વિરોધ પ્રદર્શન:રાજકોટમાં જિ.પંચાયત ખાતે VCE કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને ધરણા કર્યા

રાજકોટ2 મહિનો પહેલા
VCE કર્મચારીઓએ ધરણા - વિરોધ પ્રદર્શન કર્યા હતા - Divya Bhaskar
VCE કર્મચારીઓએ ધરણા - વિરોધ પ્રદર્શન કર્યા હતા
  • જિલ્લા પંચાયતમાં ગ્રામ્ય સ્તરે ઓનલાઇન કામકાજ ઠપ્પ થયું
  • VCEની હડતાળને તલાટી મંત્રી મંડળ સરપંચ મંડળ દ્વારા સમર્થન અપાયું

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આજે VCE કર્મચારીઓ અર્થાત વિલેજ કોમ્પ્યુટર આંત્ર્યપ્રિન્યોર દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જિલ્લાના અનેક ગામડાઓમાંથી VCE જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. અને પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ગત 11મી મેથી પોતાની પડતર માગણીઓના કારણે VCE દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના કારણે ગ્રામ્ય સ્તરે પંચાયતમાં ઓનલાઇન કામગીરી ખોરવાઇ હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ VCEની હડતાળને તલાટી મંત્રી મંડળ સરપંચ મંડળ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

આ છે VCE કર્મચારીઓની માંગ
રાજ્યના VCE કર્મીઓ દ્વારા વિવિધ માગોને લઇ વિરોધ કરાઇ રહ્યો છે. VCE કર્મીઓની માંગ છે કે, ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે સાથે જ VCE કર્મીને પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે, આ ઉપરાંત VCE કર્મચારીઓની માંગ છે કે, કમિશન મળે સાથે જ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. અને જે પગાર આપવામાં આવે છે. તેમા થતો ભેદભાવ દૂર કરવામાં આવે છે. તથા તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે.

ગ્રામજનોને રીતસર રઝળપાટ થઇ રહી છે
VCEની હડતાળને કારણે ગામડાંઓમાં રેશનિંગ કાર્ડ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, 7-12 ઉતારા સહિતની સરકારી યોજના સંલગ્ન મહત્ત્વની કામગીરીઓ ખોરવાતા ગ્રામજનોને રીતસર રઝળપાટ થઇ રહી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. તેમ છતાં સરકાર તરફથી લાભ આપવામાં ન આવતો હોવાનો આક્ષેપ VCE કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.