ભલમનસાઈમાં જીવ ગુમાવ્યો:રાજકોટમાં બે મોબાઈલ ચોર રંગેહાથ ઝડપાયા, બંનેએ 9 શખસો સાથે મળી રસનો ચિચોડો ચલાવનારની છરીના 9 ઘા ઝીંકી હત્યા કરી

રાજકોટ4 મહિનો પહેલા
  • બે આરોપીએ ભૈયાજીનો મોબાઈલ ચોર્યો હતો અને મૃતકે બંનેને રંગેહાથ ઝડપ્યા હતા
  • 11 હત્યારામાંથી 6 સગીર સહિત 8 આરોપીની ધરપકડ કરાઇ, 3ની શોધખોળ ચાલુ

રાજકોટના ખોડિયારપરામાં રહેતા સલીમ ઉર્ફે સાજિદ (ઉં.વ.42) 80 ફૂટ રોડ પર આજી ડેમ નજીક અમૂલ સર્કલ પાસે આવેલા ધરતી રસ ડેપો નામે ચિચોડા ચલાવતો હતો. મંગળવારે રાતે 11.30 વાગ્યે તે ચિચોડા પર બેઠો હતો ત્યારે 9 શખસો બાઇક પર ધસી આવી સલીમને પાઈપથી બેફામ માર માર્યો હતો અને છરીના બે ઘા ઝીંકતા મોત નીપજ્યું હતું. આ અંગે થોરાળા પોલીસ દોડી આવી હતી સલીમના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રસ ડેપો પાસે જંગલેશ્વરના શક્તિ અને કૃપાલે એક ભૈયાજીનો મોબાઈલ ચોર્યો હતો. આ બંનેને સલીમે રંગેહાથ પકડી મોબાઈલ લઈ ભૈયાજીને પરત આપાવ્યો હતો. આ બાબતનો ખાર રાખી શક્તિ અને કૃપાલે અન્ય 9 શખસો સાથે ધસી આવી સલીમની હત્યા કરી હતી. 4 બાઇકમાં 11 શખસો આવ્યા હતા અને સલીમને હ્રદયના ભાગમાં છરીનો ઘા ઝીંકતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

હત્યારાઓએ હાજર લોકોને વચ્ચે ન પડવા ધમકી આપી હતી
મંગળવારની રાત્રિના શક્તિ અને કૃપાલે ભૈયાજીનો ચોરેલો મોબાઈલ સલીમે લઇ લીધો હતો. બાદમાં મોબાઈલ ભૈયાજીને પરત કર્યો હતો. આ અંગેનો ખાર રાખી શક્તિ અને કૃપાલ તેમની સાથે બીજા 9 શખસોને બાઇકમાં લઇ આવ્યા હતા અને સલીમ સામે આંગળી ચીંધી કહ્યું હતું કે, મામા આ લોકોએ જ અમને માર માર્યો હતો. બાદમાં ઝઘડો કરી સલીમને પાઈપથી માર મારી અને છરીના 9 ઘા ઝીંકી દઈ ઢીમ ઢળી દીધું હતું. આ બનાવના પગલે નાસભાગ મચી ગઈ હતી અને આરોપીઓએ અન્ય લોકોને કહ્યું હતું કે, કોઈ વચ્ચે પડતા નહીં નહીંતર તમને પણ જાનથી મારી નાખીશું.

આરોપી બહાદૂર ચૌહાણ અને શૈલેષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી.
આરોપી બહાદૂર ચૌહાણ અને શૈલેષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી.

હત્યા કર્યા બાદ હત્યારાઓ નાસી છૂટ્યા હતા
છરીના ઘા ઝીંકી સલીમની હત્યા કરી હત્યારાઓ નાસી ગયા હતા, ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ કાતરિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સલીમ પર હુમલો થયો ત્યારે તેની સાથે રસ ડેપોમાં તેનો એક પરિચિત વ્યક્તિ હતો, પરંતુ ઘટનાને પગલે તે નાસી ગયો હતો, પોલીસે સલીમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. સલીમ ઉર્ફે સાજિદ દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, મૃતકના ભત્રીજાની ફરિયાદ પરથી 11 શખસો સામે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. જેમાં 11 હત્યારા પૈકી 6 સગીર હોવાનું સામે આવ્યું છે. જેમાં બહાદૂર કિશોરભાઈ ચૌહાણ, શૈલેષ કિશોરભાઈ ચૌહણ અને 6 સગીર આરોપીની ધરપકડ કરાઇ છે. જ્યારે આસિફ, શાહરૂખ અને સાહિલની શોધખોળ હાથ ધરાઈ છે.

સલીમની હત્યાથી પરિવારજનોમાં શોક છવાયો.
સલીમની હત્યાથી પરિવારજનોમાં શોક છવાયો.

મૃતકના ભત્રીજાએ પોલીસ ફરિયાદ નોંધાવી
આજી વસાહતમાં રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતો મૃતક સલીમના ભત્રીજા અલ્તાફ ઇકબાલભાઇ કુરેશીએ પોલીસ ફરિયાદમાં શક્તિ, બહાદુર, કૃપાલ ઉર્ફે કાનો, શાહરૂખ, વિકી, શૈલેષ અને શાહીદનું નામ લેતા તમામ સામે કલમ 302, 323, 504, 506 (2), 120 (બી), 143, 147, 148, 149 તથા જી.પી. એકટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મૃતક ચાર ભાઈઓમાં સૌથી નાના હતા
અલ્‍તાફે પોલીસને જણાવ્‍યું છે કે મારા બાપુજીને ચાર ભાઇઓમાં સૌથી મોટા યુનુસભાઇ ગુજરી ગયા છે. બીજા નંબરે રસુલભાઇ કાલાવડ રોડ પર રહે છે. ત્રીજા મારા બાપુજી અને સૌથી નાના મારા કાકા સલીમભાઇ ઉર્ફે સાજીદભાઇ કુરેશી હતાં. કાકા મારા ઘરથી નજીકમાં જ રહે છે. તેના પત્‍નીનું નામ રિઝાવાનાબેન છે અને સંતાનમાં ત્રણ દીકરી તથા એક દીકરો છે. મારા કાકાને મારી ઇંડાની લારીથી થોડે દૂર આજી વસાહત GIDC રોડ અમૂલ કારખાનાની સામે ઇંડાની લારી હતી. તેમજ તેણે હાલમાં ધરતી રસ ડેપો નામે શેરડીના રસનો ચિચોડો ચાલુ કર્યો હતો.

મંગળની રાતે બનેલી હત્યાની ઘટના
અલ્તાફે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે આઠેક વાગ્‍યે હું મારી ઇંડાની લારીએ હતો ત્‍યારે જાણવા મળ્યું કે, મારા કાકાની લારીએ માણસોનું ટોળુ ભેગું થયું છે. આથી હું ત્‍યાં જતાં બે શખસોએ ભૈયાનો મોબાઇલ ફોન ચોર્યો હોય તેને મારા કાકાની કેબિન પાસે લઇ આવ્‍યા હતાં. આ છોકરા પાસેથી એક મોબાઇલ મળતાં મારા કાકાએ એ લઇને ભૈયાને પાછો આપી દીધો હતો. આ છોકરાની મારા કાકાએ પુછપરછ કરતાં, નામ પૂછતાં એ બંનેએ પોતાના નામ શક્‍તિ જાદવ અને કૃપાલ ઉર્ફ કાનો પરમાર જણાવી બંને જંગલેશ્વરમાં રહેતાં હોવાનું કહ્યું હતું. એ પછી મારા કાકાએ આ બંને શખસોને પોતાની કેબિન પાસે પ્‍લાસ્‍ટિકના પાઇપથી માર માર્યો હતો.

સિવિલ હોસ્પિટલ દોડી આવેલા પરિવારજનો.
સિવિલ હોસ્પિટલ દોડી આવેલા પરિવારજનો.

સવા અગિયારેક વાગ્‍યે બાઇક પર 9 શખસો આવ્યા
ત્‍યારબાદ હું મારી રેંકડીએ આવી ગયો હતો. એ પછી રાતે અગિયારેક વાગ્‍યે મારા કાકા સલિમભાઇની રેંકડીએ હું આંટો મારવા ગયો હતો. ત્‍યાં તેની સાથે કામ કરતો દિનેશ બચુભાઇ લીંબડ અને અમારા પડાશી યુનુસ દલ તથા તેનો દીકરો સોહિલ પણ હાજર હતાં. કાકાએ તેનો રસનો ચિચોડો અને ઇંડાની લારી બંધ કરી હતી. આશરે સવા અગિયારેક વાગ્‍યા હતાં ત્‍યારે ચાર મોટર સાઇકલમાં ત્રણ ત્રણ સવારીમાં 11 જણા આવ્‍યા હતાં. જેમાં બે શખસો સાંજે ભૈયાનો મોબાઇલ ચોરતાં પકડાઇ ગયા એ શક્‍તિ અને કૃપાલ પણ હતાં. બાદમાં શક્‍તિએ મારા કાકા સલિમભાઇ સામે આંગણી ચીંધી હતી અને બોલવા લાગ્‍યો હતો કે બહાદુર મામા, શૈલેષ મામા અને વિક્કી મામા જો આ ભાઇએ અમને માર્યા હતા.

ત્રણ શખસોએ મારા કાકાને આડેધડ છરીના ઘા ઝીંક્યા
કાના નામના શખસે પણ મારા તરફ આંગળી ચીંધી કહ્યું હતું કે શાહરૂખ, શાહીદ આ ભાઇએ પણ અમને આડેધડ માર માર્યો હતો. આથી આ બધાએ મારા કાકાને કહ્યું હતું કે, તમે કેમ છોકરાઓને માર્યા હતાં? તેમ કહી ગાળો દેવા માંડ્યા હતાં. એ પછી શક્‍તિ, બહાદુર અને શાહરૂખે છરીઓ કાઢી હતી અને બીજા શખસોએ મારા કાકા સલીમભાઇને પકડી રાખ્‍યા હતાં. ત્રણેયએ આડેધડ છરીના ઘા ઝીંક્‍યા હતાં. બીજા શખસોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. હું છોડાવવા વચ્‍ચે પડતાં મને પણ વચ્‍ચે નહીં પડતો નહીંતર તને પણ મારી નાંખશું તેમ કહી ધમકી આપી હતી. મારા કાકા પડી જતાં આ બધા શખસો બાઇકમાં ભાગી ગયા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં. 108ને બોલાવાઇ હતી પણ તેના ડોક્‍ટરે મારા કાકાને મૃત જાહેર કરતાં અમે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...