આજે રાજકોટિયન્સ મકરસંક્રાતિના પર્વની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે નેતા અને સેલિબ્રિટી પણ આજના આ પર્વની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પતંગ-દોરી સાથે પક્ષને સરખાવીને જણાવ્યું હતું કે,પતંગ નેતૃત્વનું પ્રતીક છે, ભાજપમાં પતંગ-દોરો-માંજો બધું બંધાયેલું છે.
અમારી પાસે નરેન્દ્રભાઈ જેવી જબરદસ્ત પતંગ છે
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘નવરાત્રી અને મકરસંક્રાંતિ ગુજરાતની ઓળખ છે. ગુજરાતમાં બંને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે પણ અમે પરિવાર સાથે આનંદ માણી રહ્યા છીએ.અમારી પાસે નરેન્દ્ર ભાઈ જેવી જબરદસ્ત પતંગ છે એટલે અમારા પક્ષમાં સંગઠન મજબૂત છે. આવી પતંગ અન્ય કોઈ પાર્ટી પાસે નથી.
ભાજપનું સંગઠન સૂત્રતાથી બંધાયેલું છે
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે,ફિરકી અને દોરો એ સંગઠન છે ભાજપનું સંગઠન પણ લતે-લતે મોલે-મોલે એક સૂત્રતાથી બંધાયેલું છે અમે બુથ લેવલથી લઈને પેજ કમિટી સુધી પહોંચ્યા છીએ અમારું સંગઠન પણ શ્રેષ્ઠ છે રાજકારણમાં ભાજપનો પતંગ દોરો ફીરકી પવન બધું જ શ્રેષ્ઠ છે.
લોકોમાં ભારે ઉત્સાહ
નોંધનીય છે કે કોરોનાકાળ બાદની ઉત્તરાયણ આવી છે જેના પગલે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વળી વાસી ઉત્તરાયણને દિવસે રવિવાર હોવાથી બે દિવસની રજાના મેળના પગલે શહેરમાં બે દિવસ પતંગોત્સવ ધમધૂમથી ઉજવાશે. લોકો બે દિવસ ધાબાઓ પર મ્યુઝિક સિસ્ટમોના તાલે જુમી ઉઠશે અને આકાશ પતંગોથી છવાયેલુ રહેશે.
ઉતરાયણમાં ઉલ્લાસનો ઠાઠમાઠ
ભારતભરમાં પતંગનું આવું પર્વ મનાવતી જાતિ તો ગુજરાતી જ છે. નવરાત્રિના દાંડિયા અને પતંગના પેચ એ ગુજરાતની એવી મોનોપોલી છે કે જેને જોઇને દુનિયા ડોલી છે! પૂજાપાઠની ઔપચારિકતા કરતા ઉલ્લાસનો ઠાઠમાઠ આ તહેવારોને ટકાવી રાખે છે. બાકી તો, રેસિંગ કારની માફક ફ્લાઈંગ કાઈટ્સની વિડિયો ગેઈમ પણ બની શકે ને! એકબીજામાં ગુંચવાતા રંગબેરંગી અવનવા આકારોના પતંગતણા – પોઈન્ટ સ્કોરિંગના રાઉન્ડ્સ! કોમ્પ્યુટરના સ્ક્રીન પર અવનવા વાતાવરણમાં પતંગ ચગાવવાની અને મેક્સિમમ કાઈટ્સ કાપવાની!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.