અનોખો વિરોધ:રાજકોટમાં વોર્ડ નં. 11ના 80 ફૂટ રોડ પર સિનીયર સિટીઝને ખાડાની પૂજા કરી રામધૂન બોલાવી, મનપાના ઠાલા વચનોથી કંટાળી વિરોધ કર્યાનો આક્ષેપ

રાજકોટએક મહિનો પહેલા
ખાડાની પૂજા કરી સિનીયર સિટીઝને અનોખો વિરોધ દર્શાવ્યો.
  • ખાડાદેવ કોઇના ભોગ ન લેશો અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો અને અધિકરીઓને સદબુદ્ધિ આપજો તેવી પ્રાર્થના કરી

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા વિકાસની મોટી મોટી વાતો વચ્ચે વોર્ડ નંબર 11માં પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયેલા અંબિકા ટાઉનશીપ સહિતની 12 જેટલી સોસાયટીના રહીશોએ મનપાના પદાધિકારીઓ અને અધિકારોની ઢીલી કાર્યપદ્ધતિ અને ઠાલા વચનોથી કંટાળીને આજે 80 ફૂટના રોડ પર ખાડાની પૂજા કરી રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

જીવરાજ પાર્કના રહીશ કાંતિભાઇ ભૂતે વિરોધ નોંધાવ્યો
રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલા જીવરાજ પાર્કના રહીશ કાંતિભાઇ ભૂતે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, હું અહીંના ખાડાને ભગવાન માની વિનંતી સાથે પ્રાર્થના કરું છું કે ખાડાદેવ કોઇના ભોગ ન લેશો અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો અને અધિકરીઓને સદબુદ્ધિ આપજો. આ સાથે ખાડાની પૂજા કરી ટંકોરી વગાડી રામધૂન બોલાવી રહીશોએ તંત્રની આંખ ઉઘડવા પ્રયાસ કર્યો હતો.

જીવરાજપાર્ક સોસાયટીના લોકો પણ વિરોધમાં જોડાયા.
જીવરાજપાર્ક સોસાયટીના લોકો પણ વિરોધમાં જોડાયા.

ત્રણ વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ
રાજકોટના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે 80 ફૂટ રોડ પર બન્ને બાજુ આર્યલેન્ડ સોસાયટી, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, બસેરા હાઈટ્સ, શ્યામ સ્કાયલાઇફ સહિતની 12 જેટલી સોસાયટીઓ આવેલી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સોસાયટીઓમાં રાજકોટ મનપાની વેસ્ટ ઝોનના ઇજનેરો દ્વારા પાયાની સવલતો જેવી કે પાણી, ગટર, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધાઓ ત્રણ વર્ષ વીત્યા બાદ પણ આપી નથી.

ખાડાની પૂજા કરી શ્રીફળ પણ વધેર્યું.
ખાડાની પૂજા કરી શ્રીફળ પણ વધેર્યું.

રસ્તા વરસાદી પાણીના વહેણમાં ધોવાઈ જતા સમસ્યા
વિરોધ કરતા સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, જીવરાજ પાર્ક સહિતની સોસાયટીઓ 80 ફૂટ રોડ સાથે જોડાયેલી છે, સોસાયટીના 5000 રહીશો સમયસર મકાન વેરા, પાણી વેરા સહિતના કરવેરા ભરે છે. છતાં હજુ સુધી કોઈ પાયાની સુવિધા મળી નથી. ચાર કોર્પોરેટરોને ફરિયાદ કરવા જતા ગમતું નથી. જ્યારે મનપાની ઇજનેરની ટીમે માત્ર ખાડામાં ધૂળ નાખી સંતોષ માની લે છે. જેના કારણે રસ્તા વરસાદી પાણીના વહેણમાં ધોવાઈ જતા સમસ્યા યથાવત રહે છે. અમે કોઇ ચાંદીનો કે સોનાનો કે સિમેન્ટનો રોડ માગ્યો નથી પરંતુ ડામરનો રોડ તો વ્યવસ્થિત કરી આપે.