વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ મનપાના ચાલુ બે મહિલા કોર્પોરેટર અને એક પૂર્વ મેયર તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ટિકિટ ફાળવવામાં આવી છે. ભાજપ દ્વારા આજે જાહેર કરેલ યાદી મુજબ રાજકોટ શહેરની 3 અને ગ્રામ્યની 1 મળી કુલ ચાર બેઠકો પૈકી 3 બેઠક પર મનપા કનેક્શન સામે આવ્યું છે.
7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે
ભાજપ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને લઇ 160 ઉમેદવારોની યાદ જાહેર કરી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની મળી કુલ 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં વિધાનસભા સાથે રાજકોટ મહાનગર પાલિકાનું કનેક્શન સામે આવ્યું છે. ભાજપે જાહેર કરેલ આજની યાદીમાં રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ તેમજ એક મહિલા કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને સૌથી નાની ઉંમરે મેયર બનેલા પૂર્વ મેયર તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી છે. જો કે આ વખતે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી વિધાનસભા 68, 79, 70 અને 71 એમ કુલ ચારેય બેઠક પર નવા ચહેરાઓને તક આપી છે.
નાની વયે મેયર બનવાનો રેકોર્ડ ઉદય કાનગડના નામે
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ઉદય કાનગડ ઉમેદવાર છે. ઉદય કાનગડ હાલ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે અગાઉ તેઓ રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસકપક્ષના પૂર્વ નેતા રહી ચુક્યા છે. ઉદય કાનગડ કોર્પોરેટર તરીકે ચારવાર ચૂંટાયા અને ચારેયવાર ભાજપ પક્ષે તેઓને મહત્વપૂર્ણ હોદ્દો આપ્યો છે. ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ પણ તેઓના નામે જ છે. વર્ષ 1995માં પ્રથમવાર મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા તેઓ જંગી લીડથી વિજેતા બન્યા 1997માં તેઓને રાજકોટના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થયું ત્યારે તેઓએ રાજ્યમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2005માં તેઓનો કોર્પોરેશનમાં ફરી ઉદય થયો અને બીજી ટર્મમાં પક્ષે તેઓને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા હતાં. મેયરપદેથી ઉતર્યા બાદ તરત જ શાસક પક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા હતા. 2010થી 2015 સુધીની ટર્મમાં તેઓને ડેપ્યુટી મેયરપદ સોંપવામાં આવ્યુ જ્યારે 2015 થી 2020ની ટર્મમાં તેઓએ અઢી વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સંભાળ્યુ હતું.
ડો. દર્શિતાબેન શાહના પરિવારનું સંઘ સાથે કનેક્શન
રાજકોટની પશ્ચિમ વિધાસનભા બેઠક પર ઉમેદવાર તરીકે ડો. દર્શિતાબેન શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેઓ સતત બીજી ટર્મમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માંથી ચૂંટાઇ ને આવી રહ્યા છે. 2015 થી 2020 અને ત્યારબાદ 2020 થી 2025 ની ચાલુ ટર્મમાં તેઓ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમનું સંઘ કનેક્શન હોવાથી અને નિર્વિવાદિત ચહેરો હોવાથી 2015 થી 2020 ટર્મમાં અઢી વર્ષ માટે અને આજે ફરી 2020 થી 2025 ની ટર્મમાં સતત બીજી વાર રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભાનુબેન બાબરિયાએ કોર્પો.ની ચૂંટણી જંગી મતથી જીતી હતી
રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર છે ભાનુબેન બાબરીયા. ભાનુબેન બાબરિયા ચાલુ ટર્મમાં એટલે કે રાજકોટ મનપાની 2020 થી 2025 ટર્મમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી વોર્ડ નંબર 1માંથી લડી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 1 માં વિજેતા બનતા તેમનું નામ મેયર પદની રેસમાં ચર્ચામાં હતું જો કે અંતમાં તેમના બદલે ડો. પ્રદિપ ડવનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે તેઓ વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર છે સાથે સાથે ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના સસરા માધુભાઈ બાબરીયા પણ પૂર્વ ધારાસભ્ય છે
પ્રથમ વખત બે મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા
રાજકોટ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત બે મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જોગાનુજોગ બંને કોર્પોરેટર પણ હોય, આગામી સમયમાં જો તેઓ ચૂંટણી જીતી જાય તો કોર્પો.માં પેટા ચૂંટણી આવી શકે એવી શકયતા પણ રાજકીય વર્તુળો વ્યકત કરવા લાગ્યા છે.
પાર્ટી નવા ચહેરાને તક આપી શકે છે
જોકે પાર્ટી લાંબો સમય બે પદ ચાલુ રાખવાના બદલે નવા ચહેરાને તક આપી શકે. આ વાતો આમ તો વહેલી છે. વિધાનસભાની ચૂંટણી બાદ વોર્ડ નં.15માંથી ગેરલાયક ઠરેલા અને આપમાં ગયેલા બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇની બેઠક ખાલી ગણીને ત્યાં પણ પેટા ચૂંટણી આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.