ જશે તેમ કહી દિલાસો આપતાં હતાં.
હવે મારાથી સહન થતુ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 14/4ના રોજ સાંજે સાડા આઠેક વાગ્યે કિરણે મને ફોન કરી કહેલું કે મને મારા પતિ અને સસરા હેરાન કરે છે. આથી મેં તેને હું કાલે રાજકોટ આવીશ તેમ કહ્યું હતું. બીજા દિવસે 15મીએ હું અને મારા પત્નિ પુષ્પાબેન રાજકોટ આવ્યા હતાં. દીકરીના સાસુ દમયંતીબેન અગાઉ બીમાર પડયા હોઇ તેના ખબર પુછવાના બહાને આવ્યા હતાં. એ વખતે કિરણે હવે મારાથી સહન થતુ નથી તેવી વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.