રાજકોટના બેડીનાકા વિસ્તારમાં રહેતાં વૃદ્ધા ઘરેથી મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે ખડકીનાકા પાસે મળેલી એક મહિલાએ ‘માજી તમને કેટલુ પેન્શન મળે છે? મારા ભેગા સિવિલ હોસ્પિટલે આવો તો 7000 પેન્શન અપાવીશ’ કહી ભોળવીને હોસ્પિટલે લઇ ગઈ હતી. બાદમાં તમારો ફોટો એક બહેન પાડીને પછી 7000 આપશે, પણ તમે સોનાના પાટલા પહેર્યા છે એ જોઇ જશે તો નહીં આપે તેમ કહી પાટલા ઉતરાવી હમણા આવું કહીને નીકળી ગઈ હતી. બાદમાં ન આવતા વૃદ્ધાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. દોઢ લાખના 30 ગ્રામના સોનાના પાટલા હતા.
7 હજાર વિધવા પેન્શનની લાલચમાં વૃદ્ધા ફસાયા
એ ડિવીઝન પોલીસે બેડીનાકા ટાવર પાસે માતૃકૃપામાં રહેતાં લીલાવંતીબેન રસિકભાઇ સુરાણી (ઉં.વ.70)ની ફરિયાદ પરથી અજાણી આશરે 35 વર્ષની સ્ત્રી કે જેણે બ્લુ પેન્ટ અને
લાલ-સફેદ બ્લુ કલરના પટ્ટાવાળુ ટીશર્ટ પહેર્યુ હતું તે સ્ત્રી વિરૂદ્ધ IPC 406, 420 મુજબ ગુનો નોંધ્યો છે. લીલાવંતીબેને પોલીસને જણાવ્યું છે કે, ગુરૂવારે સવારે અગિયારેક વાગ્યે હું મારા ઘરથી આગળ આવેલા રાણીમા-રૂડીમા મંદિરે જવા નીકળી હતી. ખડકીનાકા ચોકના પગથીયા ચડતી હતી ત્યારે એક મહિલા મારી પાસે આવી હતી અને કહ્યુ હતું કે ‘તમારે વિધવા પેન્શન કેટલુ આવે છે?’ આથી મેં કહ્યું કે, રૂ. 1250 આવે છે. એ પછી આ મહિલાએ મને કહ્યું કે, મારી સાથે સિવિલ હોસ્પિટલે આવો તો તમને હું રૂ.7000 વિધવા પેન્શન કરાવી આપું.
તમારી દીકરી સમાન કહી વૃદ્ધાને ભોળવ્યા
આથી મેં તેને કહ્યું કે, મારે ઘરે પૂછવું પડે. પરંતુ તેણે કહ્યું કે, કોઇને પૂછવાની જરૂર નથી, હું તમારી દીકરી જેવી જ છું. તેમ કહેતાં મને તેના પર વિશ્વાસ આવતાં હું તેની સાથે બેડીનાકા ટાવરથી એક ઓટો રિક્ષામાં બેસી ગઈ હતી અને બન્ને સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. મને ત્યાં એ મહિલાએ અલગ અલગ વિભાગમાં ફેરવ્યા બાદ હોસ્પિટલના ગેઇટ નજીક ટ્રોમા સેન્ટર પાસે મને ઉભી રાખી હતી અને કહ્યું હતું કે, એક બહેન તમારી પાસે આવશે અને ફોટો પાડી તમને રૂ. 7000 આપશે. પરંતુ તમે આ સોનાના પાટલા પહેર્યા છે એ જોઇ જશે તો વધુ પેન્શન નહીં મળે. મેં પાટલા આપવાની ના પાડતાં તેણે ફરીથી કહ્યું કે, વિશ્વાસ રાખો, હું તમારી દીકરી સમાન જ છું. આથી મેં સોનાના પાટલા ઉતારીને આપી દીધા હતાં. એ પછી તે મને તમે અહીં જ ઉભા રહો, હું ફોટો પાડવાવાળા બહેનને તેડીને આવું છું તેમ કહી જતી રહી હતી.
પોલીસે મહિલાના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી
લાંબો સમય સુધી રાહ જોવા છતાં ન આવતાં મેં ગેઇટ પાસે ચાવાળાને વાત કરતાં તેણે પોલીસને બોલાવી હતી અને મને પોલીસ સ્ટેશને લઇ જઇ મારી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી. મારા સોનાના પાટલા 30 ગ્રામ વજનના હતાં અને તેની કિંમત 1,50,000 હતી. હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ એલ. વાઘેલાએ ગુનો નોંધી ઠગ મહિલાના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.